રાજકોટમાં ગોડાઉનમાંથી ૨.૭૭ લાખના આઠ એલસીડીની ચોરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોડાઉનનો પૂર્વ મેનેજર શંકાના દાયરામાં
- શહેરના છેવાડે નવાગામમાં આવેલા ગોડાઉનમાં ચોરીના બનાવથી પોલીસ દોડી


શહેરની ભાગોળે નવાગામમાં આવેલા ગોડાઉનમાંથી ઘૂસી કોઇ શખ્સ રૂ.૨૭૭૪૯૮ની કિંમતના આઠ એલસીડી ઉઠાવી જતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ગોડાઉનનો પૂર્વ મેનેજર શંકાના દાયરામાં જણાતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

નવાગામમાં ગુજકો માર્શલ ડેપોમાં આવેલા મહેતા એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનને ગત શનિવારે રાત્રીના દસ વાગ્યે બંધ કર્યા બાદ રવિવારે સવારે ૮.૩૦ વાગ્યે ખોલવામાં આવ્યું હતું. આ ગણતરીની કલાકોમાં કોઇ શખ્સ ગોડાઉનમાં ઘૂસી રૂ.૨૭૭૪૯૮ની કિંમતના આઠ નંગ એલસીડી-એલઇડી ઉઠાવી ગયું હતું. ચોરી કરવા માટે ગોડાઉનની હવાબારીની ગ્રીલ તોડી કોઇ શખ્સ અંદર ઘૂસ્યું હતું. અને ત્યાંથી જ બહાર નીકળ્યો હતો.

આ અંગે ભોમેશ્વર સોસાયટીમાં રહેતા ગોડાઉનના મેનેજર ક્રિપાલસિંહ અજીતસિંહ ગોહિલે કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. ફરિયાદી ક્રિપાલસિંહે નોંધાવેલી ફરિયાદમાં શકદાર આરોપી તરીકે ગોડાઉનના પૂર્વ મેનેજર નીલેશ વિઠલાણીનું નામ આપ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નીલેશ અગાઉ ઉપરોકત ગોડાઉનમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. અને બે મહિના પૂર્વે જ નોકરી છોડી અન્ય સ્થળે જતો રહયો હતો. પોલીસે શકદાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી. આઠ એલસીડી લઇ જવા માટે વાહનનો પણ ઉપયોગ થયાની શંકા સેવાઇ રહી છે.

દરમિયાન નવાગામ વિસ્તારમાં આવેલા અનેક ગોડાઉનમાં અવાર-નવાર ચોરીના બનતા બનાવથી વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ વિશેષ કરવામાં આવે તેવી પણ અનેક વખત રજુઆત કરવામાં આવી છે.

- વધુ એક મહિલાના મંગળસૂત્રની ચીલઝડપ

શહેરમાં ચીલઝડપનો વધુ એક બનાવ નોંધાયો છે. મવડી ગામમાં હરિદ્વાર સોસાયટીમાં રહેતા નયનાબેન પ્રકાશભાઇ તળપદા આજે બપોરે પતિ સાથે બાઇક પાછળ બેસીને સુખસાગર સોસાયટીમાંથી પસાર થઇ રહ્યા હતા. આ સમયે નંબર પ્લેટ વગરના બાઇકમાં આવેલ બે શખ્સ પૈકી એક શખ્સે નયનાબેનના ગળા ઉપર ઝોંટ મારીને ૪૮ હજારનું મંગળસૂત્ર ઝૂંટવીને નાસી ગયા હતા. દંપતીએ બૂમાબૂમ કરી હતી પરંતુ બાઇકસવાર બન્ને શખ્સ આંખના પલકારામાં પલાયન થઇ ગયા હતા. પોલીસે વર્ણનના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા છે.