રાજકોટ: યાર્ડમાં મજૂરોની હડતાળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકાત્મક ઉપયોગ)
- પ્લેટફોર્મ ઊચું હોવાથી માલ ઊંચકવામાં મુશ્કેલીથી મજૂરો નારાજ
- યાર્ડના સત્તાધીશોની ખેડૂતોને માલ નહીં લાવવા સૂચના

રાજકોટ: નવા બેડી યાર્ડમાં શુક્રવારે મજૂરોએ વીજળિક હડતાળ પાળી દેતાં કપાસ સિવાયની તમામ જણસીની હરાજીનું કામકાજ અટકી ગયું હતું. પ્લેટફોર્મની ઊંચાઇ વધુ હોવાથી મજૂરોને માલ ઊંચકવામાં મુશ્કેલી પડી રહી છે અને કામ કરવું શકય નથી તેમ મજૂરોનું કહેવું છે, જ્યારે યાર્ડના સત્તાધીશોએ આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને કામ ન કરવું હોય તેને યાર્ડમાંથી બહાર નીકળી જવા જણાવ્યું છે. હડતાળથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડી હતી. ચેરમેને જણાવ્યું હતું કે શનિવારે રાજકોટ યાર્ડમાં માલ ન લાવવા ખેડૂતોને સૂચના અપાઇ છે.

શું કહે છે યાર્ડના સત્તાધીશો

યાર્ડના ચેરમેન હરદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મજૂરોની પ્લેટફોર્મ મુદે મૌખિક માગણી હતી. નવા યાર્ડમાં પ્લેટફોર્મ બે ફૂટ ઊંચા છે, મજૂરોએ રજૂઆત કરી હોત તો ઢાળિયા આપી વ્યવસ્થા કરી શકાઇ હતો. અત્યારે મજૂરો દલાલ મારફત હોય છે જે આગામી સમયમાં યાર્ડ મજૂરો પૂરા પાડશે.

શું કહે છે મજૂર સંગઠન

મજૂર યુનિયનના પ્રતિનિધિએ આ અંગે જણાવ્યું હતું કે યાર્ડનું બાંધકામ ચાલુ હતુ, ત્યારે પ્લેટફોર્મની ઊંચાઇ બાબતે ચેરમેનનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ત્યારે જૂના યાર્ડ જેટલી હાઇટ કરી અપાશે તેવી બાંહેધરી ચેરમેને આપી હતી. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ ન થઇ શકે પણ અમારી રજૂઆતને ગંભીરતાથી ધ્યાને ન લેવાતાં હડતાળ પર ઉતરી જવું પડ્યું છે પણ ચેરમેને રજૂઆત સાંભળવા માટે કોઇ પણ પ્રયત્ન કર્યો નહીં. ઉલ્લેખનીય છે કે યાર્ડમાં 2000થી વધુ મજૂરો કામ કરી રહ્યા છે.