ખેલૈયાઓએ શરૂ કરી ઝૂમવાની તૈયારી, યુવક-યુવતીઓમાં થનગનાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાજકોટના ગરબા આગવી સ્ટાઇલ માટે પ્રચલિત છે, હવે પરંપરામાં વેરાઇટિઝ ઉમેરવા માટે ખેલૈયાઓ થનગની રહ્યાં છે. પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે અત્યારથી જ યુવક-યુવતીઓ ગંભીરતાથી તૈયારી કરે છે. ગણપતિ ઉત્સવમાંથી હજી તો આયોજકો હાશકારો અનુભવશે ત્યાં તો નોરતાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું હશે. શેરીઓ પ્રાચીન ગરબી માટે શણગાર સજશે અને પાર્ટીપ્લોટ્સ ધમાકેદાર અવૉચીન દાંડિયારાસનો ધબકાર ઝીલવા સજજ બનશે. પ્રિન્સ-પ્રિન્સેસ બનવા માટે યુવક-યુવતીઓ થનગની રહ્યા છે અને અત્યારથી જ રાસ શિખી રહ્યા છે.સ્ટેપ્સ શીખી રહ્યા છે. ૧૬મી ઓક્ટોબરે પ્રથમ નોરતું છે,રાજકોટના ગરબા તો રાજ્યભરમાં પ્રચલિત છે. શહેરમાં નવરાત્રિની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગરબા ગ્રાઉન્ડ પર સૌથી યુનિક ગરબા સ્ટાઇલ પરફોર્મ કરવા માટે અત્યારથી જ કલાસમાં હજારોની સંખ્યામાં ખેલૈયાઓ પરસેવો પાડી રહ્યા છે. રાજકોટમાં વર્ષોથી ટ્રેડશિનલ સ્ટાઇલની સાથે વેસ્ટર્ન ટચ પણ જોવા મળી રહ્યો છે. જેની પ્રેક્ટિસો કરવામાં ખેલૈયાઓ મશગુલ બની ગયા છે. - દાંડિયારાસના ૨૦૦થી વધુ સ્થળે કલાસ રાજકોટમાં દાંડિયા શીખવાનો ક્રેઝ વધી રહ્યો છે. દાંડિયા કલાસ ચલાવતા હાર્દિક પરમારે જણાવ્યું હતું કે દર વર્ષે દાંડિયા કલાસમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં મુખ્ય ર૦૦થી વધુ દાંડિયારાસના કલાસો ધમધમી રહ્યા છે અને તમામ દાંડિયારાસ કલાસમાં હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે. - ફ્રી સ્ટાઇલ સ્ટેપ્સમાં નવા વેરિએશન દેખાશે છેલ્લા મહિનાથી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી હોવાનું વિવિધ કલાસના સંચાલક ભાવેશ પ્રજાપતિ, અભિષેક શુક્લ, જયેશ રાવરાણીએ જણાવ્યું હતું.દર વખતે તાલીરાસ, ચોકડી, ટિટોડો, સિકસ સ્ટેપ્સ જેવા ગરબા તો શીખવવામાં જ આવે છે. પણ હવે વેસ્ટર્ન અને ફ્રી સ્ટાઇલનો ક્રેઝ હોવાથી દોઢિયામાં અવનવી સ્ટાઇલ એડ કરવામાં આવી છે. - બાળકોમાં દાંડિયા શીખવા ધસારો રાજકોટમાં દાંડિયારાસ શીખવામાં બાળકો પ્રથમ નંબરે છે. રાજકોટમાં તમામ દાંડિયારાસના કલાસમાં બાળકોની સંખ્યા સૌથી વધારે હોવાનું દાંડિયાટ્રેનર કાલુ બેલ્ટે જણાવ્યું હતું. - જુદા તરી શકાય તેવા સ્ટેપ્સ શીખવાનો ટ્રેન્ડ સામાન્ય રીતે રાજકોટમાં ચોકડી રાસ, તાલીરાસ અને સિકસ સ્ટેપ્સ લોકો રમતા હોય છે પરંતુ આ બધાની વચ્ચે કંઇક જુદા જ તરી શકાય માટે લોકો ગ્રૂપમાં ૧૬ અને ૬૪ સ્ટેપના દોઢિયા શીખવામાં વ્યસ્ત બની ગયા છે.