રાજકોટમાં બજેટની મંજૂરી માટે કાલે સ્ટેન્ડિંગની બેઠક

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાહનવેરો ના મંજૂર થાય તેવી શક્યતા: તા.૧૮મીએ બજેટની ચર્ચા માટે જનરલબોર્ડ

રાજકોટ મનપાનું આગામી વર્ષ ૨૦૧૩-૧૪નું સૂચિત બજેટ ગત સપ્તાહે મ્યુનિ. કમિશનર અજયકુમાર ભાદુએ રજૂ કરેલા બજેટનો શાસકોએ અઠવાડિયા સુધી અભ્યાસ કર્યા બાદ અંતે ફાઇનલ ટચ આપી દીધો હતો. શુક્રવારે સ્થાયી સમિતિએ આ ફાઇનલ બજેટ રજૂ કરવા પત્રકાર પરિષદ બોલાવી છે.

સ્થાયી સમિતિ હજુ પણ છેલ્લી ઘડી સુધી અવઢવમાં છે કે, મ્યુનિ. કમિશનરે સુચવેલો વાહન વેરો કાઢી નાખવો કે કેમ? જો કે સ્થાયી સમિતિના સભ્યોએ વાહન વેરો કાઢી નાખવાની તરફેણ કરી હોવાનું જાણવા મળે છે. મ્યુનિ. કમિશનરે રૂ. ૧૦૭૭ કરોડના કદ સાથેનું બજેટ રજૂ કરેલું છે. તેમા પાણી વેરો કે મિલકત વેરો વધારવામાં નથી આવ્યો પણ નવા વાહન લેનારે વાહનની મૂળ કિંમતનો એક ટકા ટેક્સ મનપાને ચૂકવવાનો રહેશે એ નવો ટેક્સ નાખ્યો છે અને તેનાથી વર્ષે રૂ. ૬ કરોડની આવકનો અંદાજ રાખ્યો છે.

બજેટને આજે શાસકોએ આખરી ઓપ આપ્યો હતો અને છેલ્લી ઘડીએ પણ સ્થાયી સમિતિના તમામ સભ્યોએ વાહન વેરો ન લદાવો જોઇએ એવો એક સૂર વ્યક્ત કરતા હવે વાહન વેરો રાખવો કે ફગાવી દેવો એવી અવઢવમાં સ્ટેન્ડિંગ ચેરમેન ડૉ. જૈમન ઉપાધ્યાય મુકાઇ ગયા છે.

- દુષ્કાળના વર્ષમાં બદનામ ન થવા આદેશ

આ વર્ષ દુષ્કાળનું વર્ષ રહેવાનું છે. અને લોકસભાની ચૂંટણી પણ નજીક છે. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખતા ખાસ કરીને દુષ્કાળના વર્ષમાં ભાજપની કામગીરી ઉડીને આખે વળગે તેવી હોવી જોઇએ અને કોઇપણ રીતે બદનામી ન મળે એવો પાર્ટી આદેશ પ્રદેશ ભાજપમાંથી આવ્યો હોવાનું જાણવા મળે છે. બદનામીનો ડાઘ ન લાગે એ આશયથી જ વાહનવેરો ફગાવી દેવાની છેલ્લી ઘડીને વિચારણા ચાલી રહી છે.

- વાહન ચલાવવાની જગ્યા નથી ને વેરો શા માટે?

બજેટને આખરી ટચ આપવા માટે સ્થાયી સમિતિના સભ્યોની મળેલી મિટિંગમાં તમામ સભ્યોમાંથી એક જ સૂર ઊઠ્યો હતો કે, રાજકોટમાં ટ્રાફિક સમસ્યા વિકરાળ છે. તેમાથી લોકોને છુટકારો મળે એ તરફ વિચારવુ જોઇએ, નહી કે વાહન વેરાના નામે નવો બોજ નાખવો. મોંઘવારી અને પેટ્રોલ-ડઝિલના સળગતા ભાવ વચ્ચે વાહન વેરાના નામે લોકો પર નવો બોજ ન આવે એ વિચારવુ જોઇએ.

- પાણીવેરાની સ્થિતિ યથાવત રખાશે

આગામી ચોમાસા સુધી એકાંતરા પાણીકાપ રહેવાનો છે એ નિશ્વિત છે. એ જોતા વપિક્ષ કોંગ્રેસે એક વર્ષ માટે પાણીવેરો માફ કરવાની માગણી કરી છે અને જો માફ કરવામા નહીં આવે તો બજેટ બોર્ડના બહિષ્કારની જાહેરાત પણ અગાઉથી કરી દેવામાં આવી છે. જો કે ફાઇનલ રજૂ થતાં બજેટમાં ન તો પાણીવેરામાં માફી અપાઇ છે, ન તો રાહત. પાણીવેરા બાબતે શાસકોએ જડવલણ રાખ્યું હોવાનું જાણવા મળે છે.