રોજ થતી ૬ કરોડની વીજચોરી અટકાવવા એસઆરપી મેદાને

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ૨ કરોડ યુનિટની વીજચોરી થાય છે
- વીજચોરીનું સૌથી વધુ દૂષણ બેડી પોર્ટ, રીબડા, સુરેન્દ્રનગર, મૂળી, ચોટિલા, કોડીનારનો ગ્રામ્ય વિસ્તાર અને ભચાઉ પંથક


સૌરાષ્ટ્ર - કચ્છમાં છેલ્લા સવા મહિનાથી વીજચોરી ઝડપી લેવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આમ છતાં વીજચોરો પીજીવીસીએલની ચેકિંગ ટુકડીઓ કરતા વધુ પાવરધા સાબિત થયા છે. ગત જાન્યુઆરી માસમાં ૧૮ કરોડની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી.

આમ છતાં આજની તારીખે (૬-૨-૨૦૧૩) સૌરાષ્ટ્ર - કચ્છનો વીજલોસ ૨૮ ટકા જેટલો છે. જેટકોના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર - કચ્છમાં દરરોજ ૬ કરોડ વીજયુનિટનું વિતરણ થાય છે. તેની સામે ૨૮ ટકા લેખે ગણતરી કરીએ તો દરરોજ ૨ કરોડ વીજયુનિટની ચોરી થાય છે. ચારેય કેટેગરીના વીજયુનિટની એવરેજ સરખામણી કરીએ તો એક યુનિટના ૩ રૂપિયા લેખે સૌરાષ્ટ્ર - કચ્છના વીજચોરો દરરોજ ૬ કરોડ રૂપિયાની પાવરચોરી કરે છે.

આ ગેરકાયદે કૃત્યો વર્ષોથી ચાલે છે. પરંતુ આ દૂષણ ધરમૂળમાંથી જ ડામી દેવા પીજીવીસીએલના અધિકારીઓએ હવે એસઆરપીને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. જ્યાં સૌથી વધુ વીજલોસ છે તેવા વિસ્તારોમાં ચેકિંગ ટુકડીની સાથે પાંચ એસઆરપી મેન અને એક પીએસઆઇને સાથે રાખવામાં આવશે.

કોઇપણ વ્યક્તિ ગરબડ કરે અથવા તો હુમલો કરવાની કોશિશ કરે તો તેને એસઆરપીના જવાનો જડબાતોડ જવાબ આપશે. આ ઉપરાંત પોલીસ ફરિયાદ પણ તરત જ દાખલ કરી દેવામાં આવશે. અને આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરી દેવામાં આવશે.

- સૌથી વધુ વીજલોસ બેડી પોર્ટ વિસ્તારમાં

પીજીવીસીએલ માટે માથાના દુ:ખાવા રૂપ જો કોઇ સ્થળ હોય તો તે જામનગર નજીક આવેલું બેડી પોર્ટ છે. કદાચ બિહારના કોઇ ગામડાંમાં ન થતી હોય તેટલી વીજચોરી બેડી પોર્ટ વિસ્તારમાં થાય છે. અહિયાં દા.ત. ૧૦૦ વીજયુનિટનું વિતરણ કરવામાં આવે તો તેમાંથી ૯૦ વીજયુનિટની ચોરી થઇ જાય છે.

પીજીવીસીએલ ૧૦૦ રૂપિયાનો પાવર આ વિસ્તારમાં સપ્લાય કરે તેની સામે માત્ર ૧૦ રૂપિયા જ પાછા મળે છે. આ ઉપરાંત ગોંડલ તાલુકાનું રબિડા, સુરેન્દ્રનગર, મૂળી, ચોટિલા, કોડીનાર વિસ્તારના ગામડાંઓ અને ભચાઉ આસપાસનો ગ્રામ્ય પંથક વીજચોરી માટે કુખ્યાત છે. અહિંયા ૪૦ થી ૬૦ ટકા સુધીનો વીજલોસ આવે છે. આ વિસ્તારમાં હવે એસઆરપીના જવાનો અને અધિકારીઓને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવશે.

- છેલ્લા છ વર્ષની ફરિયાદ નોંધવાની બાકી

પીજીવીસીએલ હેઠળ રાજકોટ અને ભાવનગર બે સ્થળે જ વીજકંપનીના પોલીસ સ્ટેશનો આવેલા છે. રાજકોટના પોલીસ સ્ટેશનમાં ૬૦ની સ્ટ્રેન્થ મંજૂર કરવામાં આવી હતી. પરંતુ ૨૯નો સ્ટાફ જ ફરજ બજાવે છે. ભાવનગર પોલીસ સ્ટેશનમાં ૬૧ની સ્ટ્રેન્થ મંજૂર કરાઇ હતી જેની સામે ૪૨ પોલીસ કર્મચારીઓ હાજર છે. બન્ને પોલીસ સ્ટેશનમાં કુલ ૫૦ જગ્યા ખાલી છે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં દરરોજ ૧૦૦ થી વધુ કેસ પાવરચોરીના પકડાય છે પરંતુ તમામ સામે પોલીસ ફરિયાદ થઇ શકતી નથી. ૧૦,૦૦૦ થી વધુની પાવરચોરીના ૧૯૧૬ કેસની એફઆઇઆર નોંધવાની બાકી છે જે આગામી ૧૦ દિવસમાં નોંધાઇ જશે તેમ પીજીવીસીએલના અધિકારીઓ જણાવે છે.

- વીજચોરી થાય છે ૧૪૪ કરોડની, પકડાઇ છે માત્ર ૧૮ કરોડની

જેટકો અને પીજીવીસીએલના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ સૌરાષ્ટ્ર - કચ્છમાં દર મહિને ૧૪૪ કરોડથી વધુની પાવરચોરી થાય છે. ગત જાન્યુઆરી માસમાં પીજીવીસીએલની ચેકિંગ ટુકડીઓએ ૧૮ કરોડની પાવરચોરી ઝડપી લીધી હતી. આમ દર મહિને પીજીવીસીએલને ૧૨૬ કરોડની ખોટ વીજચોરીમાં જ થાય છે.

સૌથી વધુ વીજલોસ ૨૦૦૩ - ૦૪ની સાલમાં ૪૦ ટકા જેટલો હતો. એટલે કે જીઇબી ૧૦૦ રૂપિયાની વીજળીનું વિતરણ કરતું હતું તેની સામે માત્ર ૬૦ રૂપિયા જ મળતા હતા. જો કે હવે પરિસ્થિતિ થોડી સુધરી છે અને વીજલોસ ૨૮ ટકા સુધી લઇ જવામાં ચેકિંગ ટુકડીઓને સફળતા મળી છે.

- વધુ ૮૨ લાખની વીજચોરી ઝડપાઈ

સૌરાષ્ટ્ર-કચ્છમાં બુધવારે પણ વીજચેકિંગનો દૌર ચાલુ રાખવામાં આવ્યો હતો. પીજીવીસીએલની ૪૨૯ ચેકિંગ ટુકડીઓ દ્વારા રાજકોટ શહેર અને ગ્રામ્ય સહિતના ૧૧ સર્કલ વિસ્તારોમાં ૮૩૦૧ કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. રહેણાંક, ખેતીવાડી, કોમર્શિયલ અને ઉદ્યોગોના ૧૦૨૧માં ગેરરિતી થયાનું જણાઈ આવતાં સ્થળ પર જ ૮૨.૯૧ લાખના વીજબીલ ફટકારવામાં આવ્યા હતા. સૌથી વધુ વીજચોરી ભૂજ સર્કલ હેઠળના વિસ્તારોમાંથી પકડાઈ હતી.

ગત જાન્યુઆરી માસમાં ૧૮ કરોડથી વધુની પાવર ચોરી પકડાઈ હતી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં જ પાંચ કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ છે. હવેથી એસઆરપીને સાથે રાખીને અગાઉ જ્યાં વીજચેકિંગ ટુકડીઓ જતાં ડરતી હતી ત્યાં આજથી વીજ ચેકિંગ શરૂ કરવામાં આવશે ત્યારે રોજ ૫૦થી ૯૦ લાખ સુધીની પાવર ચોરી પકડાઈ છે. આ આંકડો ગુરુવારથી એક કરોડને આંબે તો ના નહીં.