ચોરીનો ભેદ ખુલ્યો, કામવાળી જ ૭.૩૫ લાખ ‘સાફ’ કરી ગઇ'તી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જાગનાથ પ્લોટમાં નાથ સ્ટોલ પરિવારના ઘરમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો - સાગરીત રિક્ષાચાલક સાથે મળી દાગીના વેચવા જતી હતી ત્યારે જ પોલીસે દબોચી લીધી, રિક્ષા સહિત કુલ રૂ.૬.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત શહેરના જાગનાથ પ્લોટમાં રહેતા નાથ સ્ટોલવાળા પરિવારના બંધ મકાનમાં છ મહિના પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે દાગીના વેચવા જઇ રહેલી મહિલા અને તેના સાગરીતને દબોચી લેતા લાખોની ચોરી પરથી પડદો ઊંચકાયો હતો. પેલેસ રોડ તરફથી રિક્ષામાં આવી રહેલી મહિલા સોની બજારમાં ચોરાઉ દાગીના વેચવા જઇ રહી હોવાની બાતમી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે કોઠારિયા પોલીસ ચોકી નજીક વોચ ગોઠવી હતી. બાતમી વાળી રિક્ષા ત્યાંથી પસાર થતા જ પોલીસે તેને અટકાવી હતી અને રિક્ષાને પોલીસ સ્ટાફે કોર્ડન કરી લીધી હતી. રિક્ષામાં ચાલક રૈયા ચોકડી પાસે રહેતો રમેશ ઉર્ફે ચકો ભીખુ મુલિયાણા અને પાછળ એક જ મહિલા માર્કેટિંગયાર્ડ નજીક રહેતી પ્રફૂલા ઉર્ફે પારૂલ સંજય સરવૈયા બેઠી હતી. મુસાફરના સ્વાંગમાં બેઠેલી પ્રફૂલાની પોલીસે જડતી લેતા હીરા જડીત હાંસડી, સોનાના ફૂલની ડિઝાઈન વાળો નેકલેસ એક જોડી બુટી, બે નંગ બંગડી, ચેઇન સહિતના સોનાના દાગીના મળી આવ્યા હતા. પોલીસે રિક્ષા ચાલક અને પ્રફૂલાની આગવી ઢબે પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો. પ્રફૂલાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, એકાદ વર્ષથી નાથ સ્ટોલવાળા કશ્યપભાઇ અિઢયાના જાગનાથ પ્લોટમાં આવેલા મકાનમાં ઘરકામ કરતી હતી. ઘરકામ કરતી વખતે તેણે મુખ્ય દરવાજાની ચાવી તફડાવી લીધી હતી. છ મહિના પૂર્વે અિઢયા પરિવાર પુત્રીની સગાઇ માટે મુંબઇ ગયો હતો ત્યારે મોકાનો લાભ ઉઠાવી પ્રફૂલા સાગરીત રમેશ મુલિયાણા સાથે ત્રાટકી હતી અને દરવાજો ખોલી અંદરથી ૫.૩૫ લાખના સોનાના દાગીના અને રૂ.૨ લાખ રોકડા મળી કુલ રૂ. ૭.૩૫ લાખનો મુદ્દામાલ તફડાવી ગઇ હતી. પોલીસે સોનાના દાગીના અને રિક્ષા સહિત કુલ રૂ. ૬.૧૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની વિશેષ પૂછપરછ હાથ ધરી હતી. - કામવાળીએ સાગરીતને નવી રિક્ષા લઇ દીધી‘તી પ્રફૂલા જાગનાથ પ્લોટમાં અઢિયા પરિવારના ઘરે કામે રિક્ષામાં જતી હતી ત્યારે રિક્ષાચાલક રમેશ મુલિયાણા સાથે પરિચય થયો હતો અને તેની સાથે જ મળી ચોરીનું કાવતરું રચ્યું હતું. ચોરીમાં બે લાખ રોકડા પણ હાથ આવ્યા હતા. જેમાંથી પ્રફૂલાએ રૂ.૭૫ હજારની રમેશને રિક્ષા ખરીદી આપી હતી. - અઢિયા પરિવારે છૂટી કરી દેતા પ્રફૂલા રોષે ભરાઇ હતી ઘરકામ કરવા જતી પ્રફૂલાએ અઢિયા પરિવારની નજર ચૂકવી મુખ્ય દરવાજાની ચાવી તફડાવી લીધી હતી અને મોકાની તલાશમાં જ હતી. દરમિયાન અઢિયા પરિવારે અન્ય મહિલાને કામે રાખી પ્રફૂલાને છુટી કરી દેતા પ્રફૂલા રોષે ભરાઇ હતી અને મોકો મળતા જ હાથફેરો કરી લીધો હતો.