તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Shop, The House Is Going To Colleges Syndicate Members

દુકાન, મકાનમાં ચાલે છે સિન્ડિકેટ સભ્યોની કોલેજો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સ્કૂલ બિલ્ડિંગમાં પણ કોલેજો! કુલપતિ અને રજિસ્ટ્રાર બધું જ જાણે છે, છતાં પગલાં લેતા ડરે છે
- મોટાભાગની કોલેજોમાં યુજીસીના એક પણ નિયમનું પાલન થતું નથી


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય તરીકેનો હોદ્દો ધરાવતા મોટાભાગના શિક્ષણવિદ્દો દુકાન, મકાન અને સ્કૂલમાં કોલેજો ચલાવી રહ્યા છે. યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) ના એક પણ નિયમને ન અનુસરતા ભાજપ-કોંગ્રેસ સાથે સંકળાયેલા સિન્ડિકેટ સભ્યો આજકાલથી નહીં વર્ષોથી કોલેજના નામે શિક્ષણની હાટડીઓ ખોલીને બેઠા છે.

છતાં કુલપતિ ડૉ. મહેન્દ્ર પાડલિયા અને રજિસ્ટ્રાર પરમાર શિક્ષણને વેપાર બનાવી દેનારા સામે પગલાં લેતા ડરે છે અથવા તો આંખ આડા કાન કરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે ડૉ. કનુભાઇ માવાણીની વિદાય થઇ તેની સાથે-સાથે સુશાસન પણ જાણે ખતમ થઇ ગયું હોય તેમ એક બાદ એક કૌભાંડો બહાર આવ્યા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દેશ-દુનિયામાં ભારે નાલેશી થઇ.

ડૉ. જોશીપુરાની છ વર્ષના શાસન બાદ વિદાય થઇ અને સરળ સ્વભાવના લાગતા ડૉ. મહેન્દ્ર પાડલિયાની વરણી થતાં એવું લાગતું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી પ્રાણ પૂરાશે. કોલેજોના નામે ચાલતી હાટડીઓના શટર પડી જશે. પરંતુ, આવું ન થયું. ડૉ. પાડલિયાએ શરૂઆતમાં હાકલા-પડકારા કર્યા બાદ તેઓ પણ પાણીમાં બેસી ગયા. આજે યુનિવર્સિટીનો વહીવટ ડૉ. ગિરીશ ભીમાણી ચલાવી રહ્યા છે. ડૉ. ભીમાણી કહે તેટલું જ કામ થાય છે.

યુનિવર્સિટીમાં ભીમાણીની માતૃમંદિર નામની કોલેજ પંચાયતનગરમાં આવેલી છે. છ રૂમની આ કોલેજમાં છ-છ અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને એકબીજાના ખભ્ભે બેસાડવામાં આવે તો પણ છ રૂમ ટૂંકા પડે.

પરંતુ, યુનિવર્સિટીના સત્તાવાહકોને આ બધું દેખાતું નથી. યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઇ રજૂઆત કરી કરીને થાકી ગયું ત્યારે હવે કુલપતિએ સિધ્ધાંતોને નજર સમક્ષ રાખીને રાજકોટમાં કોલેજના નામે ધંધો કરતા સિન્ડિકેટ સભ્યોની હાટડી એક જ ઝાટકે બંધ કરાવી દઇને દાખલો બેસાડવો જોઇએ. અન્યથા, ભૂતપૂર્વ કુલપતિની જેમ વર્તમાન કુલપતિનું નામ પણ કૌભાંડિયાઓની યાદીમાં સુવર્ણ અક્ષરે લખાઇ જશે.

- ભૂતપૂર્વ અને વર્તમાન સિન્ડિકેટ સભ્યોની કોલેજોની યાદી

ડૉ. ગિરીશ ભીમાણીની માતૃમંદિર કોલેજ, કોંગ્રેસના આગેવાન કહેવાતા મહેશ ચૌહાણની હરિવંદના કોલેજ, નેહલ શુક્લ અને મેહુલ રૂપાણીની એચ. એન. શુક્લા કોલેજ, ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્યોમાં વર્ષાબેન છિછયા, અનિરુધ્ધ પિઢયાર અને ભરતભાઇ રામાનુજ પણ કોલેજો ધરાવે છે. આ તમામ વર્તમાન અને ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્યોની કોલેજોમાં નીતિ-નિયમોનું પાલન કરાતું નથી.

છતાં, કોઇ વાળ પણ વાંકો કરી શકતુંનથી. એક સિન્ડિકેટ સભ્યની ભાગીદારીવાળી શિપ્રા કોલેજ તો ૭૧ વારના મકાનમાં ચાલે છે. દર વર્ષે લોકલ ઇન્કવાયરી કમિટી (એલઆઇસી) પણ નિમાઇ છે. પરંતુ, આ કમિટીમાં સિન્ડિકેટ સભ્યો જ નિમાયેલા હોય છે. આથી, સામ-સામે ઢાંકોઢુંબો કરી દેવાય છે.

- ગુલાબી, સફેદ, પીળા ફોર્મની બોલબાલા

શિક્ષણને ધંધો બનાવી દેનાર એક સિન્ડિકેટ સભ્યની કોલેજમાં પ્રવેશ માટેના ત્રણ અલગ-અલગ પ્રકારના ફોર્મ છપાવાયા હોવાની ચર્ચા છે. કોઇ છાત્રએ માત્ર પરીક્ષા આપવા જ આવવું હોય તો તેની પાસે ગુલાબી કલરનું ફોર્મ ભરાવાય છે. થિયરી અને પ્રેક્ટિકલ કરવા આવવું હોય તેના માટે સફેદ અને માત્ર પ્રેક્ટિકલમાં જ હાજરી આપવી હોય તો પીળા કલરનું ફોર્મ ભરાવાય છે. જે વિદ્યાર્થીએ જે કલરનું ફોર્મ ભર્યું હોય તે પ્રમાણે અલગ-અલગ ફી વસૂલવામાં આવતી હોવાની પણ ચર્ચા છે.

- તો ૭૦ ટકા કોલેજોને તાળાં લાગી જાય

શિક્ષણજગત સાથે સંકળાયેલા એક શિક્ષણવિદ્દ જણાવી રહ્યા છે કે, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવેલી સિન્ડિકેટ સભ્યો અને તેમના ભાગીદારીની કોલેજોની ઇન્કવાયરી હાઇકોર્ટના નિવૃત્ત જજની પેનલને સોંપવામાં આવે તો લગભગ ૭૦ ટકા કોલેજોને તાળાં લાગી જાય.