સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું બી. કોમ.નું પરિણામ જાહેર કરાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રેગ્યુલરનું ૮૫.૮૯ અને એક્સ્ટર્નલનું ૫૦.૯૧ ટકા પરિણામ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં લેવાયેલી બી. કોમ. સેમસ્ટર-૧ની પરીક્ષાનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું હતું. કુલ ૨૨૭૮૮ વિદ્યાર્થીઓ પાસ જાહેર કરાયા છે. એક્સ્ટર્નલ પરીક્ષાનું પરિણામ ૫૦.૯૧ ટકા જાહેર કરાયું છે.

પરીક્ષા નિયામક જગદીશ મામતોરાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, કુલ ૨૬૫૩૬ વિદ્યાર્થીઓ બી. કોમ. સેમેસ્ટર-૧ની પરીક્ષામાં બેઠા હતા. તેમાંથી ૨૨૭૮૮ છાત્રો ઉત્તીર્ણ થયા છે. ૩૭૩૩ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બે છાત્રોનું પરિણામ અનામત રાખવામાં આવ્યું છે. ૧૨ વિદ્યાર્થીઓના રઝિલ્ટ વિથહોલ્ડ રખાયા છે. કુલ પરિણામ ૮૫.૮૯ ટકા જાહેર કરાયું છે.

એક્સ્ટર્નલના પરિણામ સંદર્ભે જણાવાયું હતું કે, બી. કોમ. સેમેસ્ટર-૧(એક્સ્ટર્નલ) માં ૧૮૬૨એ પરીક્ષા આપી હતી. જેમાં, ૭૫૪ વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને ૭૧૭ છાત્રો નાપાસ જાહેર કરાયા હતા. ૧૮૬૨માંથી ૩૮૧ છાત્રો પરીક્ષા આપવા જ આવ્યા ન હતા. તેઓને ગેરહાજર દર્શાવાયા છે. એક્સ્ટર્નલમાં વિદ્યાર્થિનીઓએ મેદાન માર્યું હતું. ૩૭૯ છાત્રા પાસ થઇ હતી.

આ વર્ષે એકર્સ્ટનલનું પરિણામ ધાર્યા કરતા ઘણું ઓછું આવ્યું છે. અગાઉ એકર્સ્ટનલના પરિણામ ૮૦ ટકાથી વધુ આવતા હતા. રેગ્યુલરમાં બે વિદ્યાર્થીના પરિણામ કોપીકેસના કારણે અનામત રખાયા છે.