સૌરાષ્ટ્ર માટે રેલવે બજેટ ‘સપનાનું વાવેતર’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભુજ-બાંદ્રા ટ્રેન અને શાલીમાર એક્સપ્રેસ હજુ કાગળ પરથી બહાર આવવાની બાકી
- હજુ સોમનાથ- દ્વારકા ટ્રેનનો પતો નથી
- કચ્છમાં કોચ ફેક્ટરી: ફકત જગ્યા આઇડેન્ટીફાય કરાયાનો સંતોષ


આગામી વર્ષ ૨૦૧૩-૧૪ માટેનું રેલવે બજેટન ટૂંક સમયમાં રજૂ થશે ત્યારે ગત રેલવે બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટેની કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો ફક્ત સપનાના વાવેતર જેવી જ પુરવાર થઇ છે.

કરોડો હિન્દુઓના આસ્થાના સ્થળ સમાન સૌરાષ્ટ્રના બે તીર્થોને જોડતી ટ્રેન, રાજકોટ- વિરમગામ વચ્ચેનો બે તબક્કાનો ડબલ ટ્રેકનો પ્રોજેક્ટ, કચ્છમાં કોચ ફેકટરી અને કચ્છને ફાળવવામાં આવેલી લાંબા અંતરની બે ટ્રેનોના હજુ કોઇ ઠેકાણા નથી. ગત રેલવે બજેટમાં તત્કાલીન રેલમંત્રી દિનેશભાઇ ત્રિવેદીએ આ બધી મહત્વની જાહેરાતો કરી હતી પરંતુ કેન્દ્રના રાજકીય આટાપાટામાં તેમનો ભોગ લેવાઇ ગયો અને રેલવે સવલતોની દ્રષ્ટીએ સૌરાષ્ટ્ર-કચ્છ ફરી નોંધારું રહી ગયું.

ગત બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છ માટે કુલ સાત ટ્રેનોની જાહેરાત થઇ હતી. જે ટ્રેનો પૈકી ઓખા -જયપુર , હાપા-મડગાંવ, પોરબંદર-સકિંદરાબાદ,દ્વારકા-સોમનાથ, બાંદ્રા-ભુજ, શાલિમાર-ભુજ તેમજ અમદાવાદ -આસનસોલ ટ્રેનને ભાવનગર સુધી લંબાવવાની જાહેરાત થઇ હતી.

જેમાંથી ચાર ટ્રેનો શરૂ થઇ છે અને બાકીની ત્રણ ટ્રેનોનો પતો નથી. રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેક કરવાના વાંકે સૌરાષ્ટ્રને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. વર્ષા જૂની આ સમસ્યા છે. પેટ્રોકેમિકલ, સિમેન્ટ , સ્મોલ સ્કેલ , સિરામિક ,ઓટોમોબાઇલ સહિતના ઉદ્યોગો માટે આ ડબલ ટ્રેકની સવલત આશીર્વાદ સમાન સાબિત થશે તેમ ઝેડઆરયુસીસીના મેમ્બર હરિકૃષ્ણ ત્રિવેદીનું કહેવું છે.

- રાજકોટ-સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની દરખાસ્ત

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર વિનય બાપ્તિવાલે જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર- વિરમગામ વચ્ચેની ડબલ ટ્રેકની કામગીરી શરૂ થઇ ચૂકી છે. જોકે આ ૬૫ કિમી લંબાઇની ટ્રેક ડબલિંગની કામગીરી ક્યારે પૂર્ણ થશે તે અંગે કોઇ ફોડ પડાયો નથી. આ પ્રોજેક્ટ પણ હજુ ૮૦૦ કરોડ રૂપિયાને આંબી જવાની ધારણા છે. જ્યારે રાજકોટ અને સુરેન્દ્રનગર વચ્ચેના ૧૧૬ કિમીનો પ્રોજેક્ટની દરખાસ્ત રેલવે બોર્ડને મોકલી અપાઇ છે.

- દ્વારકા-સોમનાથ ગાડી પાટે ચઢતી નથી

પૌરાણિક તીર્થ સ્થળોને જોડતી દ્વારકા-સોમનાથ એક્સપ્રેસ ટ્રેન સૌરાષ્ટ્રને ફાળવવાની ગત બજેટમાં જાહેરાત થઇ હતી. ત્યાર પછીનું હવે બીજું બજેટ આવી પહોંચ્યું છે છતાં હજુ આ ટ્રેનના કોઇ વાવડ નથી. આ ટ્રેન માટેના કોચ પણ વેરાવળ સ્ટેશને આવી ગયા હતા. છતાં સૌરાષ્ટ્ર માટેની આ મહત્વપૂર્ણ ટ્રેન ફકત કાગળ પર જ રહી ગઇ છે.

- કચ્છની આશા પણ અધૂરી રહી ગઇ

ગત બજેટમાં કચ્છને પણ કોચ ફેકટરીના નામે હથેળીમાં ચાંદ દેખાડવામાં આવ્યો હોવાની પ્રતીતિ થઇ રહી છે. કોચ ફેકટરીની જાહેરાત કરાયાને વરસ થઇ ગયું છે છતા આ દિશામાં કાર્યવાહીના નામે કંડલા પોર્ટ પાસે ફકત જગ્યા આઇડેન્ટીફાઇ કરવાની કામગીરી કરીને જ સંતોષ માનવામાં આવી રહ્યો છે.

- સૌરાષ્ટ્ર માટે આ બજેટની દ્રષ્ટિએ મહત્વની જરૂરિયાત

- સૌરાષ્ટ્ર માટે એક રેલ ઉદ્યોગ
- રાજકોટ -સુરેન્દ્રનગર ટ્રેક ડબલિંગ પ્રોજેક્ટને ફાળવણી
- ગાંધીધામ-સોમનાથ એક્સપ્રેસ
- જબલપુર એક્સપ્રેસને રાજકોટમાં શન્ટિંગ કરી અડધી જબલપુર અને અડધી ઓખા જાય તેવી વ્યવસ્થા કરવાથી રાજકોટ-ઓખા વચ્ચે નવી ટ્રેન મળી શકે તેમ છે.
- રાજકોટ-મોરબી ડેમુ ટ્રેનની જરૂરિયાત
- રાજકોટ-ભાવનગર વાયા ધોરાજી, ઉપલેટા, જામજોધપુર ટ્રેન જરૂરી
- પોરબંદરથી નાથદ્વારા (માવલી), રાજકોટથી શિરડી, પોરબંદરથી અજમેર નવી સાપ્તાહિક ટ્રેન