તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sarpadansa Those Five year old Child Killed By The Police, Due To Inertia

સર્પદંશ પામેલા પાંચ વર્ષના બાળકનું પોલીસની જડતાને કારણે મોત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બાળકને લઇ જતી કારને પોલીસે અડધો કલાક રોકી રાખી
- પોલીસે શંકાને આધારે કાર ચેક કરવામાં સમય બગાડતાં બાળકની સારવારમાં વિલંબ થયો હોવાનો આક્ષેપ


ચોટીલાના પાંચવડા ગામમાં પાંચ વર્ષના બાળકને સર્પે દંશ દેતાં બાળકનું રાજકોટ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. બાળકને રાજકોટ હોસ્પિટલે લઇ અવાતો હતો ત્યારે પોલીસે દારૂની શંકા કરી અડધો કલાક સુધી કાર રોકી રાખતાં બાળકને સારવાર નહીં મળ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

ચોટીલાના મોકાસર ગામે રહેતા અને એસઆરપીમેન તરીકે ફરજ બજાવતા મગનભાઇ સામતભાઇ રાજપરા એક મહિનાથી ટ્રેનિંગમાં જતા તેના પત્ની વનીતાબેન પુત્ર વિમલ (ઉ.વ.૫)અને બે પુત્રીને લઇ પિતા અમરશીભાઇ સોલંકીના ઘરે પાંચવડા રોકાવા ગયા હતા. મંગળવારે રાત્રીના માસૂમ વિમલ ફિળયામાં ખાટલા પર સૂતો હતો ત્યારે સર્પે દંશ દેતા તે નિદ્રામાંથી જાગી જતા બૂમાબૂમ કરવા લાગતા જ પરિવારજનો જાગી ગયા હતા. અને વિમલને ચોટીલા બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડયો હતો. જોકે ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

વિમલના કૌટુંબિક મામા અને પાંચવડાની સીમમાં રહેતા ધીરૂભાઇ મેટાલિયાએ આક્ષેપ કર્યો હતો કે, વિમલને સર્પે દંશ દીધો હોવાની જાણ થતાં પોતાની ટવેરા કારમાં બાળકને લઇ રાજકોટ આવવા નીકળ્યા હતા. પરંતુ પાંચવડાની સીમમાં જ પોલીસે કાર અટકાવી હતી. અને કારમાં દારૂ છે તપાસ કરવી પડશે તેમ કહ્યું હતું.

કારમાં બેઠેલા બાળકને હોસ્પિટલે લઇ જતા હોવાની કોળી પરિવારે આજીજી કરી હતી. પરંતુ પોલીસ કર્મચારીઓ તે વાત માનવા તૈયાર ન હતા. કારમાં બેઠેલા બાળકી તબીયત દરેક ક્ષણે બગડતી જતી હતી. પરંતુ પોલીસને દયા ન આવી અને અડધો કલાક સુધી કાર રોકી રાખતાં વિમલને હોસ્પિટલે લઇ આવવામાં મોડું થતાં તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બનાવથી કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.