૧૨૫ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાં, જેટેએરવેઝનું રાજકોટમાં ‘રફ લેન્ડિંગ’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ૧૨૫ મુસાફરો, છ ક્રૂ મેમ્બરનો બચાવ

દિલ્હીથી વાયા મુંબઈ થઈ રાજકોટ આવતા જેટ એરવેઝના વિમાનનું રાજકોટ એરપોર્ટ પર ‘રફ લેન્ડિંગ’ કરાયું હતું. જો કે ૧૨૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરોનો ચમત્કારિક બચાવ થયો હતો. રાજકોટમાં ૮.૨૦ કલાકે પ્લેન જ્યારે લેન્ડ થયું ત્યારે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા.મુસાફરોએ આ બાબતે રાજકોટ એરપોર્ટના ઈન્ચાર્જ સમક્ષ ઉગ્ર રજુઆત કરી હતી.મુંબઈથી ૧૨૫ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બરો સાથેનું જેટ એરવેઝનું વિમાન રાજકોટ આવવા રવાના થયું હતું.

રાત્રિના ૮.૨૦ કલાકે વિમાન એરપોર્ટના રન-વે પર લેન્ડ તો થયું હતું પરંતુ મુસાફરોના જીવ ઉચક થઈ ગયા હતા. કારણ કે, પાયલોટે ટૂંકો રન-વે હોવાના કારણે જે રીતે પ્લેન લેન્ડિંગ થવું જોઈએ તેના કરતાં ખરાબ રીતે લેન્ડ કર્યું હતું.કેટલાક મુસાફરોએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાયલોટે પ્લેન રીતસર રન-વે પર જોરથી પછડાવ્યું હોય તેઓ અનુભવ થયો હતો. ત્યારબાદ સજજડ બ્રેક મારી દેતાં પ્લેનનો એકબાજુનો ભાગ ઢસડાયો હતો. અને પ્લેન એક તરફ થઈ ગયું હતું.

ત્યારબાદ પાયલોટે કાબૂ મેળવી લેતાં રન-વે પર ઊભું રહી ગયું હતું. વિમાન જેવું ઊભું રહ્યું તેની સાથે જ તમામ મુસાફરો ઊભા થઈ ગયા હતા. કેટલાક મુસાફરોએ રાડારાડી પણ કરી મૂકી હતી. આ ઘટના સંદર્ભે રાજકોટ એરપોર્ટના ઈન્ચાર્જ સમક્ષ ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. જેટ એરવેઝનું પ્લેન તેના નિધૉરીત સમયે ફરી મુંબઈ જવા રવાના થઈ ગયું હતું.

- પાઈલટ સામે તપાસના આદેશ

રાજકોટ એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાનને ‘રફ લેન્ડિંગ’ કરાવનાર પાયલોટ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાનું એરપોર્ટના ઈન્ચાજેઁ જણાવ્યું હતું કે, તેઓએ ‘રફ લેન્ડિંગ’ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં ‘રફ લેન્ડિંગ’ની ઘટના બહુ ઓછી બનતી હોય છે. અન્ય રાજ્યોમાં આવી ઘટનાઓ સામાન્ય છે.

રાજકોટમાં પણ અગાઉ આવી ઘટના બની ગઈ છે. કેટલાક મુસાફરોએ એવી રજુઆત કરી હતી કે, દિલ્હીથી વિમાન ઉપડ્યા બાદ મુંબઈ લેન્ડિંગ કરવામાં આવ્યું ત્યારે પણ પાયલોટે ‘રફ લેન્ડિંગ’ જ કર્યું હતું. ત્યારબાદ રાજકોટ ખાતે પણ તેનું પુનરાવર્તન કર્યું હતું. રફ લેન્ડિંગ કર્યા બાદ પાયલોટે મુસાફરોની માફી પણ માગી હતી. પાયલોટે મુંબઈ અને રાજકોટ ખાતે ક્યા કારણોસર રફ લેન્ડિંગ કર્યું તે અંગે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે. તપાસના અંતે પાયલોટ સામે પગલાં લેવામાં આવશે.