રાજકોટના રેલનગર બ્રિજને લાગ્યું રાજકારણનું ગ્રહણ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- મનપાના શાસકોએ કોંગ્રેસના સાંસદને શિંગડું ભરાવ્યું, રેલવે તંત્રે માગેલા વધારાના ૧૭.૯૪ કરોડ આપવાની દરખાસ્ત પરત રાજકોટના રેલનગર ફાટક પર મંજૂર થયેલા ઓવરબ્રિજ માટે રેલવે તંત્રે વધારાના ૧૪.૪૪ કરોડ અને બ્રિજ નીચેથી ચાલવાના ચાર્જ પેટે રૂ. ૩.પ૦ કરોડ મનપા પાસેથી ખંખેરવાની લૂંટનીતિ આદરી છે. આ અંગેની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ પરત ફગાવી દીધી છે. ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત શાસક ભાજપ કરે એ પહેલા સાંસદ કુંવરજીભાઇ બાવળિયા કરી આવ્યા હતા એ મામલે મનપાના શાસકોએ ટાંણે દાવ લઇ લીધો છે. રેલનગર ઓવરબ્રિજનો ખર્ચ જે તે વખતે રૂ. ૭ કરોડનો અંદાજવામાં આવ્યો હતો. એ પછી કોઇને કોઇ કારણોસર રેલવે તંત્રે મનપા પાસે મોઢું ફાડવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. રેલવે તંત્રે મનપા પાસે વધારાના રૂ. ૧૪.૪૪ કરોડ માગ્યા છે. એટલું જ નહીં બ્રિજ નીચેથી ચાલવા માટેના ચાર્જ પેટે રૂ. ૩.પ૦ કરોડ અલગથી ખંખેરવાની નીતિ અલગથી રાખી છે. આ ગણતરીએ આજની તારીખે બ્રિજનો ખર્ચ રૂ. ૨૧.૪૪ કરોડ થવા જઇ રહ્યો છે. વધારાના રૂ. ૧૪.૪૪ કરોડ અને બ્રિજ નીચેથી ચાલવા પેટેના રૂ. ૩.પ૦ કરોડ રેલ તંત્રને ચૂકવવા અંગેની એક દરખાસ્ત આજની સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ થઇ હતી. જો કે શાસકોએ આ દરખાસ્ત કમિશનર તરફ પરત ધકેલી દીધી છે. દરખાસ્ત પરત ધકેલતી વખતે સ્ટેન્ડિંગ ચેરમેન ડો. જૈમન ઉપાધ્યાયે એવી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી કે, ઓવરબ્રિજના આ પ્રોજેક્ટમાં કોંગ્રેસે લીંબડ જશ ખાટવા ફટાફટ પોતાની રીતે ખાતમુહૂર્ત કરી લીધું હતું. ખાતમુહૂર્ત કરનાર કુંવરજીભાઇ બાવળિયા રેલવે તંત્રે માગેલા વધારાના પૈસા બાબતે પ્રજાને જવાબ આપે. - ભાજપની અહમ સંતોષવાની નીતિ: રાજાણી દરખાસ્ત પરત મોકલવાની શાસકોની નીતિને વિપક્ષી નેતા અતુલ રાજાણીએ ચૂંટણીલક્ષી ખેલ ગણાવ્યો છે. વિપક્ષી નેતાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ચૂંટણી આવતી હોય કોંગ્રેસના સાંસદ કુંવરજીભાઇને બદનામ કરવાનો જ શાસકોનો એકમાત્ર ઇરાદો છે. પોતાનો અહમ સંતોષવા માટે પ્રજાના હિ‌તનો ભોગ લેવાની શાસકોની દાનત છતી થઇ છે. - કોંગ્રેસે ખાતમુહૂર્ત કર્યું, હવે વધારાના પૈસા કોણ ભરશે? સ્ટેન્ડિંગ ચેરમેનનો ખુલ્લો સંદેશ રેલનગર ઓવરબ્રિજનો પ્રોજેક્ટને રેલવે તંત્રએ લીલીઝંડી આપી ત્યાંરે તેના ગણતરીના દિવસોમાં કોંગ્રેસે શાસક ભાજપ ખાતમુહૂર્ત કરે એ પહેલા કરી નાખ્યું હતું. આ વાત શાસકોએ જાણે ગાંઠ બાંધીને રાખી હતી. આજે દરખાસ્ત પરત મોકલતી વખતે સ્ટે. ચેરમેન ડો. ઉપાધ્યાયે સાંસદ બાવળિયાને એવો ખુલ્લો સંદેશ મોકલાવ્યો છે કે, 'કુંવરજીભાઇ, ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત તો કરી આવ્યા, હવે આ વધારાના પૈસા કોણ ભરશે, લ્યો હવે તમે જ કામ પૂરું કરાવો.’ - ૨૦૬ કમ્પ્યુટર ખરીદીનો ખેલ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ડેપ્યુટી ઇજનેરો,આસિસ્ટન્ટ ઇજનેરો માટે ૨૦૬ કમ્પ્યુટર ખરીદવા ૧.પ૦ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો.આ દરખાસ્તમાં કોર્પોરેશનની જુદી-જુદી શાખાઓ માટે હાર્ડવેર,સોફટવેર,બેકઅપ ડિવાઇસ ખરીદવા ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત કરાઇ હતી.આમ આ દરખાસ્તમાં કયાંય કમ્પ્યુટરની ખરીદી કરવાનો ઉલ્લેખ જ નથી.આ પૂર્વે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો.જૈમન ઉપાધ્યાય હતા ત્યારે પણ આજ પ્રકારે ખેલ પાડવા પ્રયાસ થયો હતો પણ ત્યારે વિપક્ષી નેતા નરેન્દ્રસિંહ જાડેજાએ ઊંચા ભાવની ખરીદીનું કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. - નર્મદાના નીર માટે નવું પમ્પિંગ સ્ટેશન નર્મદા નીરની સરકારની યોજનામાં ન્યારી-૧ ડેમનો સમાવેશ થતો હોય મેટોડા અને ખીરસરાથી નર્મદાની પાઇપ લાઇન નાખવા તેમજ પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે દરખાસ્ત મૂકી ૧૦.૯૨ કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. નર્મદા પાઇપ લાઇન માટે ખીરસરા પાસે પાણીનો ટાંકો, પમ્પિંગ સ્ટેશન અને કમ્પાઉન્ડ વોલ બનાવવા ૧.૦૩ કરોડ તથા ખીરસરાથી ન્યારી ડેમ સુધી પાણી પહોંચાડવા ૭૧૧ મીમી ડાયા એમ.એસ.ની. પાઇપલાઇન માટે ૯.૮૮ કરોડના ખર્ચને મંજૂર કરવામાં આવ્યો હતો.