સિક્કાની ગોલમાલ કરનાર પર RBI-પોલીસ ત્રાટક્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચાર લાખનું પરચૂરણ અને નોટનો જથ્થો જપ્ત : વેપારીઓ-બેંક અધિકારીઓની સાઠગાંઠ!

ચલણી સિક્કાઓની (પરચૂરણ) ની કાયમી અછત પાછળ કમિશનથી સિક્કા સપ્લાય ચોક્કસ વેપારીઓની સિન્ટિકેટ કારણભૂત હોવાની માહિતી બાદ રિઝર્વ બેંકની માર્કેટિંગઈન્ટેલિજન્સ ટીમના અધિકારીઓએ આજે રાજકોટમાં ક્રાઇમ બ્રાંચને સાથે રાખીને એક સાથે પાંચ સ્થળે દરોડા પાડ્યા હતા.

કમિશનથી ફાટેલી નોટ લેવાનો વેપાર કરતા પાંચ વેપારીઓ પાસેથી કોથળા ભરીને ચલણી સિક્કાઓ તેમજ દુર્લબ બની ગયેલી રૂ.પ ની નવી નોટના બંડલો મળી આવ્યા હતા. પોલીસે કોઇન્સ એક્ટ હેઠળ પાંચેય વેપારીની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં બેંકના અધિકારીઓ અને કેટલાક એજન્ટોની સીધી સંડોવણી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વેપારીઓ પાસેથી અંદાજે ચાર લાખ રૂપિયાનું પરચૂરણ અને કરન્સી કબજે થયાનું જાણવા મળે છે.

રિઝર્વ બેંકની માર્કેટિંગઈન્ટેલિજન્સ ટીમના અધિકારીઓએ આજે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.બી.જાડેજા સહિતના સ્ટાફને સાથે રાખીને પરાબજારમાં કેશવ સેલ્સ એજન્સી, મહાદેવ પેન ડીપો, મહેતા પેન ડીપો, મહાવીર પેન ડીપો અને કંદોઇ બજારમાં મહેન્દ્ર એન્ડ કાં.માં રેડ કરી હતી. પાંચેય દુકાનમાંથી ૧,૨,૫,૧૦ ના સિક્કા ઉપરાંત ચલણમાં નથી રહ્યા એવા ૧ , ૨, ૩, ૫ ,૧૦, ૨૦, ૨૫ અને ૫૦ પૈસાના સિકકાના કોથળા ભરેલો મોટો જથ્થો મળી આવ્યો હતો.

તદુપરાંત પ,૧૦,૨૦,પ૦ અને ૧૦૦ રૂપિયાના નવી નોટના બંડલો મળી આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે ઉપરોકત પાંચેય દુકાનના સંચાલક અનુક્રમે તુષાર જયકિશોર મહેતા, પ્રદિપ અમરસી પરમાર, બિપીન કેશવકુમાર મહેતા, રાજેશ વલ્લભભાઇ મહેતા અને મહેન્દ્ર નાનજીભાઇ નથવાણીની ધરપકડ કરી હતી. આ વેપારીઓ અમદાવાદના કેટલાક એજન્ટો ઉપરાંત એક બેંકના કેશિયર દરજજાના અધિકારી પાસેથી સિક્કા મેળવતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યાનું જાણવા મળે છે.

આરબીઆઇના અધિકારીઓને માહિતી હતી કે વોચકેસ અને ઓનૉમન્ટ બનાવવાના ઉપયોગ માટે ચલણી સિકકાની ધાતુનો ઉપયોગ થતો હોવાથી સિક્કા ઓગાળવામાં આવતા હોવાથી ઉદ્યોગ ગૃહોના સંચાલકોને વેપારીઓ તગડા કમિશનથી સિક્કા સપ્લાય કરે છે.

- પ ટકાથી ૨૦૦ ટકા સુધીનું તગડું કમિશન

સૂત્રોના જણાવ્યા મુજબ વેપારીઓ સિક્કાઓ માટે પ ટકાથી ૧પ ટકા સુધીનું કમિશન લેતા હતા. જ્યારે પ , ૧૦ અને ૨૦ રૂપિયાની નવી નોટના બંડલના ૨૦ ટકાથી ૧૦૦ ટકા જેટલું કમિશન લેતા હતા.

- સાત વર્ષની સજાની જોગવાઇ

કોઇન્સ એક્ટ ૨૦૧૧ ની કલમ ૧૨ સી મુજબ ગુનો દાખલ કર્યો છે. કોઇ પણ વ્યક્તિ વાજબી કારણોસર વધુ જથ્થામાં પરચૂરણ રાખી શકતો નથી. છતાં તેની પાસેથી મોટો જથ્થો મળી આવે અને એ વ્યક્તિ સિકકા ઓગાળવા કે કાળાબજાર કરવાના હેતુથી સંગ્રહ કરતો હોવાનું પુરવાર થાય તો તેને સાત વર્ષ સુધી સજા થઇ શકે છે. પોલીસ કેસ દર્જ કરીને આ અંગે કાર્યવાહી કરશે.