રાજકોટ: બે દી’માં ચાર લાખ લોકો મેળે મહાલ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(રાજકોટની પ્રજાએ લોકમેળામાં ઊમટી પડી તેની તસવીર)

સૌરાષ્ટ્રની શાન સમા રાજકોટના લોકમેળામાં જામી રંગત મજાની
રાજકોટ: જન્માષ્ટમીના પર્વ નિમિત્તે રંગીલા રાજકોટ શહેરમાં યોજાયેલા લોકમેળામાં છઠ અને સાતમના દિવસે માનવ મહેરામણ ઊમટયો હતો. બે દિવસમાં અંદાજે ચાર લાખ લોકોએ મેળો માણ્યો હતો. શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકો મેળામાં ઊમટી પડતાં મધરાત સુધી લોમેળામાં જોરદાર જમાવટ જોવા મળી હતી. રંગીલા રાજકોટમાં જન્માષ્ટમીના પર્વમાં લોકમેળાનું આગવું આકર્ષણ છે. રેસર્કોસ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે મેળો આમજનતા માટે છઠના દિવસે સાંજે ખુલ્લો મુકાયો હતો. શુક્રવારે છઠના દિવસે એક લાખ લોકોએ મુલાકાત લીધી હતી.
સાતમના દિવસે સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઊમટી પડયા હતા અને લાખો લોકોની મેદની મેળામાં નજરે પડતી હતી. સાતમના દિવસે કુલ ત્રણ લાખ લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. બે દિવસમાં કુલ ચાર લાખ લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. કુલ છ દિવસ ચાલનારા મેળામાં ૨૦ લાખથી વધુ લોકો ઊમટી પડે તવી ધારણા દર્શાવાઇ રહી છે. લોકમેળામાં અવનવી રાઇડ્સ, રમકડાંના સ્ટોલ્સ અને ખાણીપીણીના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
ફેક્ટ ફાઇલ

૬ દિવસનો લોકમેળો
૨ દિવસમાં ચાર લાખ લોકોએ મુલાકાત લીધી
૨૦ લાખ લોકો આવે તેવી ધારણા
૩૬પ રમકડાં, ખાણીપીણીના સ્ટોલ
પ૪ રાઇડ્સ
૬ મહિ‌લા સશક્તિકરણ સ્ટોલ
૨૪ વોચ ટાવર
૪ કન્ટ્રોલ રૂમ
૧૦ સ્થળે ફ્રી પાર્કિંગ
૧૦૦૦ જવાનો બંદોબસ્ત માટે તૈનાત