રાજકોટ STને રોજની 1.32 લાખની બચત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- રાહત: ડીઝલના ભાવ ઘટાડાથી ગુજરાત એસ.ટી.તંત્રને દરરોજની 12 લાખથી વધુની બચત
- સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં કન્ટ્રોલ કરાય તો મોંઘવારી ઘટવાની સંભાવના

રાજકોટ: ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં 5 વર્ષ બાદ એકીસાથે રૂ.3.77 નો ઘટાડો કરાતા રાજકોટ એસ.ટી. ડિવિઝનને દરરોજની રૂ.1.32 લાખની બચત થશે તેમ જાણવા મળે છે. ગુજરાતના એસ.ટી.તંત્રને ડીઝલના ભાવ ઘટાડાના કારણે દરરોજના રૂ.15 લાખથી વધુની બચત થશે. રાજકોટ એસ.ટી.ડિવિઝનના કન્ટ્રોલર પ્રજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનની દરરોજની 490 બસો 102 રૂટ પર દોડે છે અને દરરોજની 1200 ટ્રીપ અંદાજે કરવામાં આવે છે અને 9 એસ.ટી. ડેપો પર દૈનિક 35 થી 36 હજાર લિટર ડીઝલનો વપરાશ કરવામાં આવે છે. ઓઇલ કંપનીઓએ ડીઝલના ભાવમાં રૂ.3.77 નો ઘટાડો કરતા રાજકોટ એસ.ટી. ડિવિઝનને દરરોજના રૂ.1.32 લાખની બચત થશે જે ચોખ્ખી આવક સમાન ગણી શકાય.

રાજ્યના એસ.ટી.તંત્રમાં રાજકોટ ડિવિઝનનો 10 ટકા જેટલો હિસ્સો છે, તે મુજબ હિસાબ કરીએ તો ગુજરાત સરકારને એસ.ટી.નિગમને ડીઝલના ભાવ ઘટાડાના કારણે દૈનિક રૂા. 15 લાખથી વધુની બચત થશે તેમ જાણવા મળે છે. ડીઝલમાં ભાવના સતત વધારાને પણ મોંઘવારીનું એક મહત્ત્વનું કારણ ગણવામાં આવે છે ત્યારે ડીઝલમાં ભાવ ઘટાડાના પગલે સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં ઘટાડો કરાય તો મોંઘવારી મહ્દઅંશે કાબૂમાં લાવી શકાય તેવો સૂર જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.

ડીઝલના ભાવ ઘટ્યા પણ ખાનગી ટ્રાવેલ્સના ભાડામાં ઘટાડો નહીં થાય

તાજેતરમાં રાજ્યના તમામ ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ડીઝલના સતત ભાવવધારાને કારણે ભાડામાં 10 થી 20 ટકાનો વધારો ઝીંક્યો હતો. દરમિયાનમાં, હવે ડીઝલના ભાવમાં એકીસાથે રૂ.3.77 નો ઘટાડો થવા છતાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ભાડાં ઘટાડો નહીં કરાય તેવા સંકેતો આપ્યા છે.

ટ્રાવેલ્સ સંચાલકોને પણ દૈનિક ત્રણ લાખની બેઠી આવક વધી જશે

ડીઝલમાં ભાવ ઘટાડાના કારણે રાજકોટના ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને દૈનિક રૂ.3 લાખનો ફાયદો થશે તેમ જાણવા મળે છે. હાલમાં, રાજકોટમાં 400 જેટલી ખાનગી લક્ઝરી બસો અલગ-અલગ રૂટ પર દોડે છે અને અંદાજે 200 લિટર ડીઝલનો વપરાશ બસ દીઠ કરવામાં આવે છે ત્યારે ડીઝલના ભાવ ઘટાડાથી દિવાળી સુધરી ગયાની લાગણી ટ્રાવેલ્સ સંચાલકો અનુભવી રહ્યા છે.