‘જરૂર પડશે’ તો મનપા બસ ખરીદશે, નવી દરખાસ્ત તૈયાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સિટી બસ સેવામાં શાસકોએ બુદ્ધિપૂર્વક રસ્તો કાઢ્યો : નવી દરખાસ્ત તૈયાર
- કોન્ટ્રાક્ટર પ૦ બસ લઇને આવે એ યથાવત રાખી જરૂરિયાત પડે તો વધુ બસ મનપા ખરીદી કરી શકે તેવી નવેસરથી દરખાસ્ત


રાજકોટની સિટી બસ સેવાનો કોન્ટ્રાકટ અમદાવાદની એજન્સીને અપાઇ ગયો છે આમ છતાં હજુ મનપા બસ ખરીદીના મામલે દિશાવિહિન છે. બસ ખરીદી માટે સ્વર્ણિમની રૂ. ૧૨ કરોડની ગ્રાન્ટ મળી હોવા છતાં શાસકોએ એજન્સી પ૦ બસ લઇને આવે એવો શંકાસ્પદ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી શાસકોને છાંટા ઉડે તેમ હોય ચાલાકીપૂર્વક પોતાનું સાચવી રાખીને હવે એવો નિર્ણય લેવા જઇ રહ્યા છે કે, જો પ૦થી વધુ દોડાવવાની જરૂરિયાત પડે તો તે મહાપાલિકા ખરીદી કરી શકે એવા વિકલ્પ સાથે હવે નવેસરથી દરખાસ્ત તૈયાર થઇ છે.

સિટી બસના સેવા મામલે ફરી એક સ્પીડબ્રેકર આવ્યું છે. આ અગાઉ કોન્ટ્રાક્ટર પોતે જ નાની અને મોટી એમ બન્ને બસ લઇને આવે એ રીતે અમદાવાદમાં સિટી બસ ચલાવતી મારૂતિ અને અહમ ટ્રાવેલ્સના જોઇન્ટ વેન્ચરને કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત બબ્બે વખત ડખે ચડ્યા બાદ ત્રીજીવાર મળેલી સ્ટેન્‍ડિંગ કમિટીએ મંજૂર થઇ હતી. અમદાવાદમાં સિટી બસ સેવા(એએમટીએસ) ચલાવતી અહeમ અને મારુતિ ટ્રાવેલ્સના જોઇન્ટ વેન્ચરને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર પોતે પ૦ બસ લઇને આ સેવા ચલાવવાની છે.

આ રીતના કોન્ટ્રાકટમાં મનપાને પ્રતિ કિ.મી. રૂ. ૧૦ મોંઘું પડતું હોવા છતાં શાસકોએ હઠાગ્રહ રાખીને કોન્ટ્રાક્ટર પોતે જ બસ ખરીદીને ચલાવે એવો વિચિત્ર નિર્ણય લીધો છે. બસ ખરીદી માટે મનપાને સ્વર્ણિમની રૂ. ૧૨ કરોડની ગ્રાન્ટ મળી હોવા છતાં શાસકોએ લીધેલા નિર્ણયથી શંકા ઉપજી રહી છે. સામે મ્યુનિ. કમિશનરનો વિચાર છેલ્લે સુધી મનપાને ફાયદો થાય એ રીતે જ બસ ખરીદીનો હતો.

અંતે શાસકોએ પોતાનું સચવાઇ જાય અને કમિશનરનું પણ માન રહી જાય એવો રસ્તો કાઢવા જઇ રહ્યા છે. જો કે તેમાં પણ ચાલાકી અપનાવી છે. અમદાવાદને અપાયેલો કોન્ટ્રાકટ યથાવત રાખી જો પ૦ બસથી વધુ બસની જરૂર પડે તો મનપા ખરીદી શકશે એવો વિકલ્પ ઉમેરીને હવે નવેસરથી દરખાસ્ત તૈયાર થઇ છે. જે આગામી સ્ટેન્‍ડિંગ કમિટીની મિટિંગના એજન્ડામાં રજૂ કરવામાં આવી છે.

- મિનિમમ ભાડું રૂ.૪ અને વધુમાં વધુ રૂ. ૧૯ રાખવા ચાલતી વિચારણા

સિટી બસનું ભાડુ હજુ પાકાપાયે નક્કી થયું નથી. કિ.મી. દીઠ ભાડુ નક્કી કરવા અભિપ્રાય મગાઇ રહ્યો છે. મિનિમમ ભાડુ રૂ. ૪ અને વધુમાં વધુ રૂ. ૧૯ રાખવામાં આવે એવી વિચારણા હાલના તબક્કે ચાલી રહી છે. ભાડુ નક્કી કરવા સ્ટેન્‍ડિંગ કમિટીમાં અલગથી દરખાસ્ત મોકલવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગમાં પ્રપોઝલ મોકલવામાં આવશે.

- બાવન મોટા રૂટ તૈયાર, વિદ્યાર્થીઓ-સિનિયર સિટીઝનને કન્સેશ ન અપાશે

સિટી બસનો કોન્ટ્રાકટ અપાઇ ગયા બાદ રૂટ નક્કી થઇ રહ્યા છે. રૂટ માટે કોર્પોરેટરોના સૂચનો મગાશે. પ્રાથમિક તબક્કે મોટા બાવન રૂટને આવરી લેવાનું આયોજન થયું છે. જરૂર પડ્યું આંતરિક વિસ્તારોમાં બસ લંબાવવાની પણ તૈયારી હોવાનું સ્ટેન્‍ડિંગ ચેરમેન રાજભા ઝાલાએ જણાવ્યું હતું. બસની ટિકિટમાં વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનને ખાસ કન્સેસન આપવામાં આવશે.