સિવિલના પ્રિઝનર્સ વોર્ડમાં કેદીનો આપઘાતનો પ્રયાસ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેલમાં જાતે જ માથા પર થાળીના ઘા ઝીંકતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો
જનોઇથી ગળાફાંસો ખાવાની કરેલી કોશિશ, ફરજ પરના સિપાહી જોઇ જતા બચાવી લેવાયો
રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા અને હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અમદાવાદના શખ્સે સિવિલ હોસ્પિટલના પ્રિઝનર્સ વોર્ડમાં ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઇ હતી.
મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલમાં રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા પરેશ વેદપ્રકાશ શર્મા (ઉ.વ.૪૦)એ જેલમાં પોતાની જાતે જ માથા પર થાળીઓના ઘા ઝીંકતા તેને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. કેદીને ઇજા થઇ હોવાને કારણે હોસ્પિટલના પ્રિઝનર્સ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રિઝનર્સ વોર્ડમાં રહેલા પરેશ શર્માએ પોતે પહેરેલી જનોઇથી ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વોર્ડમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની નજર પડતા તેઓ દોડી ગયા હતા. અને ફાંસો કાઢી તેને બચાવી લીધો હતો. બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ દોડી ગઇ હતી. અને કેદીનું નિવેદન નોંધ્યું હતું.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પરેશ શર્માને હત્યાના ગુનામાં અગાઉ અમદાવાદ જેલમાં રખાયો હતો. બાદમાં તેની રાજકોટ જેલમાં ટ્રાન્સફર થઇ હતી. રાજકોટ જેલમાં કેટલાક મહિ‌નાઓથી રહેલો પરેશ અવાર-નવાર કોઇને કોઇ ખેલ કરી જેલતંત્રને ધંધે લગાડે છે. બે દિવસ પૂર્વે બીમારીની વધુ પડતી ટીકડીઓ ખાઇ લેતાં હોસ્પિટલે લઇ જવાયો હતો. પરંતુ રજા આપી દેવાતા ફરીથી જેલહવાલે કરાયો હતો. જેલમાં જતા જ પરેશે ફરીથી થાળીઓ ફટકારી ઇજા કરી હોસ્પિટલ બિછાને પહોંચ્યો હતો.