રાજકોટ: સપ્તાહમાં લીંબુમાં 40નો ઉછાળો, કિલોના 100

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઓછી આવકની સામે ગરમીને કારણે ડિમાન્ડ વધતાં ભાવ વધ્યા

રાજકોટ: છેલ્લાં બે ત્રણ દિવસથી ગરમીનું પ્રેશર વધી રહ્યું છે. વધતી ગરમી સાથે લીંબુના ભાવ પણ ઊંચકાઇ રહ્યા છે. સ્થાનિક બજારમાં છૂટકમાં લીંબુ કિલોદીઠ રૂ.100ના ઊંચા ભાવે વેચાતા હતા. ઓછી આવકની સામે ગરમીમાં લેવાલી સારી રહેતા ભાવ વધ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એક સપ્તાહ પહેલા રૂ.60ના ભાવે મળતાં લીંબુના ભાવ અત્યારે રૂ.100ના ભાવે મળી રહ્યા છે.

વધતી ગરમીની સાથે જ લીંબુની માગમાં પણ નોંધનીય વધારો થયો છે. રાજકોટ શાકભાજી વિભાગના દલાલ જીતેન્દ્રભાઇ કાંજિયાએ આ અંગે જણાવ્યું હતું કે લીંબુની આવક ખૂબ ખોછી છે. સામાન્ય રીતે યાર્ડમાં લીંબુની આવક હોય તેની સરખામણીએ માત્ર 25 ટકા જેવી જ આવક રહે છે. હાલમાં રાજકોટની આજુબાજુના વિસ્તારમાંથી લીંબુ આવે છે. મંગળવારે હોલસેલ માર્કેટમાં કિલોના રૂ.50-60 સુધીના ભાવ બોલાયા હતા. છૂટકમાં રૂ.100-120 સુધીના ઊંચા ભાવ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહ અગાઉ લીંબુ કિલોદીઠ રૂ.60ના ભાવે મળતા હતા.

વધુમાં તેમણે જણાવ્યું હતુંકે બગીચાવાળા ખેડૂતોએ અન્ય પાકને પિયત આપતા વધેલું પાણી લીંબુને આપ્યું છે. પાણીની ખેંચને કારણે લીંબુની આવક ઓછી છે. વધુમાં ફેબ્રુઆરી અને માર્ચ દરમિયાન કમોસમી વરસાદને કારણે લીંબુના ફલાવરિંગમાં નુકસાન થયું હતું તેના કારણે પાક પ્રમાણમાં ખૂબ જ ઓછો છે જેના કારણે આવક ઘટી ગઇ છે. લીંબુના ભાવ વધતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. આવનારા દિવસોમાં પણ ભાવ ઘટશે નહીં તેવી ધારણા છે.