તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસ્લિમ યુવાન મજાકમાં ભૂત બન્યો : પોલીસે ભૂત ઉતારી દીધું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દિવાળીની રાત્રે બની અજીબોગરીબ ઘટના

દિવાળીની રાત્રે ૩:૦૦ વાગ્યે પોલીસ કન્ટ્રોલને ફોન આવ્યો ''પોપટપરાના નાલા પાસે ભૂત ઊભું છે, લોકોને ડરાવે છે...’’
પોલીસ પણ ચોંકી. વિના વિલંબે પ્રદ્યુમનનગરનો સ્ટાફ, પી. સી. આર. વાન દોડયા અને પોપટપરાના નાલા પાસે અને ત્યાંથી એક 'ભૂત’ ને રંગેહાથે ઝડપ્યું. ભૂતના અન્ય ત્રણ-ચાર સાથીદારો ભાગી ગયા. તેમણે પણ બાદમાં ઝડપી લીધા અને પછી બધાને સાગમટે લાઇનમાં ઊભા રાખી 'સારવાર’ કરી અને ભૂત બનવાના આ શખ્સોના શોખનું ભૂત ઉતારી દીધું.

બન્યું એવું કે, અમદાવાદથી આવેલો એક પરિવાર પોપટપરા નાલા પાસેથી પસાર થતાં હતા ત્યાં નાલા પાસે કેરોસીનના ડેપોના ખાચામાંથી ભૂતનું ભયંકર મહોરું પહેરેલા એક શખ્સે દેખા દીધી. સૂમસામ રાત્રે એ દૃશ્ય જોઇને એ પરિવારના સભ્યોના હૈયા ડબલ સ્પીડમાં ધડકવા લાગ્યા. સાચે જ ભૂત છે એમ માની, બધાએ પાછળ જોયા વગર મુઠ્ઠીઓ વાળી દોટ મૂકી અને ત્યારબાદ, પોલીસને જાણ કરી.

પોલીસ પહોંચી ત્યારે પણ 'ભૂત’ હાજરાહજૂર હતું. ભૂતનું મહોરું પહેરેલા શખ્સે એવો આબેહૂબ દેખાવ સજ્ર્યો હતો કે, બે ઘડી તો પોલીસ પણ ધ્રૂજી ગઇ હતી. પણ, પછી એ શખ્સને દબોચી લીધો. એ સમયે ત્રણ-ચાર અન્ય શખ્સો નાસી ગયા. પોલીસે પકડેલા મુસ્લિમ યુવાને એવો ખુલાસો આપ્યો કે પોતાના મિત્રોને ડરાવવા એણે આ નાટક કર્યું હતું. અમદાવાદના પરિવાર ઉપરાંત અન્ય રાહદારીઓ પણ ભુતને જોઇને ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ તપાસમાં એ યુવાનનો કોઇ ગુનાહિ‌ત ઇતિહાસ ન મળતા તેનો ખુલાસો સાચો લાગ્યો. બનાવ અંગે કોઇ ફરિયાદ નહોતી થઇ. પોલીસે જો કે, એ ભૂતના નાસી ગયેલા મિત્રોને ઉપાડી લીધા અને બધાની 'શાસ્ત્રોક્ત’ ઢબે સારવાર કરી બાદમાં છોડી દીધા. પોલીસે ભૂતનું મહોરું કબજે કરી સળગાવી દીધું. જેથી, તેનો કોઇ ફરી ઉપયોગ ન કરી શકે.