રાજકોટ: ચાર દી’માં ૧પ લાખ લોકો મેળામાં મહાલ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - મેળાનો નયનરમ્ય નજારો)

-હાલો મેળે... આઠમના દિવસે માનવ મહેરામણ ઊમટયો, મેળામાં હૈયે હૈયું દળાય એટલી જનમેદની
-
શહેરના દરેક પર્યટક સ્થળોએ હકડેઠઠ્ઠ મેદની, લોકોએ મનભરીને મોજ માણી
રાજકોટ: સાતમ-આઠમના તહેવાર પર રાજકોટમાં યોજાતો લોકમેળો સમગ્ર રાજ્યમાં પ્રસિધ્ધ છે, રાંધણછઠ્ઠના દિવસથી શરૂ થયેલા લોકમેળાનો રાજકોટવાસીઓ અને આસપાસના ગામમાંથી આવેલા લોકો આનંદ ઊઠાવી રહ્યા છે અને છેલ્લા ચાર દિવસમાં પંદર લાખ જેટલા લોકોએ લોકમેળાની મોજમાણી હતી. આઠમ-નોમના દિવસે તો માનવ મહેરામણ ઊમટી પડયું હતું. જોકે તંત્ર સાબદુ હોય કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નહતો.

શુક્રવારે બપોરે રાજકોટના રેસર્કોસ મેદાનમાં લોકમેળો ખુલ્લો મુકાતાની સાથે જ રાજકોટની રંગીલી પ્રજા મેળામાં ઊમટી પડી હતી. પ્રથમ દિવસે પણ એકાદ લાખ લોકો મેળામાં પહોંચી ગયા હતા. સાતમના દિવસે પણ મેળો ધમધમતો રહ્યો હતો. જોકે, આઠમને રવિવારે તો જાણે માનવ મહેરામણ ઊમટી પડયું હતું. રવિવારે સવારના નવ વાગ્યાથી જ મેળામાં લોકોનું આગમન થવા લાગ્યું હતું. અને તમામ સ્ટોલ તેમજ ચકરડીઓ ફૂલ થઇ ગઇ હતી. જુદી-જુદી રાઇડ્સની મોજ માણવા માટે લોકો કતારમાં ઊભા હોય તેવા દૃશ્યો સામાન્ય બન્યા હતા. ભરબપોરે પણ મેળામાં લોકોની સંખ્યામાં ઘટાડો થયો નહતો. સાંજ પડતા જ મેળાએ જાણે નવું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ જ્યાં નજર પડે ત્યાં લોકો જ નજરે પડતા હતા.
રાત્રે આઠેક વાગ્યે વરસાદી ઝાપટું પડતા થોડીવાર માટે લોકો સલામત સ્થળે ઊભા રહી ગયા હતા પરંતુ, થોડીવાર બાદ વરસાદ અટકી જતાં લોકોના જોશમાં જાણેવધારો થયો હતો અને રાત્રિના નવથી બાર વાગ્યા સુધી તો મેળામાં પગ મુકવાની પણ જગ્યા નહોય તેવો ઘાટ સર્જા‍યો હતો.સોમવારે પણ એવી જ સ્થિતિ સોમવારે બપોર સુધી હજારો લોકોએ મેળો માણ્યો હતો પરંતુ, સાંજ પડતા જ ફરીથી લાખો લોકો મેળાની મોજ માણતા નજરે પડયા હતા. ચાર દિવસમાં પંદર લાખ લોકોએ લોકમેળાની મોજ માણ્યાનો કલેક્ટર તંત્રે દાવો કર્યો હતો. પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાંઆવેલી બંદોબસ્તની અસરકારક વ્યવસ્થાને કારણે લોકોને કોઇ તકલીફ થઇ નહતી. શહેરના તમામ પર્યટક સ્થળોએ લોકોની ભારે ભીડ જામી હતી અને ગીર્દીમાં પણ લોકોએ મનભરીને મોજ માણી હતી.

આઇસક્રીમના સ્ટોલ પર અને પાકિગમાં લોકો લૂંટાયા

રાજકોટ શહેર જિલ્લા સુરક્ષા ગ્રાહક મંડળના રામજીભાઇ માવાણીએ જણાવ્યું હતું કે, લોકમેળામાં આઇસક્રીમના સ્ટોલ પર લોકોને લૂંટવામાં આવ્યા હતા. જે કંપનીનો જે ફલેવરનો આઇસક્રીમ મેળા બહાર રૂા.૧૦માં મળતો હતો એ જ આઇસક્રીમ મેળાના સ્ટોલ પર રૂા.૨૦માં વેચાતો હતો અને એ આઇસક્રીમના પેકિંગ પર રૂા.૨૦ની કિંમતની પ્રિન્ટ લગાવવામાં આવી હતી. આમ ઊંચી કિંમત પ્રિન્ટ પર છપાવી લોકોને લૂંટવામાં આવ્યા હતા તેમજ મેળાની આસપાસમાં આવેલા વિસ્તારની શેરીઓ બંધ કરી અનેક લોકોએ પાકિગ શરૂ કરી દઇ રૂા.૨૦ થી ૪૦ના વાહનદીઠ ઉઘરાણા શરૂ કર્યા હતા. આ પ્રકારની ફરિયાદ દર વર્ષે ઉઠે જ છે પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા લોકોએ ના છૂટકે લૂંટાવું પડે છે.