રેલવેની દાનત હોય તો હરિદ્વાર માટે દૈનિક ટ્રેનનો લાભ મળી શકે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સૌરાષ્ટ્રને વર્ષોથી સપ્તાહમાં એક જ ટ્રેન ફાળવાઇ છે
- ઉત્તરાંચલ એક્સપ્રેસ નથી સપ્તાહમાં બે વખત દોડાવાતી કે નથી કોચ વધારાતા

રેલવે તંત્ર દ્વારા સૌરાષ્ટ્રને અન્યાય કરવાનો સિલસિલો ચાલુ જ છે. મુંબઇ માટે ૩૩ વર્ષથી તેમ હરિદ્વાર માટે બારેમાસ ધસારો રહેતો હોવા છતાં ઉત્તરાંચલ એક્સપ્રેસ નથી સપ્તાહમાં બે વખત દોડાવાતી કે નથી કોચની સંખ્યા વધારાતી. રેલવે તંત્ર ઇચ્છે તો આ સમસ્યાનું નિવારણ થઇ શકે છે. મસમોટું રહેતું વેઇટિંગ ઘટી શકે છે. દૈનિક ટ્રેનનો લાભ મળી શકે તેમ છે.

સૌરાષ્ટ્રની પ્રજાને હરિદ્વાર જવા માટે વર્ષોથી એક જ ટ્રેન નં. ૧૯૬૯પ ઉત્તરાંચલ એક્સપ્રેસ (ઓખા-દહેરાદુન) મળે છે. આ ટ્રેન સાપ્તાહિ‌ક છે જે પ્રતિ શુક્રવાર ઓખાથી સવારે ૭:૩૦ આસપાસ તેમજ રાજકોટથી બપોરના ૧૨:૨૦ વાગ્યે ઉપડે છે. માત્ર ૧૩ કોચ હોવાથી આ ટ્રેન પણ અધૂરી છે. વારંવારની માગણી છતાં નથી કોચની સંખ્યા વધારાતી કે નથી આ ટ્રેનને સપ્તાહમાં બે વખત દોડાવવામાં આવતી. રાજકોટના સાંસદ કુંવરજીભાઇ બાવળિયા તેમજ જામનગરના સાંસદ વિક્રમભાઇ માડમ દ્વારા રેલવે બજેટ પૂર્વે જ આ અંગે રજૂઆત પણ કરાઈ હતી. છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન અપાયું નથી.

રેલવે તંત્રની દાનત હોય તો, સૌરાષ્ટ્રને હરિદ્વાર માટે દૈનિક ટ્રેનનો લાભ મળી શકે છે. આ માટે બે વિકલ્પ પણ છે. અમદાવાદથી પ્રતિદિન સવારે ૯ વાગ્યે ઉપડતી ટ્રેન નં. ૧૯૧૦પ અમદાવાદ-હરિદ્વાર મેલને રાજકોટ સુધી લંબાવવામાં આવે. બીજો વિકલ્પરૂપે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ જે રાજકોટથી રાત્રિના ૧:૨૦ વાગ્યે ઉપડે છે અને અમદાવાદ સવારે ૬:૩૦ વાગ્યે પહોંચે છે. તેમાં, જનરલ, સ્લિપર, એ. સી. સહિ‌તના વધારાના કોચ લગાવી એ કોચને અમદાવાદ-હરિદ્વાર મેલ સાથે જોડી દેવામાં આવે.

પ્રપોઝલ મોકલાઇ છે

હરિદ્વાર જવા માટે સતત ધસારો રહેતો હોવાના કારણે વેઇટિંગ ઓછું થતું નથી. નાગરિકોની સુવિધા અર્થે ઉત્તરાંચલ એક્સપ્રેસમાં કોચની સંખ્યા વધારવા અથવા આ ટ્રેન સપ્તાહમાં બે વખત દોડાવવા પ્રપોઝલ મોકલવામાં આવી હોવાનું ડી. આર. એમ. બાપ્તીવાલેએ જણાવ્યું હતું.