ધમકી મળ્યા બાદ વૃધ્ધ ભેદી રીતે ગુમ: અપહરણની આશંકા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પાડાસણની જમીન મુદ્દે ૨૨ લાખ પડાવવા ધમકી અપાતી હતી
- ભરવાડ પિતા-પુત્ર સામે શંકા વ્યક્ત કરતા ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપાઇ


તાલુકાના પાડાસણ ગામમાં રહેતા નાગજીભાઇ રવજીભાઇ વઘાસિયાએ વર્ષો પહેલાં વેચી દીધેલી જમીન મુદે વિવાદ ઊભો કરીને પૈસા પડાવવા ભરવાડ પિતા-પુત્રએ ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ધમકી મળ્યા બાદ વૃધ્ધ ખેડૂત ત્રણ દિવસ પહેલાં વાડીએ ગયા બાદ લાપતા બની જતાં તેના પરિવારજનોએ અપહરણ થયાની શંકા વ્યક્ત કરી છે. તેમજ રાજકીય આગેવાનોને સાથે રાખીને કમિશનરને અરજી કરતા તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

બીજી તરફ જેમની સામે શંકા વ્યક્ત કરવામાં આવી છે તે ભરવાડ પિતા-પુત્રનો પતો ન મળતાં પોલીસે બન્નેને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. લાપતા વૃધ્ધના પત્ની પૂરીબેન વઘાસિયા (ઉ.વ.૬પ)એ આજે યાર્ડના ચેરમેન હરદેવસિંહ જાડેજા, નિતીનભાઇ ઢાંકેચા,ડી.કે.સખિયા સહિતના આગેવાનો સાથે આજે કમિશનરને પાઠવેલા આવેદનમાં ત્રણ દિવસથી લાપતા તેમના પતિ નાગજીભાઇનું ગામમાં જ રહેતા મહેશ વેલાભાઇ મુંધવા અને વેલાભાઇ રામાભાઇ મુંધવા સહિતના શખ્સો અપહરણ કરી ગયાની દહેશત વ્યક્ત કરી હતી.

તેમણે રજૂઆતમાં જણાવ્યું હતું કે તેમના સસરા રવજીભાઇએ ૩૦ વર્ષ પહેલાં ઉપરોકત ભરવાડને ખેતીની જમીન ૬૦ હજારમાં વેચાણથી આપી હતી. ભરવાડ પિતા-પુત્રએ વર્ષો પહેલાં ખરીદેલી જમીનમાં બે વિઘા જમીન ઓછી હોવાનો વિવાદ ઉભો કરીને પૈસાની માગણી કરતા દોઢ વર્ષ પહેલાં તા.૧૩/૮/૧૨ ના રોજ છ લાખ રૂપિયા વળતર આપીને સમાધાન કર્યું હતું તેમજ હવે કોઇ લેતી દેતી વિવાદ નથી તેવું નોટરી સમક્ષ સમજુતી કરારનું લખાણ કરાવ્યું હતું.

હવે વધુ ૨૧ લાખ તેમજ માતાજીના ૧.પ૦ લાખ મળી ૨૨.પ૦ લાખની માગણી કરીને ધાક ધમકી આપતા હોવાથી નાગજીભાઇનું એ લોકોએ અપહરણ કર્યાની શંકા વ્યક્ત કરી હતી. બનાવની ગંભીરતા ધ્યાને લઇને કમિશનરે ક્રાઇમબ્રાંચને તપાસ સોંપી હતી. જોકે લાપતા વૃધ્ધ કે શકમંદ ભરવાડ પિતા-પુત્રનો કોઇ પતો મળ્યો નથી.