ભરશિયાળે અષાઢનો માહોલ, પોરબંદર-જામનગર હળવા ઝાપટાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- પોરબંદર, જામનગર અને કચ્છ જિલ્લામાં હળવા ઝાપટાં : સર્વત્ર વાદળછાયું વાતાવરણ
- વાતાવરણના પલટા વચ્ચે દરિયામાં ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો અને માછીમારોને મુશ્કેલી પડી હતી. જોકે નુકસાનીના કોઇ વાવડ નથી


સૌરાષ્ટ્ર-કચ્છમાં પૂર્વ ધારણા મુજબ આજે ભરશિયાળે અષાઢી માહોલ સર્જાયો હતો. સર્વત્ર આકાશ વાદળોથી છવાયું હતું અને કેટલાક સ્થળે માવઠું થયું હતું. આજે મુખ્યત્વે પોરબંદર,જામનગર અને કચ્છ જિલ્લામાં હળવા છાંટાથી માંડી ઝાપટાં પડ્યા હતા. હજુ આગામી બે દિવસ હવામાન અનિશ્ચિત રહે તેવી સંભાવના છે.

ત્યાર બાદ ફરી ઠંડીનો વધુ એક જોરદાર રાઉન્ડ આવવાની ધારણા છે.આજે કલ્યાણપુર,દ્વારાકા, ઓખા,ખંભાળિયા, પોરબંદર, ભુજ અને રાપરમાં છાંટાથી માંડી કમોસમી વરસાદી ઝાપટાં નોંધાયા હતા. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે વાતાવરણમાં પલટો નોંધાયો હતો. દક્ષિણ રાજસ્થાન અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલા અપર એર સકર્યુંલેશનને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં આજે હવામાન ડખે ચઢયું હતું. પવનની ઝડપ પણ વધી હતી. આજે વહેલી સવારે જ ટાઢા પવનોનો મારો રહ્યો હતો.

આજે અમરેલીને બાદ કરતાં મોટાભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન ચારેક ડિગ્રી ગબડ્યું હતું. ન્યુનતમ તાપમાનમાં જોકે બહુ ફરક નોંધાયો ન હતો. હવામાન વિભાગના આંકડા મુજબ દ્વારકામાં ૦.૮ મીમી તેમજ ઓખામાં ૧.૩ મીમી વરસાદ નોંધાયો હતો. કચ્છમાં માવઠાંથી પાકને નુકસાનીની દહેશત કચ્છમાં સવારથી જ આકાશ ગોરંભાયું હતું. બપોર બાદ ભુજ,માંડવી, મુંન્દ્રા, રાપર, ભચાઉ સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું.

જેને પગલે જીરું સહિતના પાકને નુકસાનીની દહેશત સેવાઇ રહી છે. કચ્છમાં ૧૬ હજાર હેકટરનું જીરાનું વાવેતર છે. માંડવીમાં સવારે છાંટા પડ્યા હતા અને નખત્રાણા, દયાપરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.પટેલ ચોવીસીના ગામોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. ભદ્રેશ્વર અને મુન્દ્રામાં છાંટા પડ્યા હતા. રાપર,ભચાઉ ,દૂધઇ ખાતે પણ ઝાપટાં નોંધાયા હતા. ગાંધીધામમાં પણ વાદળછાયા આકાશ વચ્ચે ટાઢાબોળ પવન ફૂંકાયો હતો.

- ભાવનગરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ

ભાવનગર શહેરમાં ઓછા વાદળો છવાયા હતા. શહેરનું મહત્તમ તાપમાન તે ૨૪ કલાકમાં ૨.૮ ડિગ્રી ઘટીને ૨૯.૨ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું તો લઘુત્તમ ઉષ્ણતામાન ઘટીને ૧૭.૯ ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું. પવનની ઝડપ ૧૩ કિલોમીટર નોંધાઈ હતી હવામાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા રહ્યું હતું.

- દ્વારકા-ખંભાળિયા કલ્યાણપુરમાં કમોસમી ઝાપટાં

દ્રારકામાં સવારે આઠ વાગ્યા બાદ એકાએક જોરદાર વરસાદી ઝાપટુ વરસ્યુ હતુ અને લગભગ પંદર-વીશ મીનીટ યથાવત હળવા ભારે છાંટાના પગલે માર્ગો પર પાણીના ખાબોચીયા ભરાયા હતા.ખંભાળિયા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ સવારે કમોસમી છાંટા વરસ્યા હતા.

- રાજકોટમાં વાદળછાયું વાતાવરણ રહ્યું

રાજકોટમાં આજે સવારે ઠંડીના ચમકારા બાદ આકાશમાં વાદળો છવાયા હતા. સવારે પવનની ઝડપ વધીને ૨૦ કિમિની આસપાસ રહી હતી. બપોરબાદ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આજે ભેજનું પ્રમાણ વધતા બપોરે સહેજ ઉકળાટનો અનુભવ થયો હતો. હજુ આવતીકાલે પણ વાદળછાયું વાતાવરણ જારી રહે અને હળવા છાંટા પડે તેવી સંભાવના હવામાન વિભાગના સૂત્રોએ વ્યક્ત કરી હતી.


- વિવિધ શહેરોનું તાપમાન

શહેર મહત્તમ ન્યૂનતમ

રાજકોટ ૨૯.૪ ૧૭.૭
જામનગર ૨૫.૦ ૧૭.૩
જૂનાગઢ ૩૦.૫ ૧૭.૦
અમરેલી ૩૧.૯ ૧૬.૪
પોરબંદર ૨૮.૦ ૧૫.૬
ભુજ ૨૬.૦ ૧૯.૦
નલિયા ૨૬.૪ ૧૬.૮
વેરાવળ ૨૭.૮ ૧૭.૯
ભાવનગર ૨૯.૨ ૧૭.૯
દીવ ૨૭.૩ ૧૭.૩
કંડલા ૨૫.૨ ૨૦.૦