હવે સાયન્સ કોલેજોમાં પ્રવેશ મળી જશે ફટાફટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સૌરાષ્ટ્રમાં સાયન્સની ૧૮ કોલેજોમાં ૫૪૦૦ છાત્રોને પ્રવેશ મળ્યા બાદ જરૂર જણાયે વધુ પ્રવેશની મંજુરી અપાશે

ધોરણ-૧૨ સાયન્સનું ૯૨ ટકા પરિણામ આવ્યું છે. એ-ગ્રૂપના ૭૪૦૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે ત્યારે સાયન્સ કોલેજમાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે કે કેમ? તે સંદર્ભે અનેક અટકળો શરૂ થઈ છે. ખાસ કરીને સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ કોલેજોમાં હોંશિયાર વિદ્યાર્થીઓના નામ મેરિટમાં ન આવે તેવા અહેવાલ વહેતા થયા છે.

આ બાબતે શિક્ષણજગત સાથે સંકળાયેલા તજજ્ઞોનો સંપર્ક કરતા તેઓએ આંકડાકીય માહિતી સાથે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સાયન્સ કોલેજોમાં વિદ્યાર્થીઓને આરામથી એડમશિન મળી જશે. બીએસસીમાં પ્રવેશ લેવા માગતો એકપણ છાત્ર એડમશિન વિનાનો નહીં રહે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.પાડલિયાએ પણ એવો સંકેત આપ્યો હતો કે, યુનિવર્સિટી સંલગ્ન ૧૮ કોલેજોમાં ૫૪૦૦ વિદ્યાર્થીઓને તો એડમિશન મળી જશે પરંતુ જરૂર જણાયે વધારાના પ્રવેશ માટેની મંજુરી પણ આપી દેવામાં આવશે અને આ અંગેની કાર્યવાહી યુનિવર્સિટીએ આરંભી દીધી છે.

- સાયન્સની ૧૮ કોલેજો છે

સૌરાષ્ટ્રમાં સાયન્સની ૧૮ કોલેજો છે. રાજકોટમાં વીરબાઈમા મહિલા કોલેજ, વિરાણી સાયન્સ, કોટક સાયન્સ, ક્રાઈસ્ટ કોલેજ,જ્ઞાનયજ્ઞ કોલેજ, સર્વોદય સાયન્સ કોલેજ, એચ.એન. શુક્લા કોલેજ, હરિવંદના કોલેજ અને અર્પિત કોલેજ ઉપરાંત અમરેલીમાં બે, જામનગરમાં ૧, પોરબંદરમાં ૧, જૂનાગઢમાં ૨, સુરેન્દ્રનગરમાં ૧ અને મોરબીમાં સાયન્સની એક કોલેજ છે. આ તમામ કોલેજોમાં પ્રથમ તબક્કે ૩૦૦-૩૦૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

- વધારાના પ્રવેશ માટે મંજુરી લેવાની જરૂર નથી: પાડલિયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ.મહેન્દ્ર પાડલિયાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે પણ અમોએ સાયન્સની કોલેજોમાં ૩૦૦ ઉપરાંત વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની મંજુરી આપી હતી. આ વખતે હજુ કોઈ સાયન્સ કોલેજ તરફથી વધારાની મંજુરી અંગેનો પત્ર મળ્યો નથી.

આમ છતાં અમોએ આગોતરા આયોજનરૂપે તા.૨૩-૦૫ના રોજ પત્ર તૈયાર કરીને દરેક સાયન્સ કોલેજ પર મોકલી દેવાની સૂચના આપી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષે વધારાની જે કોલેજોને મંજુરી આપવામાં આવી છે તે કોલેજોને જો વધારે પ્રવેશની જરૂરિયાત ઊભી થાય તો તેઓએ યુનિવર્સિટી પાસે મંજુરી માગવાની જરૂર નથી. માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય તો સાયન્સના છાત્રોને પ્રવેશ આપી દેવો.

- શા માટે સાયન્સ કોલેજમાં એડમિશન સરળ રહેશે

સૌરાષ્ટ્રમાં સાયન્સની ૧૮ કોલેજમાં વિદ્યાર્થીઓને સરળતાથી એડમિશન શા માટે મળી રહેશે તે અંગે શિક્ષણજગત સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ સાયન્સમાં એ-ગ્રૂપમાં ૭૪૦૦૦ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગુજરાતમાં એન્જિનિયરિંગની ૬૪૦૦૦ બેઠકો છે. એન્જિનિયરિંગમાં આ વખતે ૪૫ ટકાએ પણ એડમશિન મળી જશે. કારણ કે, રાજ્ય સરકારે પ્રેકિટકલના માર્કસ પણ ગણવાનો નિર્ણય લીધો છે.

આથી એન્જિનિયરિંગમાં એડમિશન મેળવવું સરળ રહેશે. ૭૪૦૦૦માંથી મોટાભાગના વિદ્યાર્થીઓ પહેલી પસંદગી એન્જિનિયરિંગ પર જ ઉતારતા હોય છે. જો આમ થશે તો માત્ર ૧૦૦૦૦ વિદ્યાર્થીઓને સાયન્સ કોલેજમાં પ્રવેશનો પ્રશ્ન રહેશે. પરંતુ, એન્જિનિયરિંગની તમામ બેઠકો કદાચ ન ભરાય તો એકલા સૌરાષ્ટ્રમાં જ ૫૪૦૦ વિદ્યાર્થીઓને તો સરળતાથી પ્રવેશ મળી જ જશે. અને, યુનિવર્સિટીએ વધારે પ્રવેશની જરૂર ઊભી થાય તો તેની તૈયારી પણ કરી લીધી છે.