રાજકોટ: ઉત્સાહનો ફોર્સ, નર્મદાની નવી લાઇનમાં ભંગાણ!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઉપાધિ: વધારાના 40 એમએલડી માટે નવી જ નાખેલી ખંભાળા-ઇશ્વરિયા લાઇનમાં બુધવારે જ પદાધિકારીઓએ વધામણા કર્યા હતા

રાજકોટ: રાજકોટના ઘરઆંગણેના મુખ્ય આધારસ્તંભ આજી અને ન્યારી ડેમ તળિયાઝાટક થઇ જતા તાબડતોબ નખાયેલી ખંભાળા-ઇશ્વરિયાની પાઇપલાઇન ચાલુ થયાના બીજા ત્રીજા જ દિવસે તેમાં ભંગાણ થયું હતું. આ લાઇનમાંથી વધારાનું 40 એમએલડી શરૂ થયું ત્યારે મનપાના પદાધિકારીઓએ વિધિવત વધામણા કર્યા હતા. જાણે કે આનંદ અને ઉત્સાહનો આ ફોર્સ નવી પાઇપલાઇન ખમી ન શકી હોય તેમ પાઇપલાઇનમાં જેવો ફોર્સ વધારાયો એ સાથે જ બે પાઇપ વચ્ચેનું જોઇન્ટ તૂટી જતાં પાણીના ફુવારા ઉડ્યા હતા.

અત્યાર સુધી રાજકોટને 180 થી 195 એમએલડી નર્મદા નીર મળતું હતું. આજી અને ન્યારીનું પાણી મળતું બંધ થઇ ગયા બાદ નર્મદા નીર 215 થી 220 એમએલડી મળે તો જ દૈનિક વિતરણના બે છેડા ભેગા થઇ શકે તેમ છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને ખંભાળા લાઇનમાંથી વધુ નર્મદા નીર કાલાવડ રોડ પરની ઇશ્વરિયા લાઇન સાથે જોડાણ કરવા નવી પાઇપલાઇન નાખવાનો ત્વરિત નિર્ણય કરાયો હતો. 4.8 કિ.મી.ની બે લાઇન સમાંતર એટલે કુલ 9.6 કિ.મી. પાઇપલાઇન પાથરવાનું કામ માત્ર 12 જ દિવસમાં પૂર્ણ કરી નખાયા બાદ ચાર દિવસ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એ પછી નવી લાઇનમાં પાણી પણ છોડવાનું શરૂ કરાયું હતું.

બે દિવસ પહેલા બુધવારે સવારે ઇશ્વરિયા લાઇનમાંથી વધારાનું 40 એમએલડી પાણી રાજકોટ ન્યારી ફિલ્ટર પ્લાન્ટ પર આગમન થતાં જ સ્ટેન્ડિંગ ચેરમેન નીતિન ભારદ્વાજ વોટરવર્કસ કમિટીના ચેરમેન કેતન પટેલ, ડેપ્યુટી મેયર ઉદય કાનગડ, શાસકપક્ષના નેતા અને દંડક સહિતના પદાધિકારીઓએ શાસ્ત્રોક્તવિધિ સાથે વધામણા કર્યા હતા. તેના બીજા દિવસે 24 જ કલાકમાં 220 એમએલડી નર્મદા નીર મળ્યું હતું, પરંતુ વધારાના પાણીના વધામણા અને ઉત્સાહના ઘોડાપૂરનો ફોર્સ જાણે નવી પાઇપલાઇન ખમી ન શકી હોય તેમ ત્રીજા જ દિવસે પાઇપલાઇનમાં ભંગાણ થયું હતું.

ઇશ્વરિયા નજીક જ બે પાઇપલાઇનના બે ટુકડાના જોડાણનો જોઇન્ટ છુટ્ટો પડી ગયો હતો. વધુ ફોર્સ સાથે પાણી છોડવામાં આવતા આ ભંગાણ થયું હોવાનું ટેક્નિકલ કારણ મનપાની વોટરવર્કસ શાખામાંથી જાણવા મળ્યું છે.

ફોલ્ટ રિપેર થયો છતાં 7 MLD ઓછું મળ્યું

જોઇન્ટ છટકી ગયો હોવાની જાણ થતાં જ વોટરવર્કસ શાખા સંભાળતા સિટી ઇજનેર વી.સી.રાજ્યગુરુએ ઇજનેરોની ટીમને દોડાવી હતી અને તાબડતોબ પાઇપલાઇન રિપેર કરાવી હતી. આ ફોલ્ટના કારણે 7 એમએલડી જેટલું પાણી રાજકોટને ઓછું મળ્યું હતું. જો કે સદ્દનસીબે વિતરણ વ્યવસ્થાને કોઇ માઠી અસર થઇ ન હતી.

જોઇન્ટ છટકતાં જ જબરો ઊંચો ફુવારો વછૂટ્યો

પાઇપલાઇન આખી ભરેલી હતી. વધુ ફોર્સ સાથે પાણી છોડવાનું શરૂ કરતાં જ જેવો જોઇન્ટ છટક્યો કે એ સાથે જ 15થી 20 ફૂટ ઊંચો ફુવારો વછૂટ્યો હતો. ચોમેર પાણીપાણી થઇ ગયું હતું. જો કે પાઇપલાઇન તૂટી હોવાની ત્વરિત જાણ થઇ જતાં લાઇન બંધ કરી દેવામાં આવી હતી. પરિણામે પાણીનો બગાડ થતાં અટકાવી શકાયો હતો.