મ્યુનિ. અધિકારીઓની સ્વિડન પ્રવાસની મનની મનમાં રહી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક જ અધિકારીની સરકારે મંજૂરી આપતા ન છૂટકે આખી ટીમે પ્રવાસ રદ કર્યો

મનપાના કમિશનર અજય ભાદુ, ડે. કલેક્ટર પી. પી. વ્યાસ અને સોલિડ વેસ્ટ આસિસ્ટન્ટ એન્જિનિયર મૌલિક ગણાત્રા ત્રણેય અધિકારીઓ સ્વિડન પ્રવાસે જવાના હતા. જે પ્રવાસ રદ્દ થયેલો છે. ડે. કમિશનર, આસિસ્ટન્ટ એન્જિનિયરને સરકારમાંથી મંજૂરી ન મળતા આખો પ્રવાસ રદ્દ થતાં અધિકારીઓની વિદેશ જવાની વાત મનની મનમાં જ રહી ગઇ છે.

ચાર દિવસની સ્વિડનની સત્તાવાર મુલાકાત માટે અધિકારીઓએ આજે દિલ્હી પહોંચી જવાનું હતું. પરંતુ, ગઇકાલથી જ અમુક ઔપચારિક મંજૂરીઓ બાકી હોવાની વાતની શરતે જ આગળ વહીવટી પ્રક્રિયા કરાયા બાદ અંતે સરકારમાંથી પરમિશન ન મળતા પ્રવાસ રદ્દ કરાયો છે.

ત્રણેય અધિકારીઓ સ્વિડનમાં સ્વિડિશ એનર્જી એજન્સી અને ભારત સરકાર વચ્ચે થયેલી ટેક્નોલોજીના આદાન-પ્રદાન માટે જવાના હતા. એ સિવાય સ્વિડિશ એજન્સી દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજી વડે ઘન કચરામાંથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. તે અંગે માહિ‌તી મેળવવાના હતા.

અધિકારીઓએ સત્તાવાર વિદેશ જવા માટે સરકારની મંજૂરી લેવાની હોય છે. તો આઇએએસ અધિકારીએ રાજ્યના વિભાગ ઉપરાંત, દિલ્હી ખાતે પણ મંત્રાલયની મંજૂરી લેવાની હોય છે. પરંતુ, ઔપચારિકતા પૂરી કરવી જરૂરી હોય છે. જો કે, અધિકારીઓને એમ હતું કે, મંજૂરી રાબેતા મુજબ આવી જશે. કારણ કે, આ પ્રવાસનો હેતુ અભ્યાસનો હતો અને ખર્ચ પણ મનપાએ આપવાનો ન હતો. સમગ્ર કાર્યવાહીમાં બે અધિકારીની છેક સુધી મંજૂરી આવી ન હતી.