વાહ રે શાસકો, મતદાન નજીક આવતાં જ નર્મદા નીરમાં વધારો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અઢી મહિ‌નાથી નથી મળ્યું તેટલું ૧૨પ એમએલડી પાણી રાજકોટને અપાયું

છેલ્લાં અઢી-અઢી મહિ‌નાથી નર્મદાના ધાંધિયાથી પીડાતી રાજકોટની જનતા ઉપર મતદાન નજીક આવતાં જ સરકાર વરસી ગઇ છે. ૯૦ એમએલડી પણ ક્યારેક ભાગ્યે જ મળતું નર્મદા નીર સોમવારે ૧૨પ એમએલડીથી વધુ મળ્યું હતું. ૩૦મીએ મતદાન છે. પાણીનો કકળાટ ડેમેજ ફેક્ટર ન બની જાય એવા ઇરાદા સાથે જ નર્મદાનું જરૂરિયાતથી વધુ પાણી આપવાની ગોઠવણ હોવાનું મનાઇ રહ્યું છે.

રાજકોટની પાણી વિતરણ વ્યવસ્થા છેલ્લાં અઢી મહિ‌નાથી વેરવિખેર થઇ ગયેલી છે. નર્મદાના ધાંધિયાએ આ સ્થિતિ બગાડી હતી. ક્યારેક ટેક્નિ‌કલ ફોલ્ટનું બહાનું તો ક્યારેક કેનાલનું લેવલ ડાઉન હોવાનું કારણ અપાતું રહ્યું છે. આવી સ્થિતિમાં મુખ્ય આધારસ્તંભ એવા આજીડેમ ઉપર સતત વધારાનું ભારણ નખાતું રહ્યું અને આજે આજીડેમનીહાલત ૪૦ ટકા જેટલો જ જળજથ્થો બાકી રહ્યો છે.

હજુ આખો ઉનાળો બાકી છે, મોટાભાગનું પાણી બાષ્પીભવન થઇ જવાનું છે, ન કરે નારાયણ અને ચોમાસું જો મોડું પડશે તો આજીડેમ સમય કરતા વહેલો ડૂકી જાય એવી હાલત થઇ ગઇ છે. નર્મદાનાં નીર પૂરતા આપવા સરકારમાં સંખ્યાબંધ વખત રજૂઆતો થઇ છે. સરકારના બહેરાકાને અત્યાર સુધી આ અવાજ ન સંભળાયો અને હવે જ્યારે મતદાન આડે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે લોકોને રાજી કરવા માટે નર્મદાનો પૂરતો જથ્થો અપાવા લાગ્યો.

જરૂરિયાત ૧૧પથી ૧૨૦ની અને આવ્યું ૧૨પ એમએલડી
રાજકોટને સામાન્ય સંજોગોમાં ૧૧પ થી ૧૨૦ એમએલડીની જરૂરિયાત રહે છે. તેના બદલે ૧૨પ એમએલડી અપાયું. ચૂંટણી સુધીમાં પાણી વિતરણ વ્યવસ્થામાં કોઇ ગરબડ ન થાય એવી સૂચના પણ સત્તાધારી પક્ષ તરફથી મનપાની વોટર વકર્સ શાખાના અધિકારીઓને આપવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે જોવાનું એ રહ્યું કે, મતદાન પૂરું થઇ ગયા બાદ ચોમાસા સુધી આટલી પર્યાપ્ત માત્રામાં નર્મદા નીર મળવાનું ચાલુ રહે છે કે નહીં.