PGVCLના ઓનલાઇન પેમેન્ટમાં ઉઘાડી લૂંટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડના અધિકારીઓના તઘલખી નિર્ણયથી ઉપભોક્તાઓ પરેશાન
- એક હજારથી વધુના બિલ પર ૧૨ રૂપિયાથી વધુનો વસૂલાતો ચાર્જ


પીજીવીસીએલના ઓનલાઇન પેમેન્ટમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની વિગતો સાંપડી છે. છેલ્લા બે વર્ષથી શરૂ થયેલી ગ્રાહકલક્ષી આ યોજનામાં વીજકંપની ગ્રાહકોને જ ૧૦ થી ૧૨ રૂપિયા સુધીનો ડામ આપી રહી છે. સુવિધા સારી છે પરંતુ ૧૦૦૦ થી વધુના વીજબિલ પર ૧૦ થી ૧૨ રૂપિયા સુધીનો વધારાનો ચાંદલો આપવો પડે છે.

આ અંગે પીજીવીસીએલના કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ ડી. એલ. લાખાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ યોજના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જીયુવીએનએલ)ના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. પીજીવીસીએલ (પશ્ચિમ ગુજરાત વીજકંપની લિમિટેડ) તો માત્ર તેનો અમલ જ કરી રહી છે.

વીજબિલ ઉપર લેવામાં આવતો વધારાનો ચાર્જ પાછો ખેંચી લેવા માટે જીયુવીએનએલ સાથે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તેનો કોઇ જવાબ મળ્યો નથી. ત્યારે જીયુવીએનએલ દ્વારા કરાયેલો આ તઘલખી નિર્ણય પાછો ખેંચી લેવો જોઇએ તેવી વીજગ્રાહકોની માગ છે. પોસ્ટઓફિસ, વીજબિલ સેન્ટર અને વીજકંપનીની ઓફિસ પર વીજબિલ ભરવામાં આવે તો જેટલા રૂપિયાનું બિલ હોય તેટલા રૂપિયા જ ભરવા પડે છે ત્યારે ઓનલાઇન પેમેન્ટમાં વધારાનો ચાર્જ શા માટે તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે.

- વધારાનો ચાર્જ છુપી રીતે વસૂલ કરાય છે

ઓનલાઇન પેમેન્ટમાં વીજગ્રાહક જેટલા રૂપિયાનું બિલ આવ્યું હોય તેટલા રૂપિયા જ જમા કરાવે છે. પરંતુ બિલ પેમેન્ટ થયા બાદ બેન્કમાંથી જે એસએમએસ આવે છે તેમાં જેટલું બિલ ભર્યું હોય તેના કરતા વધારાની રકમ ડેબિટ થયાનું જણાવાય છે. દાખલા તરીકે રાજકોટના એક ગ્રાહકને રૂ.૧૩૬૫ રૂપિયાનું વીજબિલ આવ્યું હતું, આ ગ્રાહકે પીજીવીસીએલની વેબસાઇટ પર પોતાનું ૧૩૬૫ રૂપિયાનું વીજબિલ ભર્યું તો બેન્કમાંથી આવેલા એસએમએસમાં ૧૩૭૭.૨૫ રૂપિયાના ડેબિટનો એસએમએસ આવ્યો હતો.

આમ રૂપિયા ૧૩૬૫ના વીજબિલ પર કંપની ૧૨.૨૫ રૂપિયાનો વધારાનો ચાર્જ વસૂલ કરે છે. વીજકંપની દ્વારા ચાર્જીસ અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવતી નથી, પરંતુ જ્યારે ગ્રાહકને બેન્કમાંથી એસએમએસ આવે છે ત્યારે જ ખબર પડે છે કે તેના ખાતામાંથી વધારાની રકમ ડેબિટ થઇ છે.

- કેવી રીતે કરી શકાય છે ઓનલાઇન પેમેન્ટ

કોઇપણ વીજગ્રાહક ઓનલાઇન પેમેન્ટ કરવા ઇચ્છતો હોય તો પીજીવીસીએલની વેબસાઇટ પર કન્યૂમરના ઓપ્શન પર ક્લિક કરવાથી ઓનલાઇન વીજબિલ ભરવા માટેનું ફોર્મ કમ્પ્યુટર પર પ્રદર્શિત થાય છે. તેમાં ગ્રાહકે મીટર નંબર અને ગ્રાહક નંબર અંકિત કરવાનો હોય છે. ગ્રાહકનું નામ અને સરનામું આપમેળે આવી જાય છે.

ત્યારબાદ જેટલા રૂપિયાનું બિલ ભરવાનું હોય તેટલા રૂપિયા દર્શાવવામાં આવેલા ખાનામાં લખીને મોબાઇલ અથવા કમ્પ્યુટર પરથી વીજબિલ ભરી શકાય છે. ઓનલાઇન પેમેન્ટની સુવિધા ઇચ્છતા ગ્રાહકે ઉપરોકત પ્રક્રિયા કરતા પહેલાં પીજીવીસીએલમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે ત્યારબાદ કોઇપણ ગ્રાહક આ સુવિધાનો લાભ લઇ શકે છે.

- નેટબેન્કિંગની સુવિધાવાળા ગ્રાહકો ચાર્જ વિના પેમેન્ટ કરી શકે છે

ઓનલાઇન પેમેન્ટમાં થતી ઉઘાડી લૂંટ સંદર્ભે પીજીવીસીએલના ફાઇનાન્સ એન્ડ ઓડિટ જનરલ મેનેજર મલકાનનો સંપર્ક કરવાની કોશિશ કરતા તેઓએ છેલ્લા ત્રણ દિવસથી કંપનીએ આપેલો મોબાઇલ ફોન રિસિવ કરવાની તસ્દી લીધી ન હતી.

ત્યારબાદ કન્ટ્રોલર ઓફ એકાઉન્ટ ઓફિસર ડી. એલ. લાખાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોઇપણ વીજગ્રાહક બેન્ક એકાઉન્ટ ધરાવતો હોય અને નેટ બેન્કિંગની સુવિધા હોય તો આવા ગ્રાહકો બેન્કની વેબસાઇટ પર જઇને ઇન્સ્ટા - પે કટફરઅડઅ ફેસેલિટી દ્વારા ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. જેમાં જેટલું બિલ હોય તેટલો જ ચાર્જ વસૂલવામાં આવે છે. વધારાનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી. આમ એક જ કંપનીમાં પેમેન્ટ સંદર્ભે વિસંગતતા જોવા મળે છે.

- કોન્ટ્રાક્ટરને ખટાવી દેવાનો કારસો

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા શરૂ કરાયેલી ઓનલાઇન પેમેન્ટની યોજનામાં કોન્ટ્રાક્ટરને ખટાવી દેવાનો કારસો હોવાનું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે. કોઇપણ કોર્પોરેટ કંપની ઓનલાઇન પેમેન્ટમાં ગ્રાહકો પાસેથી બિલ ઉપરાંત વધારાનો એકપણ પૈસાનો ચાર્જ વસૂલ કરતી નથી. ઇન્સ્ટા - પેમાં પણ વધારાનો ચાર્જ લેવામાં આવતો નથી ત્યારે જીયુવીએનએલ દ્વારા શરૂ કરાયેલી આ યોજનમાં શા માટે વધારાનો ચાર્જ લેવાય છે તે સમજી શકાય તેવી વાત છે. તમામ ઇન્ફ્રાસ્ટ્રકચર જે તે વીજકંપનીઓનું હોવા છતાં કોન્ટ્રાક્ટરને એક વીજબિલ પર ઓછામાં ઓછા ૧૦ રૂપિયાનો લાભ કરી દેવાઇ છે.