ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન રિપીટ થશે કે બદલાશે? સસ્પેન્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ડે. મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન રિપીટ થશે કે બદલાશે? સસ્પેન્સ
- રાજકોટ મનપામાં જૂન માસમાં સાધારણ સભા
- રાજભા ઝાલા અને ભીખાભાઇ વસોયા વચ્ચે મુદ્દતના મામલે મતભેદ, વિવાદ થવાના એંધાણ

રાજકોટ મહાનગરપાલિકામાં આગામી જૂન મહિનાની તા. ૧૫ થી ૨૦ દરમિયાનમાં સામાન્ય સભાની બેઠક યોજાનાર છે ત્યારે ડેપ્યુટી મેયર વિનુભાઇ ધવા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલાની પણ મુદ્દત પૂર્ણ થઇ રહી હોય આ બન્ને પદાધિકારીઓ રિપીટ થશે કે બદલાશે ! તે અંગેનું રાજકીય સસ્પેન્શ યથાવત્ રહ્યું છે. બન્ને પદાધિકારીઓ પોતાને એક વર્ષ પૂરું કરવા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ, ભાજપ પ્રમુખે અંતિમ નિર્ણય પ્રદેશ ભાજપ કરશે તેમ જણાવ્યું છે.

આવતા મહિને મહાપાલિકામાં મળનારી સામાન્ય સભાની બેઠકમાં પેન્ડિંગ રાખવામાં આવેલી ૧૫ દરખાસ્તો ઉપરાંત, ડેપ્યુટી મેયર વિનુભાઇ ધવા, રાજભા ઝાલા સહિત જુદી-જુદી ૧૫ પેટા સમિતિના ચેરમેનની મુદ્દત પણ પૂરી થવાની હોવાથી નવી નિમણુંક અંગેની દરખાસ્ત પણ એજન્ડામાં સામેલ કરાય તેવી શક્યતા છે. ૨૦૧૨ ડિસેમ્બર માસમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ મહાપાલિકામાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ રિપીટ કરવામાં આવ્યા હતા.

ત્યારબાદ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જૈમનભાઇ ઉપાધ્યાયની બાકી રહેતી મુદ્દત માટે તેમના સ્થાને ભાજપ દ્વારા રાજભા ઝાલાની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારબાદ, ગત ડિસેમ્બરમાં ડેપ્યુટી મેયર તરીકે વિનુભાઇ ધવા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજભા ઝાલાની રેગ્યુલર નિમણુંક કરવામાં આવી હતી. આથી, બન્ને પદાધિકારીઓની છ માસની મુદ્દત બાકી છે ત્યાં જનરલ બોર્ડની બેઠકમાં તેમને બદલી નાખવાની હિલચાલ શરૂ કરાતા ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મુદ્દતના મામલે મડાગાંઠ સર્જાતા સ્ટેન્ડિંગના ચેરમેન રાજભા ઝાલા દ્વારા અન્ય મહાનગરપાલિકાના ઠરાવો મગાવી લેવામાં આવ્યા છે અને રાજકોટ માટે અલગ એક્ટ ન હોય તેમ જણાવી પોતાની છ માસની મુદ્દત બાકી છે તેવો સ્પષ્ટ દાવો કર્યો છે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયાએ બન્ને પદાધિકારીઓની એક વર્ષની મુદ્દત પૂરી થઇ ગયાનું જણાવાતા આ મુદ્દે વિવાદ થવાના એંધાણ મળી રહ્યા છે.

આમને - સામને
બીપીએમસી એક્ટ મુજબ એક વર્ષની જોગવાઇ છે : રાજભા ઝાલા
ગત ડિસેમ્બરમાં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે નિમણુંક કરાઈ હતી. બીપીએમસી એક્ટ મુજબ નિમણુંક એક વર્ષ માટે કરવાની જોગવાઇ છે. જ્યારે, અમારી છ માસની મુદ્દત બાકી છે. છતાં, પક્ષ આદેશ કરશે તો રાજીનામું આપી દઇશ.

એક વર્ષ પૂરું થઇ ગયું છે, હવે પાલૉમેન્ટરી બોર્ડ નિર્ણય કરશે : વસોયા

મનપાના બન્ને પદાધિકારીઓની એક વર્ષની મુદ્દત પૂરી થઇ ગઇ છે. હવે, બન્ને પદાધિકારીઓ રિપીટ કરવા કે બદલાવવા? તેનો નિર્ણય પ્રદેશ ભાજપ પાલૉમેન્ટરી બોર્ડ કરશે. પ્રદેશનો આદેશ બધા માટે શિરોમાન્ય રહેશે.