• Gujarati News
  • Mayor Says, The Construction Should Not Crash, Day. Mayor Says Do Break!

મેયર કહે છે, આ બાંધકામ ન તૂટવું જોઇએ, ડે.મેયર કહે છે તોડી પાડો!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કોઠારિયા રોડ પર મનપાના અનામત પ્લોટમાં થયેલા દબાણ મામલે બન્ને પદાધિકારીઓ વચ્ચે ગજગ્રાહ

રાજકોટમાં ચાલતા ગેરકાયદે બાંધકામ મુખ્યત્વે ડિમોલશિન રોકાવવામાં જ ‘રાજકીય દબાણ’ હોય છે. ત્યારે મનપાની નવી ટીમમાં મેયર અને ડેપ્યુટી મેયર વચ્ચે દબાણ મામલે શિતયુધ્ધ શરૂ થયું છે. કોઠારિયા રોડ પર મનપાના સાર્વજનિક પ્લોટમાં થયેલા દબાણ ન તોડવા મેયરે લેખિત ભલામણ કરી છે તો સામે ડેપ્યુટી મેયર વિનુ ધવાએ આ દબાણનો સફાયો કરવાનું કહી અધિકારીનો ઉધડો લીધો હતો.

શહેરમાં થતા દરેક ગેરકાયદે બાંધકામને મોટા માથાનું રક્ષણ- કવચ હોય છે તે તથ્ય જગજાહેર છે. વળી મહાપાલિકામાં સત્તા પર આવનારને ખુરશી પર બેસતાની સાથે જ ‘પાવર’ આવી જાય છે. પછી આ પાવરનો કઇ રીતે ઉપયોગ કરવો એ પોતાની ઉપર હોય છે. આવી જ સ્થિતિ હાલ જોવા મળી રહી છે.

નવનિયુકત મેયર રક્ષાબેન બોળિયાએ શહેરની ન્યૂ ગોપવંદના સોસાયટીમાં ટીપી સ્કીમ નં. ૧૦માં મનપાના સાર્વજનિક પ્લોટમાં થયેલા દબાણના પ્રકરણમાં ડિમોલિશન ન કરવા નવનિયુકત મેયર રક્ષાબેન બોિળયાએ સંબંધિત અધિકારીને ભલામણ કરેલી છે. દબાણ પૈકી એક મકાન ભરવાડ પરિવારનું છે અને ભરવાડ સમાજના મેયરે સમાજને સાચવી લેવા આ ભલામણ કરી હોવાનું માની શકાય.

હવે આ જ પ્રકરણમાં ડેપ્યુટી મેયર વિનુ ધવાએ વિરુધ્ધ પણ સૈધ્ધાંતિક રીતે સાચી કહી શકાય એવી સૂચના આપી છે. ગોપવંદના સોસાયટી વિનુ ધવા પોતે જે વોર્ડમાં કોર્પોરેટર છે તે વિસ્તારમાં આવે છે. મનપાના સાવર્જનિક પ્લોટમાં દબાણ ન જ થવું જોઇએ એવો મત વ્યક્ત કરીને ટીપી પ્લોટમાં થયેલું દબાણ કેમ તોડતા નથી? એવો સવાલ કરી ટીપી શાખાના અધિકારીનો ઉધડો લીધો હતો.

એક જ પ્રકરણમાં બે પદાધિકારીઓના અલગ અલગ દબાણ હેઠળ ટીપી શાખાનો સ્ટાફ પણ મૂંઝવણમાં મુકાઇ ગયો છે. એકની ભલામણ સાચવવા જતા બીજાની આંખે થઇ જવાની સ્થિતિ વચ્ચે હાલ આ આખું પ્રકરણ કમિશનર ભાદુ તરફ રવાના કરી દેવાયું છે.