પત્નીના ફોનમાંથી ધમકી આવતાં યુવાનનું અગ્નિ‌સ્નાન: ગંભીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફોન રિસિવ કરનાર શખ્સે પોતાની ઓળખ લીંબડીના ગરાસિયા શખ્સ તરીકેની આપી

ઘર છોડીને જતી રહેલી પત્નીને મનાવવા માટે ફોન કરતા ફોન રિસિવ કરનાર શખ્સે ધમકી દીધી હતી. ધમકીથી ગભરાઇ ગયેલા કડિયા યુવાને અગ્નિ‌સ્નાન કરી લેતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. આજી વસાહત પાસેના ખોડિયારનગરમાં રહેતા કડિયા યુવાન નિલેષ જયંતીભાઇ કાચા (ઉ.વ.૩૮)એ રવિવારે રાત્રીના પોતાના ઘરે કેરોસીન છાંટી કાંડી ચાંપી દીધી હતી. ઘરમાં આગ લાગતા જ દોડી ગયેલા નિલેષના નાનાભાઇ અજય ઉર્ફે લાલાએ આગ બૂઝાવી દાઝી ગયેલા નિલેષને હોસ્પિટલમાં ખસેડયો હતો. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને બે બહેનમાં મોટો નિલેષ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. પંદર વર્ષ પૂર્વે કડિયા યુવાને પૂજા સથવારા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પંદર વર્ષના લગ્નના વાણા વીતી જવા છતાં સંતાન પ્રાપ્તી થઇ ન હતી. નિલેષ, પૂજા અને તેનો ભાઇ અજય ત્રણેય સાથે રહેતા હતા. દિયર માટે રસોઇ કરવાનું પસંદ નહીં હોવાનું બહાનુ બતાવી સાત મહિ‌નાથી પૂજા ઘર છોડીને જતી રહી હતી. જોકે મોબાઇલમાં પતિ સાથે વાતચીત થતી હતી.

પત્નીને મનાવવા માટે અને ઘરે આવી જવાનું કહેવા નિલેષે રવિવારે રાત્રીના ફોન કરતા પૂજાનો મોબાઇલ કોઇ શખ્સે રિસિવ કર્યો હતો અને પોતાની ઓળખ લીંબડીના ગરાસિયા શખ્સ તરીકેની આપી હવે ફોન કરીશ તો જોવા જેવી થશે તેમ કહી ધમકી દેતા કડિયા યુવાન ડઘાઇ ગયો હતો અને તેણે પગલું ભરી લીધું હતું. બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.