રાજકોટ: વ્યાજમાં ફસાયેલા વેપારીનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાલાજી હનુમાન મંદિર પ્રાંગણમાં વખ ઘોળી લીધું

રાજકોટ: શહેરમાં વ્યાજખોરો બેફામ બન્યા છે ત્યારે વધુ એક કિસ્સામાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાત કરી લીધો હતો. ઢેબર રોડ પરની ધર્મજીવન સોસાયટીમાં રહેતા દીપકભાઈ શિવલાલભાઈ તન્નાએ સોમવારે સાંજે બાલાજી હનુમાન મંદિરના પ્રાંગણમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે ઝેરી દવા પી લીધી હતી. વિષપાન કર્યા બાદ દીપકભાઈએ તેના પુત્ર નિલને ફોનથી જાણ કરતા તે સ્થળ દોડી ગયો હતો અને દીપકભાઈને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જો કે ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું હતું.

બનાવની જાણ થતાં પોલીસ દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, દીપકભાઈ તન્ના ઢેબર રોડ પર ઓફિસ ધરાવે છે અને સ્ક્રેપનો ધંધો કરતા હતા. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ દીપકભાઈ છેલ્લા ત્રણ વર્ષથી વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા. વેપારીએ અનેક લોકો પાસેથી વ્યાજે નાણાં લીધા હતા. જેમાં ધ્રોલના એક રાજકીય આગેવાનનો પણ સમાવેશ થાય છે. ધ્રોલના આ શખ્સે તાજેતરમાં જ દીપકભાઈને બોલાવીને ધોલધપાટ પણ કરી હતી. અંતે વ્યાજખોરથી કંટાળી તેમણે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસ દ્વારા આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અનેક મોટામાથાના નામ બહાર આવી શકે.