ધોરાજીના કાળભૈરવ મંદિરમાં ખુલ્લા ધારિયા સાથે તોડફોડ અને લૂંટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક


અજાણ્યા શખ્સે બે કલાક સુધી ખુલ્લા હથિયાર સાથે અરાજકતા ફેલાવી
- મહંતના હાથમાંથી રૂપિયા ૮પ૦ની લૂંટ ચલાવી હુમલાખોરો નાસી છૂટયા


ધોરાજીના ભૂખી ગામના રોડ પર આવેલા પૌરાણિક કાળભૈરવ મંદિરમાં કોઇ અજાણ્યા શખ્સે ખુલ્લા ધારિયા સાથે ત્રાટકી બે કલાક સુધી અરાજકતા ફેલાવી ભયનું વાતાવરણ સજ્ર્યું હતું અને મહંત પાસેથી રૂપિયા ૮પ૦ની લૂંટ ચલાવીને નાસી ગયો હતો. શખ્સે ધારિયાથી મંદિરમાં પણ ઘણી તોડફોડ કરી હતી. આ અંગેની ફરિયાદ મંદિરના મહંતે પોલીસમાં નોંધાવતા આતંક મચાવનારા શખ્સની શોધખોળ આદરવામાં આવી છે.

ધોરાજીથી ભૂખી તરફ જતા રસ્તા પર આવેલા કાળભૈરવ દાદાના મંદિરે શુક્રવારે સાંજે ૪ થી ૬ દરમિયાન એક શખ્સે ખુલ્લા ધારિયા સાથે ધસી આવીને આતંક મચાવ્યો હતો અને મંદિરના મહંત ભગવાનગીરી બાલકગીરી સરભંગીને રોકી ધારિયાની અણીએ તેમની પાસેથી રૂપિયા ૮પ૦ની લૂંટ ચલાવી હતી. મહંતે ત્યારે જીવ બચાવવા માટે નાણાં આપી દઇ મુઠ્ઠીઓ વાળી હતી અને બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મહંતે ફરિયાદમાં જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સે મંદિરને પણ નુકસાન પહોંચાડયું છે અને શંકર ભગવાનની મૂર્તિ‌ ખંડિત કરી નાખી હતી. કાચબો અને પોઠિયાને પણ છોડયા નથી. મહંતની ફરિયાદના આધારે પીઆઇ પીવી ગોહિ‌લની સૂચનાથી આરએચ ઝાલા, નિરૂભા વાળા વગેરે દોડી ગયા હતા અને આરોપીની શોધખોળ આરંભી છે.

મહંતે એમ પણ ઉમેર્યું હતું કે આ યુવાન છેલ્લા બે દિવસથી ખુલ્લા ધારિયા સાથે અહીં નીકળતો અને હું તેને ઓળખતો નથી પરંતુ તે રાવલપા વિસ્તારનો નિલેશ રાવલ ઉર્ફે કાલી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે પણ આ યુવાનની શોધખોળ શરૂ કરી દીધી છે.ઉપરોક્ત ઘટનાના પગલે ધોરાજી વિશ્વ હિ‌ન્દુ પરિષના કાર્યકરો અને હોદેદારો દોડી આવ્યા હતા અને તેમણે આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢયો હતો.