જેતપુરમાં બિહારી કિશોરને છરીના ઘા ઝીંકીને લૂંટ કરાઇ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઘવાયેલ કિશોરને ગંભીર હાલતમાં હોસ્પિ.માં ખસેડાયો
- પગારના પૈસા આવતા કપડાં સિવડાવવા જઇ રહ્યો હતો ત્યારે સાઇકલ પર આવેલા ત્રણ શખ્સોએ છાતીમાં છરીના ઘા ઝીંકી દીધા : ખૂની હુમલો કરીને મોબાઇલ,રોકડ લૂંટી જનાર ત્રિપુટીની શોધખોળ


જેતપુરમાં ગતરાતે ૧૬ વર્ષીય બિહારી કિશોરને ત્રણ શખ્સ છરીના ઝીંકીને મોબાઇલ અને રોકડ રકમ લૂંટીને નાસી ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા કિશોરને વધુ સારવાર માટે અહીંની હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાપ્ત વિગત મુજબ મૂળ બિહારનો વતની અને પેટીયું રળવા સૌરાષ્ટ્ર આવેલો અજય સિંહાસન મંડલ (ઉ.વ.૧૬) જેતપુરમાં દીપા ફાઉન્ડ્રી નામના સાડીના કારખાનામાં કામ કરે છે. અને કારખાનાની નજીક આવેલા ક્વાર્ટરમાં રહે છે.

ગઇ કાલે કારખાનામાંથી પગાર ચૂકવવામાં આવતા અડધા પૈસા ઘરે મૂક્યા હતા. નવા કપડાં સિવડાવવાના હોવાથી ૧પ૦૦ રૂપિયા લઇને તે પગપાળા વડલી ચોક નજીક ચંદ્ર મૌલેશ્વર મંદિર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે સાઇકલ ઉપર આવેલા ત્રણ શખ્સે તેને અટકાવ્યો હતો અને જે કાંઇ હોય તે ચૂપચાપ આપી દેવા ધમકી આવી હતી.

અજયે કંઇ ન હોવાનું જણાવતા આરોપીઓ હુમલો કરીને માર માર્યો હતો. બાદમાં પેટમાં છરીના ઘા ઝીંકીને ખિસ્સામાંથી મોબાઇલ તેમજ રૂ.૧,પ૦૦ રોકડાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા કિશોરે મદદ માટે બૂમાબૂમ કરતા દોડી આવેલા આસપાસના લોકોએ તેને હોસ્પિટલમાં ખસેડ્યો હોત. પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે તેને અહીંની હોસ્પિટલમાં ખસેડાયો છે. ત્રણ ભાઇ, એક બહેનમાં નાનો અજય બિહારથી પેટીયું રળવા દોઢ વર્ષ પહેલાં એકલો જેતપુર આવ્યો છે.