સોનીનો થેલો લૂંટી ભાગતા એકને વેપારીએ પકડયો, બીજો નાસી છૂટયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગાયત્રીનગર મેઈન રોડ પર રાત્રે નવ વાગ્યે લુટારા ઝળક્યા
- ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર લૂંટના પ્રયાસથી વેપારીઓમાં રોષ

રાજકોટ: શહેરના ગાયત્રીનગરમાં સોમવારે રાત્રિના નવ વાગ્યાના સુમારે સોની વેપારી પોતાની દુકાન બંધ કરતા હતા ત્યારે બાઈક પર ધસી આવેલા બે લૂંટારુઓએ સોની પ્રૌઢના હાથમાં રહેલા થેલાની લૂંટ ચલાવી હતી. આ તકે વેપારીએ તરાપ મારીને થેલાની લૂંટ કરી ભાગના શખ્સને દબોચી લીધો હતો. જ્યારે બીજો લુંટારો બાઈક લઈને ભાગી છૂટયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના ૨/૭ વાણીયાવાડી વિસ્તારમાં રહેતા અને ગાયત્રીનગર મેઈન રોડ લક્કી જ્વેલર્સ નામનો સોના-ચાંદીના દાગીનાનો શો-રૂમ ધરાવતા લલીતભાઈ મનહરભાઈ ગોહિ‌લ નામના પ૭ વર્ષના સોની વેપારી સોમવારે રાત્રિના ૯ વાગ્યાના સુમારે પોતાની દુકાન બંધ કરતા હતા ત્યારે જીજે-૩-૧૧આરઆર ૩૯૯પ નંબરના ડિસ્કવર બાઈક પર ધસી આવેલા બે શખ્સોએ વેપારીના હાથમાં રહેલા થેલાની લૂંટ ચલાવી હતી.

થેલાની લૂંટ કરીને ભાગતના શખ્સને લલીતભાઈએ દબોચી લીધો હતો અને બૂમાબૂમ કરી મૂકી હતી. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર લૂંટના પ્રયાસની ઘટનાને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જેના કારણે પરિસ્થિતિ પામી બાઈક સવાર શખ્સ પોબારા ભણી ગયા હતા.
લૂંટના પ્રયાસના બનાવની જાણ થતાં દોડી આવેલી પોલીસે સોની વેપારીએ ઝડપી લીધેલા લૂંટારાની પુછપરછ આદરી હતી. ઝડપાયેલો શખ્સ કિરણ સોસાયટીમાં રહેતો સંજય રમણીકભાઈ જાદવ હોવાનું સ્પષ્ટ થયું હતું. જ્યારે ભાગી છૂટેલા તેના સાગરિતની ભાળ મેળવવા માટે પોલીસે સંજયની સરભરા કરી હતી.

શહેરમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટના પ્રયાસના બનાવથી વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. જ્યારે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ લૂંટારા અને હુમલા ખોરો અવાર નવાર વેપારીઓને નિશાન બનાવી રહ્યા છે. આ મુદ્ે પણ વેપારીઓએ પોલીસ કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરાઈ હતી.