ખંભાલિડા બૌધ્ધ ગુફાઓ માટે ગાઇડ તરીકે સ્થાનિક યુવાનોને તાલીમ અપાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઓસમ ડુંગરે ટૂંક સમયમાં ગ્રામહટ તૈયાર કરવાનું આયોજન

રાજકોટ જિલ્લામાં મહત્ત્વના પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહેલા ખંભાલીડા બૌધ્ધ ગુફા અને ઓસમ ડુંગર માટે ગાઇડ તરીકે સ્થાનિક યુવકોને તાલીમ અપાશે તેવો નિર્ણય જિલ્લા પ્રવસન સમિતિની બેઠકમાં લેવાયો હતો. રાજકોટ જિલ્લામાં સરકાર દ્વારા ખંભાલીડાની પૌરાણિક બૌધ્ધ ગુફાઓ અને ઓસમ ડુંગરના કાયાકલ્પ માટે વિવિધ યોજના હાથ ધરી રહી છે. તાજેતરમાં મળી ગયેલી જિલ્લા પ્રવસનની બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા. એડિશનલ કલેક્ટર એબી ગોરના જણાવ્યા મુજબ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને સ્થળનો ઇતિહાસ સમજવામાં સરળતા રહે તે માટે જરૂરી ગાઇડ્ઝ સ્થાનિક સ્તરેથી જ તૈયાર કરવામાં આવશે. સ્થાનિક યુવકોને જ જરૂરી તાલીમ આપવામાં આવશે. જેથી તેમને પણ રોજગારી મળી રહે.

વધુમાં ઓસમ ડુંગરે ગ્રામહટ શરૂ કરવામાં આવશે જેથી સ્થાનિક સંસ્કૃતિના સંભારણાં પ્રવાસીઓ પોતાની સાથે લઇ જઇ શકે અને ગામઠી કારીગરોને પણ રોજગારી મળી રહે. આ માટે બે મહિ‌નામાં જ કામગીરી પૂર્ણ કરવાનો નિર્દેશ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે ખંભાલીડા ગુફાના વિકાસ માટે અગાઉ છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર થઇ હતી. જે પૈકી ત્રણ કરોડનો ખર્ચ થઇ ગયો છે. જ્યારે ઓસમ ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પાંચ કરોડની મંજૂર થયેલી ગ્રાન્ટમાંથી માત્ર એક કરોડનો ખર્ચ થયો છે. દરમિયાન આ સ્થળોએ પ્રવાસીઓને આકર્ષવા વિવિધ સુવિધાઓ ઊભી કરવાનો પણ નિર્ણય લેવાયો છે.