સૌરાષ્ટ્રના રવી વાવેતરમાં આ વર્ષે ધરખમ કાપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાવેતરને અસર : ઘઉંમાં ૬૬ ટકા, જીરામાં ૨૬ ટકા અને ચણામાં ૪૯ ટકાનો ઘટાડો, વર્ષ નબળું જવાનો અંદાજ હતો જ

સૌરાષ્ટ્ર-કચ્છ પર ચાલુ વર્ષે નબળું ચોમાસુ જતાં દુષ્કાળના ઓળા ઉતર્યા છે. જ્યાં પીવાના પાણીની બૂકરાણ ઊઠી છે. ત્યાં શિયાળુ વાવેતરની શું વાત કરવી? પીવાના પાણીની સાથે પશુચારાની મંગીથી પશુધન નોધારું બની રહ્યું છે. તેમ છતાં સાહસિક ખેડૂતોએ હાથવગા પાણી પ્રમાણે વાવેતર કર્યા છે.

પાણી ખૂટી જવાના ભય હેઠળ બહુ વહેલા વાવતેર થયેલ ઘઉં, જીરા અને ચણા જેવા રવી પાકોની બજારમાં ધીમી ગતિએ આવકો પણ દેખાવા લાગી છે. લીલા-સૂકા ઘાસચારાની અછતને કારણે ભાવ ઉછાળો લાગુ થયો છે. નાના ખેડૂતો અને પશુપાલકો ઘાસચારાના અભાવે પોતાનું પશુધન ખીલીથી છોડવા મજબૂર બન્યા છે.

સયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) રાજકોટ અને જૂનાગઢ કચેરીના જણાવ્યા પ્રમાણે એક માત્ર સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ નર્મદાનું પાણી મળતા રવી વાવેતરનો વિસ્તાર વધાર્યો છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઘઉં, જીરૂ, ચણા અને લસણના વાવેતરને મોટો ફટકો પડ્યો છે. વિતેલા વર્ષમાં આખરી તબક્કાનું રવી વાવેતર ૧૨.૧૧ લાખ હેકટરમા હતું. ચાલુ વર્ષે પાણીની અછતને કારણે ગત વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્ર-કચ્છમાં ૪૬ ટકા જેવો મસમોટો કાપ આવીને માત્ર ૬.૫૬ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થઇ શક્યું છે.

- સુરેન્દ્રનગર જિલ્લાના રવી વાવેતરમાં ઉછાળો

ઉત્તર ગુજરાતની જેમ નર્મદા નહેરના પાણી સુરેન્દ્રનગર જિલ્લાને ફળ્યા છે. ગત વર્ષે ૧.૫૩ લાખ હેકટરમાં રવી વાવેતર થયું હતું. તે ચાલુ વર્ષે ૪૧ ટકા ઉછાળા સાથે વાવેતર વિસ્તાર ૨.૧૬ લાખ હેકટરે પહોંચ્યો છે. ખેતીવાડી અધિકારી વાય.એમ.બારડ કહે છે કે સુરેન્દ્રનગરના ૧૦માંથી ૭ તાલુકાને નર્મદાના પાણી મળતા ખેડૂતોએ જીરાના વાવેતરમાં બમણો વધારો કરી ૧.૨૩ હેકટરે પહોંચાડ્યું છે. એજ રીતે ચણા, ડુંગળી અને ઘઉંના વાવેતરમાં વધારો નોંધાયો છે.

- જીરાના વાવેતરમાં ૨૬ ટકાનો ઘટાડો

જીરાના વાવેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ પોતાનું સ્થાન જાળવી રાખવા સાથે ચાલુ વર્ષે બમણો વધારો કર્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વર્ષે ૨.૨૯ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર હતું. જે ચાલુ વર્ષે ૨૬ ટકાના ઘટાડા સાથે ૧.૬૯ લાખ હેકટરમાં થયું છે. ઓછા પાણીએ થતો અને ઊંચુ વળતર આપતો પાક હોવાથી ખેડૂતોએ વાવેતરમાં જીરાને પ્રથમ પસંદગી આપી છે.

- ચણાનું વાવેતર અડધે પહોંચ્યું

ચણા દરેક જિલ્લામાં વત્તા-ઓછા પ્રમાણમાં વવાય છે. ચણાના વાવેતરમાં કાયમી દાહોદ જિલ્લો પ્રથમ ક્રમે હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છની વાત કરીએ તો ગત વર્ષે ૮૯ હજાર હેકટરમાં વાવેતર સામે ચાલુ વર્ષે ૪૯ ટકા ઘટાડા સાથે ૪૫.૫ હજાર હેકટર વિસ્તારમાં ચણા થયા છે. જીરાના વાવેતરનું જોખમ ન ખેડવા ઇચ્છતા ખેડૂતો ચણાના વાવેતર તરફ વળ્યા છે.

- ઘઉંના વાવેતરને મોટો ફટકો

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગત વર્ષની સરખામણીએ ઓંણ સાલ ઘઉંનું વાવેતર માત્ર ત્રીજા ભાગનું થયું છે. ગત વર્ષે ૪.૧૪ લાખ હેકટર વિસ્તાર સામે ચાલુ વર્ષે ૧.૩૧ લાખ હેકટરે વાવેતર પહોંચ્યું છે. ઘઉં વાવેતરમાં જૂનાગઢ જિલ્લો કાયમ અગ્રસ્થાને હોય છે. નર્મદા કેનાલના પાણી મળતા સાબરકાંઠાએ પ્રથમ ક્રમે રહી જૂનાગઢનું સ્થાન લીધું છે. સારા વર્ષો દરમિયાન જુનાગઢ જિલ્લામાં ઘઉંનું વાવેતર ૧.૫ લાખ હેકટર વિસ્તાર આસપાસ થતું હોય છે. જે ચાલુ વર્ષે ઘટીને ૩૩.૬ હજાર હેકટર વિસ્તારમાં થયું છે.

- સૌરાષ્ટ્ર- કચ્છના રવી વાવેતરનો તફાવત

જિલ્લો ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩
રાજકોટ ૧૯૪૩૧૯ ૨૮૯૯૪
જામનગર ૧૫૬૦૭૫ ૪૨૪૮૯
સુરેન્દ્રનગર ૧૫૩૩૪૦ ૨૧૬૧૯૧
કચ્છ ૧૩૨૧૧૦ ૧૦૮૦૮૫
જૂનાગઢ ૩૩૫૯૦૦ ૮૮૫૩૮
પોરબંદર ૧૦૧૮૫૫ ૨૭૦૦૦
અમરેલી ૭૩૪૧૮ ૧૯૬૮૪
ભાવનગર ૬૪૧૪૧ ૨૫૪૮૩
કુલ ૧૨૧૧૧૫૮ ૬૫૬૩૯૨
(સંયુક્ત ખેતી નિયામક કચેરી રાજકોટ અને જૂનાગઢ તરફથી મળેલ આંકડા, વિસ્તાર હેકટરમાં)