કપાસના ઉત્પાદન અને ભાવમાં માર ખાતા ખેડૂતો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલુ સિઝનમાં કપાસના મુખ્ય વિસ્તાર ગણાતા ગુજરાતમાં ઉત્પાદન ઓછું છે. ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં મોટો કાપ આવ્યો છે અને કપાસની પડતર કિંમત ઊંચી ગઇ છે. તેની સામે સિઝનમાં જોવાઇ રહેલા નીચા રહેલા ભાવને કારણે કેટલાક ખેડૂતોએ અત્યાર સુધી કપાસ સાચવી રાખ્યો છે. ફેબ્રુઆરીની શરૂઆત સુધીમાં પણ ભાવ ન ઊંચકાતા ખેડૂતો અકળાયા છે. બીજી તરફ જીનિંગ મિલોનું ઉત્પાદન પણ મર્યાદિત રહ્યું છે.

ગત વર્ષે દેશમાં કપાસનું બમ્પર ઉત્પાદન હતું. સૌરાષ્ટ્રમાં સિઝનની શરૂઆતે કપાસના રૂ.૮૫૦ના ભાવ ખૂલ્યા હતા જે વધીને રૂ.૯૫૦-૧૦૦૦ સુધી પહોંચી ગયા હતા. આ ભાવે ખેડૂતોએ કપાસ વેચી નાખ્યો હતો. આ વર્ષે સિઝનની શરૂઆતે રૂ.૮૪૦ના ભાવ ખૂલ્યા બાદ ઊંચામાં રૂ.૮૯૦ સુધી જઇ ફરી રૂ.૮૫૦ના મથાળે સ્થિર થઇ ગયા હોવાથી ખેડૂતો મુસીબતમાં મૂકાઇ ગયા છે. ઓછા પાણીને કારણે ઉત્પાદન ઓછું મળ્યું છે.

ભાવ પણ નીચા રહેતા કપાસના પાકમાં ખાસ વળતર મળતું નથી જેથી ખેડૂતો માલ વેચતા નથી. માલ સાચવ્યા બાદ પણ ભાવમાં કોઇ ઉછાળો ન આવતા ખેડૂતો અકળાઇ ગયા છે. સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતોએ વેચવાલી કરતાં આવક વધી ગઇ છે પણ ડિમાન્ડના અભાવે ભાવ મળતા નથી.

- જીનિંગ ઉદ્યોગમાં માત્ર ૬૫ ટકા જ ઉત્પાદન

સ્થાનિક માલની મળતર ઓછી તેમજ ડિમાન્ડ પણ મર્યાદિત હોવાથી સૌરાષ્ટ્રની જીનિંગ મિલોમાં કામકાજ બહુ ઓછા રહે છે. સિઝનની શરૂઆતથી મિલોમાં ઉત્પાદન મર્યાદિત છે. સૌરાષ્ટ્ર જિનર્સ એસો.ના સેક્રેટરી આનંદભાઇ પોપટના કહેવા પ્રમાણે ડિસેમ્બર સુધીમાં જીનિંગ મિલોમાં ૬૫ ટકા જેવું ઉત્પાદન છે. હાજરમાં ડિમાન્ડ ઓછી છે. ગત વર્ષની સરખામણીએ એક્સપોર્ટની માગ ૬૦ ટકા ઓછી છે. સામાન્ય રીતે ચીનનો કવોટા ડિસેમ્બરમાં જાહેર થતા હોય છે પણ આ વર્ષે હજી સુધી જાહેર થયો નથી. ત્યાંથી સરકાર રિઝર્વ સ્ટોક વેચી રહી છે.

- સૌરાષ્ટ્રના ખેડૂતોના ઘરમાં અડધોઅડધ કપાસ

કપાસના વેપારીના કહેવા પ્રમાણે ચાલુ સિઝનમાં કપાસના ભાવ રૂ.૯૦૦ સુધી પણ પહોંચ્યા ન હોવાથી અને હાલમાં રૂ.૮૫૦ નજીક ચાલી રહ્યા હોવાથી ખેડૂતોએ હજી સુધી માલ વેચ્યો નથી. હજી સુધી સૌરાષ્ટ્રના ઉત્પાદન પૈકી અડધોઅડધ માલ ખેડૂતોના ઘરમાં છે. ખેડૂતો ભાવ વધવાની રાહ જોઇ રહ્યા છે. લાંબા સમયથી ભાવ રૂ.૮૫૦ નજીક જળવાઇ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાઇ ગયા છે.

- શું કહે છે ખેડૂતો ?

ફલા ગામના ખેડૂત સુભાષભાઇ ભીખુભાઇ જણાવે છે કે વરસાદને કારણે ઉત્પાદનમાં મોટો કાપ આવ્યો છે. વધુમાં ઉતારા ઓછા મળ્યા હોવાથી કપાસની પડતર કિંમત ઊંચી છે.આ વર્ષે મગફળીના ભાવ સારા મળ્યા હોવાથી અત્યાર સુધીના વહીવટ સાચવી લીધા છે. ખેડૂતોને રૂ.૧૦૦૦ના મથાળે કપાસ વેંચવો છે પણ રૂ.૯૦૦ની પણ નીચા મથાળે માલ વેચવો કે રાખી મૂકવો તે અંગે અવઢવમાં છે.

- છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ઉત્પાદન અને ઉત્પાદકતા

વર્ષ એરિયા ઉત્પાદન ઉત્પાદકતા
(લાખ હેકટર) (લાખ ગાંસડી) (કિગ્રા પ્રતિહેકટર)
વર્ષ ૨૦૧૨-૧૩ ૨૩.૬૩ ૮૫.૦૦ ૬૧૨
વર્ષ ૨૦૧૧-૧૨ ૨૯.૬૨ ૧૨૦.૦૦ ૬૮૯