રાજકોટ: મનપામાં મંત્રીનો લોકદરબાર નાટક સમાન બની રહ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મંત્રી વસુબેન ત્રિવેદીના લોકદરબારમાં કોંગ્રેસીઓ રજૂઆત માટે ધસી આવ્યા હતા)
સામાન્ય કામ સરકારમાં લઇ જવાયા, નેતાગીરીની નિષ્ફળતા છતી થઇ
રાજકોટ: પ્રજાકીય પ્રશ્નોનો સ્થાનિક કક્ષાએ જ નીવેડો આવી જાય એવા આશયથી રાજ્ય સરકારે મંત્રીઓને જે તે મહાનગરપાલિકામાં મોકલી લોકદરબાર યોજવાનો અભિગમ હાથ ધર્યો છે. એ સંદર્ભે રાજકોટ મનપામાં શનિવારે મંત્રી વસુબેન ત્રિવેદીએ યોજેલા લોકદરબારનું ફારસ નીકળ્યું હતું. ફૂટપાથ, ચબૂતરા અને ગટર જેવા સામાન્ય પ્રશ્નો પણ સરકાર કક્ષાએ રજૂ થયા હતા. બીજીબાજુ ત્રણ વર્ષથી ઠપ થઇને પડેલા રેલનગર બ્રિજના કામ પાછળ જયા તેના જ પક્ષની સરકાર છે એવી રાજકોટ મનપા અને રેલતંત્રની વડીકચેરી વચ્ચે યોગ્ય સંકલનના અભાવે કામ ખોરંભે ચડતું હોવાનો આડકતરો સ્વીકાર કરવો પડ્યો હતો.
લોકદરબારમાં સામાન્ય નાગરિકોએ પણ ધારણા મુજબનો રસ લીધો ન હતો. મોટાભાગના રાજકીય લોકોએ જ હાજરી આપીને સંખ્યા દેખાડી હતી. બીજીબાજુ પ્રશ્નો પણ માત્ર 22 જ રજૂ થયા હતા. ગંદકી, ઢોર, પાણીના ધાંધિયા, ટીપી કપાત સહિતના મોટાભાગના પ્રશ્નો એવા હતા કે જ્યાં સ્થાનિક રાજકીય નેતાગીરીની નિષ્ફળતા છતી થઇ હતી. મંત્રી વસુબેન મોટાભાગના પ્રશ્નોમાં ખાતરી આપીને રવાના થઇ ગયા હતા.
રેલનગર બ્રિજના ઠપ થયેલા કામ બાબતે મંત્રી વસુબેન ભીંસમાં મુકાઇ ગયા!
શહેરના રેલનગર અન્ડરબ્રિજનું કામ ગંદાં રાજકારણના લીધે ત્રણ વર્ષથી ઠપ થઇને પડ્યું છે. વિપક્ષી નેતા ગાયત્રીબા વાઘેલા, પૂર્વ નેતા અતુલ રાજાણી, અશોકસિંહ વાઘેલા સહિતના કોંગી આગેવાનોએ આ મામલે મંત્રી વસુબેન ત્રિવેદીને ભીંસમાં મુક્યા હતા. મોહનભાઇ કુંડારિયા સાંસદ તરીકે ચૂંટાયા પછી તેમની પ્રથમ દિલ્હી મુલાકાતથી આવીને 48 કલાકમાં બ્રિજનું કામ શરૂ થઇ જશે એવી ખાતરી આપી હતી. આ ખાતરી બાબતે વસુબેન ઉપર સવાલોનો મારો થતાં વસુબેને એવી મજબૂરી દેખાડી હતી કે, મનપા અને રેલતંત્રની વડી કચેરી વચ્ચે ઝડપી સંકલનનો અભાવ જવાબદાર છે. પણ આ મુદ્દે હવે ઝડપી કાર્યવાહી કરાશે.
16 લાખની વસ્તીમાંથી માત્ર 22 પ્રશ્ન આવ્યા!
રાજકોટની વસતી 16 લાખની છે. તેમાંથી માત્ર 22 જ સવાલ લોકદરબારમાં આવ્યા હતા. એ જોઇને એક સવાલ એ ઊભો થાય છે કે, ખરેખર આટલા જ સવાલો આવ્યા હશે કે પછી અમુક સવાલો ઉપર ચારણો મારી દેવાયો, શહેર આખું સંપૂર્ણ વિકસિત હોય એવું ચિત્ર રજૂ કરવા માટે જ ઓછા સવાલો મંત્રી સમક્ષ મૂકવાની ચાલાકી અપનાવવામાં આવી હોય એવા કટાક્ષો વિપક્ષમાંથી થઇ રહ્યા છે. લોકદરબારમાં શહેરની સુવિધા માટે માત્ર 22 પ્રશ્નો જ આવતા જ આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો.
કોંગી અને પોલીસ વચ્ચે ઝપાઝપી
મંત્રી વસુબેને પહેલા એવું કહ્યું હતું કે, કાર્યક્રમ અગાઉ જેટલા પ્રશ્નો આવ્યા છે એ જ ધ્યાનમાં લેવાશે. બીજીબાજુ અમુક નાગરિકો સ્થળ પર સવાલ લઇને સીધા આવ્યા હતા. આવા અરજદારોને વિજિલન્સ પોલીસે અંદર પ્રવેશવાની મનાઇ કરી દેતાં આ મામલે કોંગી આગેવાન અશોકસિંહ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ પડી હતી. પરંતુ આ મામલે થોડીવાર વાતાવરણ ગરમાયું હતું.
અધિકારીઓ-પદાધિકારીઓ લોકદરબારમાં બેસી ગયા, અનેક અરજદારોને ધક્કા થયા
લોકદરબાર આમપ્રજા માટે હતો કે પછી અધિકારીઓ-પદાધિકારીઓ માટે એ જ સમજાતું ન હતું. મોટાભાગના અધિકારીઓ-પદાધિકારીઓ ઓફિસના કામ પડતાં મૂકીને લોકદરબારમાં બેસી ગયા હતા. પરિણામે અન્ય કામગીરી માટે મનપા કચેરીએ આવેલા અનેક અરજદારોને ધક્કા થયા હતા.