કોર્ટ નજીક વકીલના ટાઉટને વકીલોએ લમધારી નાખ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દરેક પોલીસ સાથે સંકળાયેલા એક વકીલના ટાઉટે સિનિયર વકીલના ભાઇ ઉપર હાથ ઉગામી લીધો હતો : આજે બપોરે નજરે પડેલા ટાઉટને જોઇ વકીલો વિફર્યા

મોચી બજાર કોર્ટ નજીક વકીલના ટાઉટને વકીલોએ આડે હાથ લઇને લમધારી નાખ્યો હતો. બારોબાર અસીલો લઇ જવા માટે પંકાયેલા વકીલના ટાઉટે ગઇકાલે સિનિયર વકીલના ભાઇ ઉપર હાથ ઉપાડી લીધો હતો. આજે એ ટાઉટ કોર્ટ નજીક આવ્યાની જાણ થતાં રોષે ભરાયેલા વકીલોએ તેની ધોલાઇ કરી નાખી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ અસીલો મેળવવા માટે દરેક પોલીસ મથકના સ્ટાફ સાથે સંકળાયેલા વકીલનો ટાઉટ સાજીદ ગઇકાલે અસીલ મુદે સિનિયર વકીલના ભાઇ સાથે ઝઘડો કરીને હાથાપાઇ ઉપર ઉતરી આવ્યો હતો.તેમજ લાકડીથી હુમલો કરતા છોડાવવા પડેલા સિનિયર વકીલને ઇજા થતાં લોહી નીકળી ગયું હતું. મામલો તંગ બની જતાં ટાઉટ સાજીદ મુઠ્ઠીઓ વાળીને નાસી ગયો હતો.

દરમિયાન ટાઉટ સાજીદ આજે કોર્ટ સામે ગોકુલ ચેમ્બર્સમાં વકીલની ઓફિસે આવ્યો હોવાની માહિ‌તી મળતાં રોષે ભરાયેલા વકીલોએ તેને ઓફિસમાંથી બહાર કાઢીને ધોલધપાટ શરૂ કરી હતી.તેમજ જેના કારણે ટાઉટ ઉછળકૂદ કરતો હતો એ વકીલ ઉપર પણ ટપલી દાવ થઇ ગયો હતો. અંતે ટાઉટે માફી માગીને હવે કયારેય કોર્ટ સંકુલમાં નહીં આવે તેવી ખાતરી આપતા તેને જવા દેવાયો હતો. તેમજ વકીલને પણ ટાઉટ નહીં રાખવા સૂચના આપી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે કેસ મેળવવા માટે ચોક્કસ વકીલો ટાઉટને રાખવા લાગ્યા છે. આ મુદે અગાઉ પણ ડખો થયો હતો. અને બાર એસોસિએશન સુધી રજૂઆત થઇ હતી.

કોર્ટમાં વકીલની સૂટકેસે પોલીસને દોડધામ કરાવી

મોચી બજાર કોર્ટ સંકુલમાં એક શંકાસ્પદ સૂટકેસ પડી હોવાની કોઇએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. એ સૂટકેસમાં બોમ્બ હોવાની અફવા પણ શરૂ થઇ હતી. જોકે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડનો સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો ત્યારે એક વકીલ આવ્યા હતા અને પોતે સૂટકેસ ભૂલી ગયાનું જણાવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.