જમીન પર કબજો કરી નાણાં પડાવતી પ ગેંગ સક્રિય!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શ્રેષ્ઠ પણ જમીન અને મકાનની કોઈ સલામતી નથી
ખાલી પ્લોટ,બંધ મકાન ઉપર કબજો જમાવી પૈસા પડાવતી ગેંગના સૂત્રધાર કુખ્યાત વલકુ આહીર અને પોલીસ પુત્ર સહિ‌ત ૧૨ પકડાયા
જમીન કૌભાંડિયાઓ માટે રાજકોટ નગરી સ્વર્ગ બની ગઇ છે. બોગસ દસ્તાવેજોના આધારે જમીન હડપ કરી બારોબાર વેચી દેતા ભૂમાફિયાઓ બાદ જમીન ઉપર કબજો જમાવીને ખંડણી ઉઘરાવતી પાંચ ગેંગ સક્રિય હોવાનું એક જમીન કૌભાંડની તપાસમાં બહાર આવતા પોલીસ ચોંકી ઊઠી છે. એક તરફ શ્રેષ્ઠ કાયદો વ્યવસ્થા માટે રાજકોટ શહેરને એવોર્ડ મળે એ જ શહેરમાં પ્રજાની મિલકતની સલામતી ન હોવાનું આ કૌભાંડ પરથી ફલિત થયું છે.
કોઠારિયા રોડ ઉપર રહેતા મનુભાઇ આટકોટિયાના સહજાનંદ હોલ નજીકના ૧પ૦ વારના પ્લોટમાં ૧પ દિવસ પહેલાં કેટલાક શખ્સોએ પથ્થરા નાખીને કબજો જમાવ્યો હતો. અને બીજા દિવસે પ્લોટના માલિક ઉપર હુમલો કર્યો હતો. આ પ્રકરણમાં તાલુકા પોલીસે પોલીસ પુત્ર સહિ‌ત ૯ શખ્સની ધરપકડ
કરી હતી.
આ કૌભાંડના મૂળિયા ઊંડાં જણાતાં કમિશનર એચ.પી.સિંઘે તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી હતી. પીઆઇ વી.બી.જાડેજા, મદદનીશ ભીખુભા જાડેજા, દિલીપભાઇ કલોતરા સહિ‌તના સ્ટાફે ગઇકાલે વધુ બે આરોપી સન્ની રાવતભાઇ આહીરને મેહુલ દિનેશભાઇ ગણાત્રાની ધરપકડ કરી હતી.
બન્નેની પૂછતાછમાં આ ગેંગ પારકા પ્લોટમાં કબજો કરીને પૈસા પડાવવાનું સુઆયોજિત નેટર્વક ચલાવતી હોવાની તેમજ ગેંગનો સૂત્રધાર કુખ્યાત વલકુ વિસાભાઇ આહીર હોવાનું ખુલતા વલકુ આહીર અને તેના બે સાગરીત દિવ્યેશ જેરામભાઇ ઠુમર,કાનો બોઘાભાઇ અલગોતરની ધરપકડ કરી હતી.તેમજ આ ગેંગના જેલહવાલે થયેલા સભ્યોની પૂછતાછ કરી હતી. આ ગેંગ ખંડણી માટે પેશકદમી કરીને કઇ રીતે પૈસા પડાવે છે તેની વિગતો જાણી પોલીસ અધિકારી પણ દંગ રહી ગયા હતા.
એક સભ્ય કબજો કરે,બીજો ધમકી આપે,ત્રીજો સમજાવે,ચોથો પૈસા પડાવે
આરોપીની કબૂલાત મુજબ ગેંગના દરેક સભ્યોને તેમની કામગીરી નિ‌શ્ચિ‌ત કરવામાં આવે છે. એક સભ્ય ખાલી પ્લોટ કયાં છે તે જ શોધવાનું, બીજાએ પ્લોટમાં પથ્થરનું ટ્રેકટર ઠાલવીને કબજો જમાવવાનું કામ કરવાનું, ત્રીજો સભ્યએ પ્લોટમાં આ પ્લોટની માલિકી મારી છે તેવા લખાણ સાથે પોતાના નામ,નંબરનું ર્બોડ લગાવી મૂળ માલિકને ખંડણી માટે ધમકી આપવાની, ચોથો માથાકૂટ,મારામારી કરવા સુધી પહોંચે, પાંચમો સભ્ય સમાધાનની ભૂમિકા નિભાવે અને છઠ્ઠો સભ્ય સેટિંગ કરીને પૈસા સ્વીકારે
વલકુ ગેંગના પકડાયેલા સભ્યો
વલકુ આહીર, દિવ્યેશ ઠુમર, કાનો ભરવાડ, પોલીસ પુત્ર રાકેશ, અજય, સન્ની, ભરત, સાગર, મયૂર, આરિફ, આશિષ, વિજય, તુષાર, રાહુલ અને મેહુલની ધરપકડ થઇ ચૂકી છે. જ્યારે કાકુ ગઢવી સહિ‌તના અન્ય સભ્યો અન્ય કૌભાંડમાં જેલમાં છે.
ખંડણી પડાવતી પાંચ ગેંગ
વલકુ આહીર, રણુજા વિસ્તારમાં રહેતો નવલો, રાજુ, ખંડણી માટે કારખાનેદાર ઉપર હુમલો કરવાના કેસમાં આગોતરા મેળવનાર દિવ્યેશ ઠુમર, જેલહવાલે થયેલો કાકુ ગઢવી, રઘુ અને કાના ભરવાડની ગેંગ સક્રિય છે.
રણુજા મંદિર આસપાસ આઠ પ્લોટ, ત્રણ મકાનમાં પૈસા પડાવ્યા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે છેલ્લા બે અઢી વર્ષથી સક્રિય આ ટોળકીએ અત્યાર સુધીમાં આઠ પ્લોટ અને ત્રણ મકાનમાં કબજો કરીને ૪૦ થી પ૦ લાખ રૂપિયા પડાવી લીધાનું ખુલ્યું છે. જોકે હજી સુધી કોઇએ ફરિયાદ કરવાની હિંમત કરી નથી.