રાજકોટ: આવાસ યોજનામાં બિલ્ડરોને 75 ટકા જમીનની લહાણી કરાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)

-કલેક્ટરે વાંકાનેર સોસાયટી પાસે 6400 ચો.મી. જમીન મનપાને ફાળવી
-
જામનગર રોડ પર લોકભાગીદારીના નામે બિલ્ડરોને બખ્ખા કરાવવાનો ખેલ

રાજકોટ: ગરીબોને ઘરનું ઘર આપવામાં બિલ્ડરો સાથે લોકભાગીદારી કરીને આવાસ યોજના બનાવવાના શંકાસ્પદ પ્રોજેક્ટનો એક ખેલ રાજકોટમાં પાર પડી રહ્યો છે. જામનગર રોડ જેવા વિકસિત વિસ્તારમાં 6400 ચો.મી. જેટલો વિશાળ પ્લોટ પીપીપી હેઠળ આવાસ યોજના માટે બિલ્ડરને લહાણી થવા જઇ રહ્યો છે. આ પ્લોટમાં ગરીબોના હિસ્સે તો માત્ર 25 ટકા જ જમીન રહેવાની છે. 75 ટકા જમીન બિલ્ડરને તેના લાભાર્થે વપરાશ કરીને તગડી કમાણી કરી લેશે એવું જાણકારો સ્પષ્ટપણે કહી રહ્યા છે.

રાજકોટના પ્રવેશદ્વાર જામનગર રોડ પર વાંકાનેર સોસાયટી નજીક કલેકટર તંત્ર હસ્તકની 6400 ચો.મી. જમીન આવેલી છે. આ જમીન પર પ9 ઝૂંપડાં અને 18 દુકાનોનું દબાણ થઇ ગયેલું છે. ઝૂંપડપટ્ટીની જગ્યાએ જ આવાસ યોજના બનાવવાની સરકારના હાઉસિંગ પ્રોજેક્ટમાં આ સ્થળે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ(પીપીપી) હેઠળ આવાસ યોજના બનાવવાનું નક્કી થયું છે.

આવાસ માટે થયેલી ટેન્ડર પ્રક્રિયાના અંતે કેતન કન્સ્ટ્રકશન લિમિટેડ નામની એજન્સીએ સૌથી વધુ પ્રતિ ચો.મી. રૂ.8202 લેખે રૂ.પ.2પ કરોડ આપવાની ઓફર કરી હતી. તેને આ જમીન આવાસ યોજના માટે આપવાની ચાલતી પ્રક્રિયા વચ્ચે કલેકટર તંત્રે જમીન મનપા હસ્તક આવાસ યોજના બનાવવા સોંપવા સહમતી દર્શાવી દીધી છે.લોકભાગીદારીથી તૈયાર થનાર આ આવાસમાં ગરીબો કરતા બિલ્ડરને વધુ ફાયદો થાય એવું જાણકારો કરી રહ્યા છે. 6400 ચો.મી. જમીનમાંથી માત્ર 25 ટકા જ ભાગમાં 2પ ચો.મી.ના ક્વાર્ટર્સ બનવાના છે. બાકીની 7પ ટકા જમીન બિલ્ડરને પાણીના ભાવે લહાણી થઇ જવાની છે. આ જમીન પર બિલ્ડર પોતાના લાભાર્થે બાંધકામ કરીને તગડી કમાણી કરી લેશે.

60 હજારથી વધુના બજારભાવ સામે માત્ર ‌રૂ. 8208માં લહાણી
જે જગ્યાએ આવાસ યોજના બનવાની છે ત્યાં પ્રતિ ચો.મી. ઓછામાં ઓછા રૂ.60 હજારથી વધુ બજારભાવ છે. બજારભાવ સામે ચોથા ભાગનો ભાવ પણ બિલ્ડરે આપ્યો નથી.

અગાઉ દરખાસ્ત પરત મોકલી હતી
લોકભાગીદારી આવાસ યોજના પ્રથમથી જ વિવાદમાં રહી છે. બબ્બે વખત ટેન્ડર પ્રક્રિયા થઇ. એજન્સી ફાઇનલ થયા પછી શાસકોએ સળગતું હાથમાં લઇને દાઝી ન જવાય એવો વિચાર કરીને દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં આવી ત્યારે કમિશનરને પરત ધકેલીને અભ્યાસ માટે કલેકટર સહિતના નવ સભ્યોની કમિટી રચી હતી.

હિંગળાજનગરમાં શું વાંધો આવ્યો
અમીનમાર્ગના છેડે આવેલી દબાણગ્રસ્ત વસાહત હિંગળાજનગરમાં પણ આવી જ રીતે લોકભાગીદારીથી આવાસ યોજના બનાવવામાં પ્રતિ ચો.મી.ના રૂ.60 હજારના ભાવ આવ્યા હતા. આ વિસ્તારમાં બજારભાવ રૂ.1 લાખથી વધુનો ગણવામાં આવે છે. જામનગર રોડ પર બજારભાવથી ચોથા ભાગના ભાવે જમીનની લહાણી થઇ છે તો હિંગળાજનગરમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ મનપાએ નકારી દીધો હતો.