૬ મેથી તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ થશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રની કેસર કેરીના મુખ્ય વિસ્તાર ગણાતા તાલાલા માર્કેટિંગ યાર્ડમાં છઠ્ઠીમેથી કેસર કેરીની હરાજી શરૂ થવા જઇ રહી છે. જોકે ૨૦ મે પછી જ આવકનું પ્રેશર વધશે.ઓણસાલ દોઢ મહિ‌ના પહેલા પડેલા કમોસમી વરસાદ અને કરાને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હતું અને કેરીની સિઝન પણ લેઇટ થઇ છે. ગત વર્ષે તાલાલા યાર્ડમાં એપ્રિલના બીજા સપ્તાહથી કેસર કેરીની હરાજી શરૂ થઇ ગઇ હતી. તાલાલા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હરસુખભાઇ ઝરસાણિયાએ આ અંગે જણાવ્યું હતું કે તાલાલા યાર્ડમાં ૬ મેના રોજ બપોરે બે વાગ્યે કેસર કેરીની હરાજી શરૂ થશે.પહેલા દિવસે પ૦૦૦-૭૦૦૦ બોક્સ કેસર કેરી આવશે પણ ત્યાર બાદ આવક ધીમી પડી જશે. કેરીની આવકનું પ્રેશર ૨૦મી મે પછી જ દેખાશે. સૌરાષ્ટ્રમાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા કેરી ઝડપથી પાકી રહી છે. જો આવું જ તાપમાન જળવાઇ રહે તો પાક વહેલો તૈયાર થઇને બજારમાં આવી જશે. અત્યારે કાચી કેસર કેરી આંબે ઝૂલી રહી છે.

ઓણસાલ શરૂઆતમાં ભાવ ઊંચા રહેશે
કેસર કેરીની હરાજી સમયે કેવા ભાવ રહેશે તે અંગે પૂછતા વેપારીઓએ જણાવ્યું હતું કે અત્યારથી તે કહેવું વહેલું ગણાશે પણ ગત વર્ષ કરતા સરેરાશ ભાવ ઊંચા રહેશે. જે ક્રોપ બજારમાં આવી રહ્યો છે તે ૧૦ કિલોદીઠ રૂ.૪૦૦-૭૦૦ના ભાવે બજારમાં વેચાઇ રહ્યો છે. આવકનું પ્રેશર વધશે ત્યાર પછી ભાવમાં થોડો ઘટાડો થશે.