સૌરાષ્ટ્રના જયદેવને રોયલ ચેલેન્જરે રૂ.પોણા ત્રણ કરોડમાં ખરીધ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- આઇપીએલમાં સેહવાગની વિકેટ ઝડપી તે યાદગાર ક્ષણ
- એક ટેસ્ટ રમેલો ઉનડકટ નવા જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે


સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટની આઇપીએલ હરાજીમાં આજે રોયલ ચેલેન્જર્સે સફળ બોલી લગાવી હતી. જયદેવને આરસીબીએ ૫૨૫૦૦૦ ડોલર્સમાં ખરીધ્યો હતો. ભારત વતી એક ટેસ્ટે રમી ચુકેલા જયદેવે આજે આગામી સિઝનમાં પોતાના સારા દેખાવ અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પહેલા તે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂકયો છે.

જયદેવ ઉનડકટને તમામ ક્રિકેટરો માટે દિવાસ્વપ્ન જેવી ગણાતી દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ મેચમાં પદાર્પણની તક મળી હતી. ૨૦૧૦માં દક્ષિણ આફ્રિકાના સેન્ચુરિયન સુપર સ્પોર્ટસ પાર્કમાં રમાયેલી આ ટેસ્ટમેચ ભારત એક ઇનિંગ અને ૨૫ રને હારી ગયું હતું. તેમા જયદેવને એક પણ વિકેટ મળી ન હતી.

છેલ્લી રણજી સિઝનમાં પણ તેણે સારી બોલિંગ કરી હોવા છતાં તેને ઝાઝી વિકેટો મળી ન હતી. આરબીસીમાં પોતાનો સમાવેશ થતા ભારે ઉત્સાહી જયદેવ કહે છે કે‘આ વખતે સારો દેખાવ કરવાનો પ્રયાસ કરીશ. ગત સિઝનમાં સારી બોલિંગ કરવા છતાં વિકેટો મળી ન હતી.’ ફકત ૨૧ વર્ષનો જયદેવ હવે આત્મ વિશ્વાસથી છલકે છે.

- કેરિયર ગ્રાફ

એક ટેસ્ટ મેચ રમી ચૂકેલો જયદેવે ૨૯ ફર્સ્ટ કલાસ મેચમાં કુલ ૮૫ વિકેટ ઝડપી છે. ગત ૨૦૧૩ની રણજી સિઝનમાં ૨૦ વિકેટ હાંસલ કરી છે. આઇપીએલ ૨૦૧૦-૧૨માં ૧૧ મેચોમાં ૧૦ વિકેટો ઝડપી હતી.

- જયદેવ કમબેક કરશે: ઓડેદરા

જયદેવના કોચ રામભાઇ ઓડેદરા જયદેવના ભાવી અંગે ભારે આત્મવિશ્વાસ ધરાવે છે. કહ છે‘જયદેવે છેલ્લી રણજી સિઝનમાં બહુ જ સારી બોલીંગ કરી હતી. એ વાત અલગ છે કે ફાઇનલ સહિતની મેચોમાં તેને અપેક્ષા મુજબની વિકેટો ન મળી. પણ તે ડેફિનેટલી કમ બેક કરશે.’

- ટીમ ઇન્ડિયામાં ઘણું શિખ્યો

ઘણા એમ માને છે કે જયદેવને ભારતીય ટેસ્ટ ટીમમાં વહેલી તક મળી ગઇ હતી. પોરબંદરની દુલપિસિંહ સ્કૂલ ઓફ ક્રિકેટમાંથી એક સારા ફાસ્ટબોલર તરીકે ઉભરેલો ઉનડકટ જોકે આ અંગે સહમત થતો નથી. તેનુ કહેવું છે કે ‘૨૦૧૦માં ઇન્ડિયા એ વતી મે ૧૩ વિકેટ ઝડપી હતી. અને ત્યારે મારુ જે ફોર્મ હતું તે મુજબ મને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું તે યોગ્ય જ હતું.’ તે ઉમેરે છે કે ‘ભારતની આ દક્ષિણ આફ્રિકાની ટુર દરમિયાન ટીમ ઇન્ડિયાના સિનિયર ખેલાડીઓ પાસેથી ઘણું શીખવા મળ્યું હતું. ’ આઇપીએલમાં બે વર્ષ પહેલા કેકેઆર વતી દિલ્હી ડેર ડેવિલ સામેની મેચમાં તેણે ઝડપેલી સેહવાગની વિકેટને તે યાદગાર ક્ષણ ગણાવે છે.