બોગસ ઓર્ડર કૌભાંડ: ‘દિવ્ય ભાસ્કર’નાં અહેવાલ બાદ તપાસ શરૂ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બે વ્યાખ્યાતાની બોગસ ભરતી અંગેના દસ્તાવેજો એકત્ર કરવાની કવાયત - સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ તપાસ શરૂ કરવા આદેશ આપ્યો ઉચ્ચ શિક્ષણ વિભાગે બે વ્યાખ્યાતાની નિમણૂંક કરતાં બોગસ ઓર્ડર કર્યા હોવાના‘દિવ્ય ભાસ્કર’નાં અહેવાલ બાદ શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામી છે. ઉચ્ચ કક્ષાએથી તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. બીજી બાજું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાવાહકોએ પણ બન્ને વ્યાખ્યાતાઓનું તમામ રેકર્ડ એકત્રિત કરવાના આદેશ કરી દીધા છે. તપાસના અંતે અલગ જ પ્રકારની વિગતો બહાર આવે તેવી સંભાવનાં ટોચનાં શિક્ષણવિદ્રોએ વ્યક્ત કરી છે. રાજકોટની સદ્ગુરુ મહિલા હોમ સાયન્સ એન્ડ એમ.જે.કુંડલિયા ઇંગ્લીશ મીડિયમ મહિલા કોલેજમાં ફરજ બતાવતા જયોતિન્દ્ર જાની અને પોરબંદરની એમ.ડી.સાયન્સ કોલેજમાં અધ્યાપક દિલીપ ત્રાંબડિયાની બિન સરકારી અનુદાનપાત્ર કોલેજમાં કોઇપણ પ્રકારની કાર્યવાહી વિના સીધી જ નિમણૂંક આપી દેવાયા અંગેનો અહેવાલ ‘દિવ્ય ભાસ્કરે’પ્રકાશિત કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા શૈક્ષણિક જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણે બુધવાર સવારથી ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઇ છે. ઉચ્ચ શિક્ષણ વિભાગને પણ આ બાબતથી વાકેફ કરવામાં આવ્યું છે. ખાનગી કોલેજમાં વ્યાખ્યાતાઓની ખોટી રીતે નિમણૂંક કરાયા બાદ બન્ને અધ્યાપકોએ છ-છ વર્ષ સુધી ગ્રાંટ ઇન એઇડ કોલેજમાં ફરજ બજાવી છે અને હાલ ફરજ બજાવી પણ રહ્યા છે. કુલપતિ ડૉ.મહેન્દ્ર પાડલિયાએ કહ્યું હતું કે અખબારોમાં અહેવાલ વાંચ્યા બાદ બન્ને વ્યાખ્યાતાઓના તમામ રેકર્ડ એકત્રિત કરવાની સૂચના આપી દીધી છે. સંભવત : ગાંધીનગરથી તપાસ આવે તો તમામ દસ્તાવેજી પુરાવાઓ આપી શકાય. - યુનિ.માં રેકર્ડ છે કે નહીં? જયોતિન્દ્ર જાની અને દિલીપ ત્રાંબડિયાના જ્યારે ઇન્ટરવ્યૂં લેવાયા તે સમયની તમામ વિગતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મોકલાવી ફરજિયાત હોય છે. જોડાણ વિભાગ પાસે તમામ રેકર્ડ ઉપલબ્ધ હોય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોડાણ વિભાગની જવાબદારી સંભાળતા ધીરેન પંડ્યાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, જૂના રેકર્ડનો કદાચ નાશ કરી દેવાયો હોવો જોઇએ આમ છતાં તપાસ કરવામાં આવશે. જ્યારે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર રમેશ ચંદ્ર પરમારે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજના વ્યાખ્યાતાઓનું રેકર્ડ ઉપલબ્ધ હોય જ છે અને ફાઇલો કદાચ આડાઅવળી મૂકાઇ ગઇ હોય તો રજિસ્ટરમાં તો નોંધ હોય છે. તેના પરથી સત્ય વિગતો અંગેની જાણકારી મળી શકે. - આ રહ્યો જીવતો જાગતો પુરાવો જૂનાગઢની ઘોડાસરા કોલેજ દ્વારા રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ પાસે મંજૂરી માગવામાં આવી ત્યારે જે તે વખતે પ્રિન્સપાલ એમ.બી.ભાલોડિયા સહિતના તમામ વ્યાખ્યાતાઓની એનઓસી મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પરિશિષ્ટ-૨ ના માહિતી પત્રકમાં ૧૭માં ક્રમાંક ધરાવતા જે.એચ.જાનીનાં મંજૂરીનાં કોષ્ટકમાં સેલ્ફ ફાઇનાન્સ હોઇ મંજૂરીનો પ્રશ્ન રહેતો નથી. તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે. ૧૯નો ક્રમાંક ધરાવતા પી.જી.રાદડિયા ફાજલ અધ્યાપક તરીકે માણાવદરથી આવતા તે અંગે પણ નોંધ કરવામાં આવી છે.