પ.૯પ લાખના દાગીનાની લૂંટમાં શકમંદોની પૂછપરછ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પ.૯પ લાખના દાગીનાની લૂંટમાં શકમંદોની પૂછપરછ
- લક્ષ્મી જવેલર્સમાં ઘૂસી સોની વેપારી પર હુમલો કરી થયેલી લૂંટનો ભેદ ઉકેલવાની પોલીસને આશા

શહેરના પેલેસ રોડ પર આવેલી લક્ષ્મી જવેલર્સમાં પોલીસની નજર સામે ઘૂસી બે બુકાનીધારીઓએ રૂા.પ.૯પ લાખના સોનાના દાગીનાની સનસનીખેજ લૂંટ ચલાવી હતી. સીસીટીવી કેમેરામાં બંને લુટારુઓ કેદ થઇ ગયા હોય પોલીસે શકમંદોને સકંજામાં લઇ પૂછપરછ શરૂ કરી હતી અને લૂંટનો ભેદ ઉકેલાઇ જવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. પ્રહલાદ પ્લોટમાં રહેતા અને પેલેસ રોડ પર લક્ષ્મી જવેલર્સ નામે દુકાન ધરાવતાં સુનિલભાઇ કિશોરભાઇ પાલા (ઉ.વ.૨૩) શનિવારે બપોરે પોતાની દુકાને હતા ત્યારે શરૂઆતમાં એક બુકાનીધારી દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી રેકી કરી ગયો હતો અને બાદમાં એ સહિ‌ત બે બુકાનીધારી દુકાનમાં ઘૂસ્યા હતા.

સોનાના જુદા-જુદા દાગીના બતાવી રહેલા વેપારીની આંખમાં મરચાંની ભૂકી છાંટી છરીથી હુમલો કરી બંને લુટારુઓ ૨૩૮ ગ્રામ સોનાના પ.૯પ લાખની કિંમતના સોનાના દાગીના લૂંટી દુકાનની બહાર નીકળી ગયા હતા. લૂંટને પગલે વેપારીએ બૂમાબૂમ કરતા નજીકમાંજ ઊભેલી એ.ડિવિઝન પોલીસની પીસીઆરવેનમાં રહેલા પોલીસસ્ટાફે બાઇકમાં ભાગી રહેલા લુટારુઓનો પીછો કર્યો હતો પરંતુ, પોલીસ લુટારુઓ સુધી પહોંચી શકી નહતી. ધોળે દિવસે પોલીસની નજર સામે લૂંટ થતાં શહેર પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

બંને લુટારુ દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા. પોલીસે ફૂટેજના આધારે લુટારુઓનું પગેરું મેળવવાના પ્રયાસો આદરી દીધા હતા. લૂંટમાં સ્થાનિક શખ્સોની સંડોવણી હોવાનું સ્પષ્ટ થતાં ક્રાઇમ બ્રાંચે કેટલાક શકમંદોને ઉઠાવી લીધા હતા અને ઊલટ તપાસ શરૂ કરી હતી. લૂંટનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલાઇ જવાનો એસીપી રબારીએ આશાવાદ વ્યકત કર્યો હતો. દરમિયાન વેપારી આલમમાં લૂંટના વધતાં બનાવને પગલે પોલીસતંત્રની કામગીરી સામે ભારે રોષની લાગણી વ્યાપી રહી છે.

૨૦ મિનિટમાં જ લુટારુઓ ઓપરેશન પાર પાડી ગયા

ક્રાઇમ બ્રાંચે દુકાનમાંથી સીસીટીવી કેમેરાનું ફૂટેજ કબજે કર્યું હતું અને જીણવટપૂર્વક તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પહેલા એક લુટારુ દુકાનમાં આવ્યો હતો. દસ મિનિટ તેણે દુકાનમાં દાગીના જોવાનો ઢોંગ કર્યો હતો. બાદમાં તે જતો રહ્યો હતો અને થોડીવારમાં એ શખ્સ સહિ‌ત બે બુકાનીધારી દુકાનમાં પ્રવેશ્યા હતા. વેપારી દાગીના બતાવવામાં મશગુલ રહ્યો હતો અને મોકો મળતા જ હુમલો કરી દાગીના લૂંટી જતાં રહ્યા હતા. ૨૦ મિનિટમાં જ લુટારુઓ ખેલ પાડી ગયાનું ફૂટેજના આધારે સ્પષ્ટ થયું હતું.