રાજકોટ: 10 કરોડનું કાળું નાણું ઝડપાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ત્રણ બિલ્ડર જૂથને ત્યાં 5 સ્થળે સોમવારથી ફરી તપાસનો ધમધમાટ
- સીલ કરાયેલા 80 લોકરો ખોલવાનું શરૂ, 2 લાખ રોકડા મળ્યા

રાજકોટ: રાજકોટ ઇન્કમટેક્સ વિભાગે ત્રણ બિલ્ડર જૂથના 28 સ્થળોએ શરૂ કરેલી તપાસ શનિવારે થંભાવી દીધા બાદ સોમવારથી ફરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાથમિક અહેવાલ મુજબ રૂપિયા 10 કરોડનું કાળું નાણું એક બિલ્ડર જૂથે જાહેર કર્યું છે. શનિવારે એસ્ટ્રોન રોડ પર ખાનગી પાર્ટીના 80 લોકર સીલ કરવામાં આવ્યા હતા. તે સોમવારે ખોલાયા હતા. જેમાં એક લોકરમાંથી 2 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા. જોકે તે કાયદેસરના હોવાનું સ્પષ્ટ થયું હતું.

આયકર વિભાગે વસંત ડેવલોપર્સ, રાધે ડેવલોપર્સ સહિત ત્રણ બિલ્ડર જૂથના 28 સ્થળો સરવે અને સર્ચની કામગીરી શરૂ કરી હતી. સરવેની કાર્યવાહી ગત શુક્રવારે જ પૂરી થઇ ગઇ હતી જોકે એક પણ પાર્ટી દ્વારા બેનામી મિલકતો અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું ન હતું. અને મોટાભાગની પેઢીઓ સોમવાર સુધીમાં કાળાં નાણાં સંદર્ભે સ્પષ્ટતા કરે તેમ મનાઇ રહ્યું હતું. દરમિયાન સોમવારે વસંત બિલ્ડર્સ દ્વારા અંદાજે 10 કરોડના બેનામી વ્યવહારો જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

એસ્ટ્રોન રોડ પર ખાનગી પેઢીના સીલ કરાયેલા 80 લોકરો પણ ખોલાયા હતા.જેમાં એક લોકરમાંથી રૂપિયા 2 લાખ રોકડા મળ્યા હતા, પરંતુ તે એક બિલ્ડરના પત્નીના નામે કાયદેસરના હોવાનું બહાર આવ્યું હતું. સોમવારથી ફરી તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તબક્કે 10 કરોડના ગોટાળા બહાર આવ્યા છે. તપાસ હજુ મંગળવાર રાત સુધી ચાલે તેવી શક્યતા છે. બેનામી વ્યવહારોનો આંક સંભવત: 25 કરોડથી વધુ ઉપર જાય તેવી સંભાવના ઇન્કમટેક્સ વિભાગના સૂત્રોએ વ્યકત કરી હતી.