ઇમ્પેક્ટ ફીનો છેવટ સુધી રકાસ, સૂચિતમાં સાવ સુરસુરિયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- રાજકોટમાં અનઅધિકૃત હજારો બાંધકામ, ઇમ્પેક્ટ હેઠળ મંજૂર થયા ૩૯પ૮: યોજનાને ઘોર નિષ્ફળતા

સૂચિત સહિ‌તના અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા રાજ્ય સરકારે અમલી બનાવેલા ઇમ્પેક્ટ ફીના કાયદાનો રાજકોટમાં છેલ્લે સુધી રકાસ જ જોવા મળ્યો છે. ઇમ્પેક્ટ ફી માટે અરજી ઇન્વર્ડ કરવાનો આ છેલ્લો મહિ‌નો છે. માત્ર ૭ જ દિવસ આડા છે અને શહેરમાં સેંકડોની સંખ્યામાં અનઅધિકૃત બાંધકામ છે તેમાંથી માત્ર ૩૯પ૮ બાંધકામ જ કાયદેસર થયા છે. સરકારે ઇમ્પેક્ટ ફીની અમલવારી શરૂ કરી ત્યારથી લઇ અત્યાર સુધીમાં મુદત વધારવાથી માંડી ફીના દરમાં ઘટાડો કરવા સહિ‌ત અનેક રીતે રાહત આપવા છતાં લોકોમાં છેલ્લે સુધી નબળો પ્રતિસાદ જ મળ્યો છે.

ઇમ્પેક્ટ ફીના કાયદાના ફિયાસ્કા પાછળ અનેક પરિબળો ભાગ ભજવે છે. ખાસ કરીને સૂચિત સોસાયટીનો મામલો છે ત્યાં માત્ર બાંધકામ જ કાયદેસર થઇ શકે છે, જમીનનો માલિકી હક્ક આસામીને મળે એવી કોઇ જોગવાઇ સરકારે ઇમ્પેક્ટ ફીના કાયદામાં છેવટ સુધી ન જ લાવતાં સૂચિત સોસાયટીઓના રહેવાસીઓએ ઇમ્પેક્ટ ફીને જાકારો આપી દીધો હોય એવી સ્થિતિ સર્જા‍ઇ છે. મહાપાલિકાએ છેલ્લે કરેલા સર્વે મુજબ સૂચિત સોસાયટીઓમાં ૮પ હજારથી વધુ મકાનો છે. તેમાંથી ઇમ્પેક્ટ ફીનો લાભ લીધો હોય તેવા બાંધકામ માત્રને માત્ર ૩૧પ જેટલા જ છે. એ સિવાય દસ્તાવેજવાળા બાંધકામોમાં પ્લાનથી વધારાનું બાંધકામ કર્યું હોય તેવા બાંધકામોએ પણ ઇમ્પેક્ટ ફીનો જોઇ એવો લાભ લીધો નથી.

- વાર્ષિ‌ક રૂ.૨પ કરોડની આવકના લક્ષ્યાંક સામે દોઢ વર્ષમાં માત્ર રૂ.૧૨ કરોડ

ઇમ્પેક્ટ ફીનો કાયદો જે ગત વર્ષે જ્યારે અમલી બન્યો ત્યારે મહાપાલિકાએ તેના વર્ષ ૨૦૧૧-૧૨ના બજેટમાં ઇમ્પેક્ટ ફી પેટે રૂ.૨પ કરોડ આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. એ વર્ષમાં માત્ર ૮ કરોડ જ થઇ હતી અને ચાલુ નાણાકીય વર્ષમાં આગામી તા.૧૮ જુલાઇ અરજી ઇન્વર્ડ કરાવવાની છેલ્લી તારીખ છે ત્યારે આવક હજુ માત્ર ૧૨ કરોડે જ પહોંચી છે.

- અરજી ઇન્વર્ડ માટે હવે માત્ર ૮ દિવસ રહ્યા

જેને ઇમ્પેક્ટ ફી હેઠળ અનઅધિકૃત બાંધકામ કાયદેસર કરાવવું છે તેના માટે અરજી ઇન્વર્ડ કરાવવાના હજુ પણ છેલ્લા ૮ દિવસ છે. તા.૧૮ જુલાઇ પછી અરજી નહીં કરી શકાય. અને જેની અરજી આવી છે તેની ફાઇલ મંજૂર કરવાની પ્રક્રિયા પછીના ૧૮ મહિ‌નાનો સમય મહાપાલિકા પાસે છે.

- સીધી વાત
ટીપીઓ
બકુલ રૂપાણી

સવાલ : ઇમ્પેક્ટ ફીનો કાયદો અમલી બન્યો ત્યારે કેટલા બાંધકામની ધારણા હતીઅ?
જવાબ : બાંધકામની સંખ્યાની કોઇ ચોક્કસ ધારણા ન હતી. પણ આવકમાં એક વર્ષમાં ૨પ કરોડનો લક્ષ્યાંક રાખ્યો હતો.
સવાલ : સરકારે ફીમાં ઘટાડો કરવા સહિ‌ત આટલી રાહત જાહેર કરવા છતાં નિષ્ફળતાનું કારણ શું?
જવાબ : સમગ્ર રાજ્યમાં રાજકોટની કામગીરી અવ્વલ નંબરે છે. છતાં ધારણા મુજબની સફળતા ન મળવા પાછળના ઘણા પરિબળો છે.
સવાલ : મુખ્ય પરિબળ ક્યું? મનપાની ઇચ્છાશક્તિનો અભાવ જ ને?
જવાબ : ના એવું નથી, ઇમ્પેક્ટની કામગીરી ટીપી શાખાને સોંપાયેલી છે. ટીપી શાખા પાસે સ્ટાફ ઓછો છે. પ્લાન પાસ, ડિમોલિશન, સાઇટ વિઝિટ સહિ‌તની રૂટિન કામગીરી ઉપરાંત ઇમ્પેક્ટ ફીની કામગીરી પણ કરવી પડી. વધારાનો સ્ટાફ મળ્યો હોત તો, કામગીરીમાં ફેર પડયો હોત.