ધોધમાર વરસાદ માટે હજી અઠવાડિયું રાહ જોવી પડશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- મેઘરાજાની બીજી તોફાની ઈનિંગની રાહ જોતાં લોકો

ચોમાસાના પ્રારંભે જ મનમૂકીને મેઘરાજા વરસ્યા હતા ત્યારબાદ હવે ફરી તેમની ધમાકેદાર બીજી ઈનિંગ માટે અઠવાડિયાની રાહ જોવી પડશે. તેવું વેધર એનાલિસીસ્ટ અશોકભાઈ પટેલે જણાવ્યું હતું. જો કે, તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં ઝાપટાંથી માંડી બે ઈંચ સુધીનો વરસાદ વરસતો રહેશે.

ચોમાસાના મહત્વના ગણાતા ધોરી માસ જુલાઈના પ્રારંભ વેળાએ આગામી સપ્તાહમાં ધોધમાર મેઘમહેર વરસશે તેવી શક્યતા છે. બીજીબાજુ મેઘરાજાની તોફાની બીજા રાઉન્ડના આગમનની લોકો ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. પરંતુ ધોધમાર મેઘમહેર માટે હજુ અઠવાડિયું રાહ જોવી પડશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

- હજુ ઝાપટાંનો માહોલ બરકરાર રહેશે

જુલાઇનો પ્રારંભ થયો છે. આ મહિનામાં બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમ સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં વરસાદ લાવતી હોય છે. ત્યારે મોન્સૂન ટર્ફનો પશ્ચિમી છેડો છેક હિમાલયની તળેટીએ અને પૂર્વ છેડો છેક બહેરામપુર પાસે છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મોન્સૂન ટર્ફની સામાન્ય સ્થિતિ મુજબ તેનો એક છેડો રાજસ્થાનના ગંગાનગર અને પૂર્વ છેડો પશ્ચિમ બંગાળના આસનસોલ ૫ર કેન્દ્રીત હોય છે. આ મોન્સૂન ટર્ફ પોતાની મૂળ સ્થિતિએ આવે ત્યાર બાદ કોઇ નવી સિસ્ટમની આશા છે. દરમિયાન ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થતા હવે સૌરાષ્ટ્રમાં ફકત છુટાછવાયા વરસાદી ઝાપટાંનો દોર જારી રહેશે.

- ૧૧૩ વર્ષમાં ચાલુ વર્ષે જૂનમાં વરસેલો વરસાદ ચોથા ક્રમે

દેશભરમાં છેલ્લા ૧૧૩ વર્ષ દરમિયાન ચાલુ વર્ષે જૂન મહિનામાં વરસેલો વરસાદ ચોથાક્રમે છે. જે સારી બાબત છે. આ અંગે અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જૂન મહિનામાં અમરેલીમાં ૩૩ ટકા, ભાવનગરમાં ૩૩ ટકા, જામનગરમાં ૩૪ ટકા, જૂનાગઢ ૪૭ ટકા, પોરબંદરમાં ૫૮ ટકા, રાજકોટમાં ૩૮ ટકા અને સુરેન્દ્રનગરમાં ૨૯ ટકા મોસમના કુલ સરેરાશ વરસાદના પ્રમાણમાં વરસી ગયો છે. અને ચોમાસામાં મહત્વના ગણાતા ધોરી મહિના એટલે કે, જુલાઈ અને ઓગસ્ટમાં સરેરાશ મોસમના કુલ વરસાદના ૬૦ ટકા વરસાદ વરસતો હોય છે. ત્યારે ચાલુ વર્ષે જૂનની માફક જુલાઈ અને ઓગસ્ટમાં પણ સારા વરસાદની શક્યતા નકારી શકાતી નથી.