વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ચોમાસાના આગમન પૂર્વે આકરી ગરમી : સૌરાષ્ટ્રમાં છુટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના
- આજે પણ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે


વાદળછાયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટનો દોર જારી રહ્યો હતો. આવતીકાલે પણ પ્રિમોન્સૂન એકિટવિટીને પગલે કેટલાક સ્થળે ઝાપટાં પડવાની સંભાવના છે. ચોમાસા પૂર્વે સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરો બફારો અનુભવાઇ રહ્યો છે. કેટલાક શહેરોમાં હજુ તાપમાન ૪૦ ડિગ્રીને પાર રહેતા અંગ દઝાડતો તાપ પણ અનુભવાઇ રહ્યો છે.

આજે અમરેલીમાં મહત્તમ પારો ૪૦.૧ ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં ૪૦.૦ ડિગ્રી રહ્યો હતો. આ શહેરોને બાદ કરતાં પારો ૪૦ ડિગ્રીથી નીચે રહ્યો હતો. રાજકોટમાં આજે મહત્તમ તામાન ૩૮.૯ ડિગ્રી રહ્યું હતું. છેલ્લા ત્રણેક દિવસથી લોકલ સિસ્ટમ સર્જાવાને કારણે સાંજના સમયે છુટાછવાયા ઝાપટાં નોંધાઇ રહ્યા છે. આ પ્રિમોન્સૂન એક્ટિવીટીનો દોર હજુ ૧૫ દિવસ જારી રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગે આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. ત્યારે સમયસર વરસાદ આવે તેની ચાતક ડોળે રાહ જોવાઇ રહી છે.રાજ્યભરમાં આજે અમદાવાદ ૪૧.૨ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરમાં ૪૦.૬ ડિગ્રી, ઇડરમાં ૪૦.૪ ડિગ્રી, સુરતમાં ૩૬.૫ ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ પારો ૪૦.૪ ડિગ્રી નોંધાયો હતો.

- કેરળમાં ૩થી ૪ દિવસમાં ચોમાસું બેસવાના સાનુકૂળ સંજોગો

હવામાન વિભાગની આગાહી મુજબ કેરળમાં નૈઋત્યનું ચોમાસુ આગામી ત્રણથી ચાર દિવસમાં બેસે તેવા સાનુકુળ સંજોગો છે. આ ઉપરાંત અરબી સાગરમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધે તેના સંજોગો પણ ઉજળા હોવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. દરમિયાન ઉત્તર મધ્ય અરબી સાગરમાં સર્જાયેલું લો પ્રેસર હવે ઉત્તરપશ્ચિમ તરફ ખસ્યું છે. સમગ્ર રાજ્યમાં આવતીકાલે પણ વાદિળયું વાતાવરણ રહેવાની તથા સૌરાષ્ટ્રમાં એકલ-દોકલ સ્થળે છુટાછવાયા ઝાપટાની સંભાવના છે.